Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણહરિયાણા-કાશ્મીર સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરાઈ? ઈલેક્શન કમિશનરે...

    હરિયાણા-કાશ્મીર સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરાઈ? ઈલેક્શન કમિશનરે જણાવ્યું કારણ

    ચૂંટણી દરમિયાન સુરક્ષા દળના જવાનો તહેનાત કરવા પડતા હોય છે. જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ હોવાના કારણે ત્યાં સુરક્ષાબળોની જરૂર વધુ પડશે. છેલ્લા થોડા સમયથી ખીણમાં પાકિસ્તાન સરહદે આતંકવાદી હુમલાઓની સંખ્યા પણ થોડી વધી છે.

    - Advertisement -

    16 ઓગસ્ટે ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા હરિયાણા (Haryana) અને જમ્મુ-કાશ્મીરની (Jammu-Kashmir) વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. આગામી સમયમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ હાલ આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. શુક્રવારે (16 ઑગસ્ટ) જ્યારે કાશ્મીરની ચૂંટણી જાહેર કરતી વખતે પૂછવામાં આવ્યું ત્યારે ચૂંટણી પંચ કમિશ્નરે મહારાષ્ટ્ર ચૂંટણીની તારીખો ન આપવાનું કારણ જણાવ્યું હતું.

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ ન આપવાનું કારણ જણાવતાં ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં આ સમયગાળા દરમિયાન વરસાદી વાતાવરણ હોય છે. તથા આગામી સમયમાં પિતૃ પક્ષ, નવરાત્રિ, ગણેશચતુર્થી જેવા તહેવારો પણ આવી રહ્યા છે. તેથી મહારાષ્ટ્ર ચૂંટણીની તારીખો હજી જાહેર કરવામાં આવી નથી.”

    વધુમાં તેમણે કહ્યું કે “ગત વખતે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી. તે સમયે J&Kમાં ચૂંટણી નહોતી પરંતુ આ વર્ષે ચાર ચૂંટણી છે અને તેના પછી તરત જ પાંચમી ચૂંટણી છે. સુરક્ષા દળોની જરૂરિયાતને આધારે અમે 2 ચૂંટણીઓ એકસાથે આયોજિત કરવાનું નક્કી કર્યું છે.” આ વખતે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સાથે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન સુરક્ષા દળના જવાનો તહેનાત કરવા પડતા હોય છે. જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ હોવાના કારણે ત્યાં સુરક્ષાબળોની જરૂર વધુ પડશે. છેલ્લા થોડા સમયથી ખીણમાં પાકિસ્તાન સરહદે આતંકવાદી હુમલાઓની સંખ્યા પણ થોડી વધી છે. આ સંજોગોમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે ચૂંટણી યોજવી પડશે. જેના કારણે મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં પણ ચૂંટણી થાય તો સુરક્ષાની વ્યવસ્થાને પહોંચી વળાય તેમ નથી તેવું ચૂંટણી પંચનું કહેવું છે. જેથી હાલ મહારાષ્ટ્રની ચૂંટણી હરિયાણા-કાશ્મીર સાથે યોજવામાં આવી રહી નથી.

    આ ઉપરાંત રાજીવ કુમારે આ બાબતે અન્ય એક કારણ આપતાં કહ્યું હતું કે, બંધારણ અંતર્ગત આયોગને વિશેષાધિકાર છે કે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય ત્યારબાદ પહેલા 6 મહિનાની અંદર ચૂંટણી કરાવવી, અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂર્ણ થાય છે. જેથી નિયમો અનુસાર નવેમ્બરથી મે 2025 સુધીમાં ક્યારેય પણ મહારાષ્ટ્રની ચૂંટણી યોજી શકાય. નોંધવું જોઈએ કે આ પહેલાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોટેભાગે એકસાથે જ ચૂંટણી યોજાતી રહી છે, પરંતુ આ વખતે કાશ્મીરનો કાર્યક્રમ બદલાયો હોવાના કારણે બંને રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી થશે.

    હરિયાણામાં 1 ઑક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તથા જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર એમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. બંને રાજયોની મતગણતરી એક જ દિવસે 4 ઑક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે શુક્રવાર 16 ઑગસ્ટે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી, જેની સાથે જ બંને રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં