હોમપેજગુજરાતગંભીરા બ્રિજ પર પંદર દિવસ બાદ પણ કેમ નથી ખસેડાઈ ટ્રક?… અધિકારીઓ...

ગંભીરા બ્રિજ પર પંદર દિવસ બાદ પણ કેમ નથી ખસેડાઈ ટ્રક?… અધિકારીઓ એકબીજાને ખો આપતા હોવાના કારણે વિલંબ થતો હોવાનું મીડિયાએ ચલાવ્યું, કલેક્ટરે ઑપઇન્ડિયાને જણાવી હકીકત

આણંદ કલેક્ટરનું કહેવું છે કે ટ્રક માલિકે તેમની કચેરીમાં આવીને મુલાકાત કરી હતી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ આ તમામ વિગતો તેમને પણ સમજાવી ચૂક્યા છે. માલિક ટ્રક નીચે પાડવા માટે પણ તૈયાર થઈ ગયા છે, પરંતુ કામગીરી એ રીતે કરવી પડશે, જેથી કોઈના જીવને જોખમ ન થાય.

- Advertisement -

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ (Gambhira Bridge) 9 જુલાઈની સવારે તૂટી પડ્યા બાદ બરાબર વચ્ચે એક ટ્રક (Truck) ફસાઈ ગઈ હતી, જે પંદર દિવસ બાદ પણ ત્યાં જ ફસાયેલી રહેતાં મીડિયા ચેનલોમાં ટ્રકના ડ્રાઇવર અને માલિકના ઇન્ટરવ્યુના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને જિલ્લાના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા હોવાના કારણે ટ્રક બ્રિજ પરથી હટાવવામાં વિલંબ થઈ રહ્યો છે અને માલિકે કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. સાથે EMI અને ઈન્સ્યોરન્સ ક્લેમ કરવામાં પણ સમસ્યા આવી રહી હોવાનું ટ્રક માલિકને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે. 

‘દિવ્ય ભાસ્કર’ના એક રિપોર્ટમાં ટ્રક માલિક રામાશંકર પાલને ટાંકીને જણાવાયું છે કે, “આણંદ સરકારી કચેરીના અધિકારીઓ વડોદરા પર ઢોળી રહ્યા છે અને વડોદરાના અધિકારીઓ આણંદ પર ઢોળી રહ્યા છે. અમે ધક્કા ખાઈને થાકી ગયા છીએ. અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે હેલિકૉપ્ટરથી ટ્રક ખસેડવામાં આવે તેવી રજૂઆત પણ આર્મીને કરવામાં આવી હતી, પરંતુ વાહન હમણાં ખસેડવામાં આવે એવી કોઈ શક્યતા નથી.”

આગળ ટ્રક માલિક ભાસ્કરને જણાવે છે કે, “મારે ટ્રક પર લૉન છે અને દર મહિને એક લાખ રૂપિયાનો હપ્તો આવે છે. જો ટ્રક ચાલશે તો હું હપ્તા ભરી શકીશ. મને તંત્રએ ટ્રક હટાવવા માટે બાંહેધરી આપી હતી, પરંતુ આટલા દિવસો પછી પણ ગાડી મળી શકી નથી.”

- Advertisement -

દિવ્ય ભાસ્કરના આ અહેવાલનું મથાળું છે– ‘પહેલાં ટ્રક લટકી, હવે અધિકારીઓ ‘લટકાવી’ રહ્યા છે: દુર્ઘટનાના 10 દિવસ બાદ પણ ટ્રક ગંભીરા બ્રિજ પર, ટ્રક ઉતારવા ડ્રાઈવર ભટકે છે, કહ્યું– મહિને લાખનો હપ્તો છે.’   

ગુજરાત સમાચારની ટીવી ચેનલ GSTVએ ‘સરકારે હાથ અધ્ધર કરી દીધા’ શીર્ષક સાથે લખ્યું કે ટ્રક માલિકની સ્થિતિ કપરી છે અને તેમનું કોઈ સાંભળી રહ્યું નથી. આ અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો કે ટ્રક માલિક દસ દિવસથી આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પણ કોઈ જવાબ મળી રહ્યો નથી. રિપોર્ટમાં આગળ પ્રશાસને હાથ અધ્ધર કરી દીધા હોવાનું લખીને ટ્રક માલિકને ટાંક્યા છે– ‘’અમારે ટ્રકના હપ્તા ભરવાના છે. બેન્ક કહી રહી છે કે હપ્તા ભરો, જ્યારે ઈન્સ્યોરન્સ કંપની કહી રહી છે કે ટ્રક સલામત છે, કોઈ વીમો નહીં મળે.”

આણંદ કલેક્ટરે ઑપઇન્ડિયાને જણાવી સમગ્ર હકીકત 

સમગ્ર મામલે ઑપઇન્ડિયાએ જ્યારે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીનો સંપર્ક કર્યો તો અલગ જ હકીકત સામે આવી. તેમણે જણાવ્યું કે બંને જિલ્લાઓ વચ્ચે વિવાદ હોય કે પ્રશાસનનો એકબીજા પર ઢોળી રહ્યાં હોવાના કારણે વિલંબ થઈ રહ્યો હોય તેવું કશું જ નથી. વાસ્તવિકતા એ છે કે પહેલાં ઘણા દિવસો સુધી રેસ્ક્યુ ઑપરેશન ચાલવાના કારણે અને ત્યારબાદ અમુક ટેકનિકલ કારણોસર ટ્રક હટાવી શકાઈ ન હતી. તેમ છતાં ટ્રક માલિકને આણંદ જિલ્લા કલેક્ટર કચેરી તરફથી તમામ પ્રકારનો સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. 

સમગ્ર ઘટના વિશે માહિતી આપતાં આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, “બ્રિજની દુર્ઘટના બાદ ત્યાં ક્રેન જેવી ભારે મશીનરી લઈ જવી તકનીકી કારણોસર અશક્ય હતી. ટ્રકનો આગળનો ભાગ ઝૂકી ગયો છે, જેને આગળથી ઉઠાવવા માટે ક્રેનની જરૂર પડશે. પરંતુ માર્ગ અને મકાન વિભાગનો અભિપ્રાય હતો કે આ પરિસ્થિતિમાં ક્રેનનો ઉપયોગ કરવો જોખમી છે.”

બીજી તરફ નીચે રેસ્ક્યુ ઑપરેશન પણ સતત ચાલી રહ્યું હતું અને ગઈકાલ સુધી પણ નીચે મશીનરીઓ મૂકવામાં આવી હતી. પરંતુ હવે રેસ્ક્યુ ઑપરેશન લગભગ ખતમ થઈ ગયું છે તો માર્ગ અને મકાન ખાતાના યાંત્રિક વિભાગની એક ટીમ ખાનગી કંપની અને હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડના નિષ્ણાતો સાથે મળીને આ વિષય પર કામ કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે, “આ ટ્રકને પાછળ ખેંચવી કે કઈ રીતે નીચેથી સપોર્ટ આપીને ખસેડવી, એ પ્રશ્ન છે, જેની ઉપર હાલ કામ ચાલી રહ્યું છે. એ પણ જોવાનું રહેશે કે આમાં કોઈ માનવજીવ જોખમમાં ન મૂકાય.” 

રેસ્ક્યુ ઑપરેશન ચાલુ હોવાના કારણે ટ્રક ખસેડાઈ ન હતી 

ટ્રક ખસેડવામાં વિલંબ થવા પાછળનું કારણ એ છે કે દુર્ઘટના બાદ ઘણા દિવસો સુધી રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું હતું. હજુ પણ એક ટેન્કર મળી રહ્યું નથી, જેના કારણે મુંબઈથી સોનાર મશીન મંગાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટના બાદ જ્યારે NDRFએ બચાવ કામગીરી શરૂ કરી ત્યારે જિલ્લા તંત્રને વિનંતી કરવામાં આવી હતી કે ફસાયેલી ટ્રકને ઉપર બાંધી રાખવામાં આવે, જેથી નીચે જોખમ ન સર્જાય અને રેસ્ક્યુ થઈ શકે. કારણ કે રેસ્ક્યુ ઑપરેશન એ પ્રાથમિકતા હતી. 

NDRF સાથે વાત થયા બાદ બંને જિલ્લા તંત્રએ ટ્રકને પાછળથી ક્રેનથી બાંધી રાખી હતી, જેનો હેતુ માત્ર એટલો હતો કે રેસ્ક્યુ પર કોઈ અસર ન થાય અને તે કામગીરી પહેલાં પૂર્ણ કરી દેવામાં આવે. પછીથી જ્યારે આર્મીને પૂછવામાં આવ્યું ત્યારે ઇનપુટ એ મળ્યા કે ટ્રકને પાછળ ખેંચવા કે ધક્કો મારવા, બંનેમાંથી કોઈ પણ પરિસ્થિતિમાં આ કામગીરી કરવા માટે માણસોની જરૂર પડશે જ અને તેમ કરવામાં તેમના જીવને ભયંકર જોખમ છે.

હાલ હવે માર્ગ અને મકાન વિભાગની ટેકનિકલ ટીમો આ ટ્રક ખસેડવા માટેના ઉપાયો પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેનો નિકાલ આવશે. બંને જિલ્લા તંત્રની ટીમો પણ કામગીરીમાં મદદ કરી રહી છે. 

ઈન્સ્યોરન્સ અને EMI મુદ્દે પણ કલેક્ટરે કરી સ્પષ્ટતા 

આણંદ કલેક્ટરનું કહેવું છે કે ટ્રક માલિકે તેમની કચેરીમાં આવીને મુલાકાત કરી હતી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ આ તમામ વિગતો તેમને પણ સમજાવી ચૂક્યા છે. માલિક ટ્રક નીચે પાડવા માટે પણ તૈયાર થઈ ગયા છે, પરંતુ કામગીરી એ રીતે કરવી પડશે, જેથી કોઈના જીવને જોખમ ન થાય. તે કઈ રીતે કરવામાં આવે તેની ઉપર જ હાલ કામ ચાલી રહ્યું છે. 

વાત જ્યાં સુધી ઈન્સ્યોરન્સની છે તો કલેક્ટરે ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ મુલાકાત કરી હતી. કંપનીનું કહેવું છે કે સરકાર તરફથી જો ઘટના વિશે લેખિત પ્રમાણપત્ર આપી દેવામાં આવે તો તેઓ ક્લેમ મંજૂર કરી દેશે. કલેક્ટર કચેરી તરફથી આ બાબતની પણ બાંહેધરી આપવામાં આવી છે અને કંપની સાથે લેખિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. 

EMI બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે આમ તો આ બેન્ક અને ટ્રક માલિક વચ્ચેનો મામલો છે, તેમાં સીધી રીતે પ્રશાસન કોઈ હસ્તક્ષેપ કરી શકે તેમ નથી, છતાં તેમણે બેન્કને એક પત્ર લખીને માનવતાના ધોરણે હપ્તો બે-ત્રણ મહિના માટે પાછળ ઠેલી દેવા માટે વિનંતી કરી છે. ઉપરાંત, સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીને પણ રજૂઆત મોકલવામાં આવશે, જેથી ટ્રક માલિકને EMIમાં રાહત મળી શકે. 

તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આમાં આણંદ-વડોદરાનો કોઈ મુદ્દો નથી. આમ જોવા જઈએ તો ઘટના બની એ અને ટ્રક જ્યાં છે એ ભાગ સંપૂર્ણ રીતે વડોદરામાં આવે છે, પરંતુ વડોદરાની ટીમો સતત રેસ્ક્યુ ઑપરેશનમાં જોતરાયેલી રહી હતી, જેથી આણંદ જિલ્લા પ્રશાસન પણ બહારથી તમામ પ્રકારની મદદ પૂરી પાડી રહ્યું છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં