તાજેતરમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં રહીને શત્રુ દેશ માટે જાસૂસી કરવાના આરોપસર અમુક યુટ્યુબરોની ધરપકડ બાદ હવે પાકિસ્તાનમાં આ તમામ જેના સંપર્કમાં હતા એ મહિલાની ઓળખ થઈ છે. ‘મેડમ એન’ કોડવર્ડથી જાણીતી આ મહિલા લાહોરમાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને કહેવાય છે કે ISIના ઈશારે તેણે જ ભારતમાં પોતાનું એક નેટવર્ક સ્થાપવાનું કામ શરૂ કર્યું હતું અને આ માટે તે યુટ્યુબરોને પકડતી હતી.
મહિલાની ઓળખ નોશાબા શહજાદ તરીકે થઈ છે. તે લાહોરમાં એક ટ્રાવેલ કંપની ચલાવે છે. તેનો પતિ પાકિસ્તાન સિવિલ સર્વિસમાંથી નિવૃત્ત થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સેના અને ISIના ઈશારે મહિલાએ ભારતમાં સ્લીપર સેલ નેટવર્ક પાથરવાનું કામ શરૂ કર્યું હતું અને આ કામ એક ટ્રાવેલ એજન્સીની આડમાં કરવામાં આવતું હતું.
પ્રાપ્ત જાણકારી અનુસાર, તાજેતરમાં જ્યોતિ મલ્હોત્રા સહિત જે યુટ્યુબરોની ધરપકડ પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર થઈ, એ તમામ સાથે આ મહિલા સંપર્કમાં હતી. જ્યારે યુટ્યુબરોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેનું નામ ખૂલ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ભારતીય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોના સંપર્કમાં હતી
મીડિયા અહેવાલોનું માનીએ તો આ મહિલા ભારતના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોના સંપર્કમાં રહેતી હતી અને ત્યારબાદ તેમની મુલાકાત ISI અને પાકિસ્તાની સેનાના અધિકારીઓ સાથે પણ કરાવતી. મુખ્યત્વે શીખ અને હિંદુ ઇન્ફ્લુએન્સરોને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. કહેવાય છે કે તેણે છેલ્લા છ મહિનામાં અનેક ભારતીયો અને NRIને પાકિસ્તાન યાત્રા કરવામાં મદદ પૂરી પાડી છે.
શહજાદના સંપર્કો ભારત સ્થિત પાકિસ્તાન હાઈકમિશનમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. તે ફર્સ્ટ સેક્રેટરી (વિઝા) સુહૈલ કમર, કાઉન્સેલર (ટ્રેડ) ઉમર અને ISI ઓપરેટિવ દાનિશના સંપર્કમાં હતી. ઉલ્લેખનીય છે કે દાનિશને થોડા દિવસ પહેલાં જ ભારતે પર્સોના નોન ગ્રાટા જાહેર કરીને દેશવટો આપ્યો હતો. તે જ્યોતિ મલ્હોત્રા અને અન્ય યુટ્યુબરો સાથે પણ સંપર્કમાં હતો.
એક ફોન કૉલથી મંજૂર થતા હતા વિઝા
આ તમામ સાથે સંપર્કોના કારણે પાકિસ્તાની મહિલા ઇચ્છે તેને પાકિસ્તાનના વિઝા અપાવી શકતી હતી અને આ માટે માત્ર એક ફોન કૉલ કરવાની જરૂર રહેતી, તેવું પણ અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, એ પણ નોંધવું રહ્યું કે ભારતથી પાકિસ્તાન પર્યટકો માટે કોઈ સિસ્ટમ નથી કે ભારતીય નાગરિકો માટે ટુરિસ્ટ વિઝાની પણ કોઈ સુવિધા નથી, તેમ છતાં પાકિસ્તાન હાઈકમિશન આ મહિલાના આદેશથી વિઝિટર વિઝા ઇસ્યુ કરતું રહેતું હતું.
આ મહિલાની એજન્સી એકમાત્ર એવી એજન્સી છે જે શીખ અને હિંદુ ધાર્મિક સ્થળો માટે ટુરની વ્યવસ્થા કરે છે. જેનાથી પણ તેની ISI અને સેના સાથેની સાંઠગાંઠ ઘણીખરી સ્પષ્ટ થઈ જાય છે. ભારતીય પર્યટકો પાસેથી જે પૈસા વસૂલવામાં આવે તેનો ઉપયોગ પછીથી પ્રો-પાકિસ્તાન પ્રોપગેન્ડા માટે જ કરવામાં આવતો હતો. હાલ આ મામલે ભારતીય એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.