હોમપેજરાજકારણ'બસ સ્ટેશન સળગાવી દો, જિલ્લાવાઇઝ તોડફોડ શરૂ કરો': વિદ્યાર્થીઓનાં નામે ગુજરાતને ભડકે...

‘બસ સ્ટેશન સળગાવી દો, જિલ્લાવાઇઝ તોડફોડ શરૂ કરો’: વિદ્યાર્થીઓનાં નામે ગુજરાતને ભડકે બાળવાનું AAPનું કાવતરું? વાયરલ થયો ઓડિયો

દિલ્હીમાં હિંદુ-વિરોધી રમખાણોનો ઇતિહાસ, બોટાદમાં ખેડૂતોનાં નામે પોલીસ પર પથ્થરમારો અને હવે ગાંધીનગરમાં પ્રદર્શનને લઈને તોડફોડની સૂચનાઓ, આ બધું એક જ પેટર્ન દર્શાવે છે. AAP માટે વિરોધ એટલે અરાજકતા. વિકાસ એટલે અવરોધ.

- Advertisement -

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીનાં પ્રદર્શનો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. દરમ્યાન શાંત બેઠેલા ગુજરાતમાં વિદ્યાર્થીઓનાં નામે અરાજકતા ઊભી કરવાના પ્રયાસ સાથે આમ આદમી પાર્ટીએ મોરચો સંભાળ્યો હતો અને ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા, જોકે ગણીને 18-20 જણા જ ભેગા થઈ શક્યા હતા એ બાબત અલગ છે, પણ હાલ એ ગાંધીનગરનાં પ્રદર્શનને લઈને AAPના નેતાઓ વચ્ચે થયેલી વાતચીતના દાવા સાથે એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો આમ આદમી પાર્ટીના (AAP) બે નેતાઓ વચ્ચેની વાતચીતનો છે. જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. પરંતુ ઓડિયોમાં જે કહેવામાં આવી રહ્યું છે તે ચિંતાજનક છે.

વાયરલ ઓડિયોમાં જે વાતચીત સંભળાય રહી છે, તે સામાન્ય વિરોધ પ્રદર્શનથી આગળ વધીને કાયદો-વ્યવસ્થાને અસર કરી શકે તેવી બાબતોને સ્પર્શે છે. ઓડિયો ક્લિપમાં બે વ્યક્તિ સામસામે વાત કરી રહી છે, જે બંને AAPના નેતાઓ હોવાનું કહેવાય છે. એક વ્યક્તિ બધા જિલ્લાઓમાં તોડફોડ કરવાની અને ગુજરાતને સળગાવવાની વાતો કરી રહી છે અને બીજી વ્યક્તિને આદેશ આપી રહી છે.

વાયરલ ઓડિયોમાં શું છે?

વાયરલ ઓડિયો ક્લિપમાં AAPની એક વ્યક્તિ સામેની વ્યક્તિને કહે છે કે છાવણી નજીકનું બસ સ્ટોપ ન પકડવું, કારણ કે ત્યાં અત્યારે પોલીસ હાજર છે. તેના બદલે થોડું દૂરનું કોઈ બસ સ્ટોપ શોધીને ત્યાંથી વ્યવસ્થા કરવાની સૂચના આપે છે. તેના જવાબમાં સામેની વ્યક્તિ કહે છે કે તે એ પ્રમાણે જ કરાવશે.

- Advertisement -

આગળ તે બસ સ્ટોપ પાસે જો કોઈ મુસાફરો ઊભા હોય તો તેમને કાલાવાલા કરીને ત્યાંથી ભગાડી દેવાની અને પછી બસ સ્ટેશન સળગાવવાની વાત કરે છે. ત્યારબાદ તે કહે છે કે આગામી એક અઠવાડિયા સુધી ઘર-પરિવાર બધું ભૂલી જવાનું રહેશે. તેના જવાબમાં સામેની વ્યક્તિ કહે છે કે તેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે.

વાતચીતના આગળના ભાગમાં તે કહે છે કે બાકીના છોકરાઓએ દિવસ-રાત છાવણીમાં જ રહેવું પડશે. સાથે જ જિલ્લાવાર તમામ લોકોને કહીને વિવિધ સ્થળોએ તોડફોડ શરૂ કરવાની વાત કરે છે. તે કહે છે કે પરિસ્થિતિ ‘હાર્દિક પટેલ પાર્ટ-2’ જેવી થવી જોઈએ અને બે-ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ બંધ કરવાની નોબત આવે એવું વાતાવરણ ઊભું કરવાનું છે. સાથે જ ચેતવણી આપે છે કે જો ઢીલાશ દાખવવામાં આવશે તો નહીં ચાલે.

તેના જવાબમાં સામેની વ્યક્તિ કહે છે કે જે સ્થળની વાત થઈ રહી છે ત્યાં સીસીટીવી ન હોવાથી કામ થોડું મુશ્કેલ છે, પરંતુ બને એટલો પ્રયાસ કરવામાં આવશે. તેના પર તે કહે છે કે આવા બહાના નહીં ચાલે, સમય આવે ત્યારે મેદાનમાં ઉતરવું પડશે. તે આગળ કહે છે કે લાકડીઓ ખાવાની તૈયારી હોય તો જ કામ કરવું, કારણ કે પોલીસ મારશે તે પહેલાં પોતાના લોકો જ લાકડીઓ ચલાવશે. ઉપરાંત, બે-ત્રણ હોસ્પિટલોમાં ભેગા થઈ જવાની પણ વાત કરે છે અને આ બાબતને હલકામાં ન લેવા માટે કહે છે.

વાતચીતના અંતે સામેની વ્યક્તિ જવાબ આપે છે કે “તમે કહ્યું એટલે પતી ગયું, આ બધું કરાવું છું.”

ગુજરાતને ભડકે બાળવાનો હતો પ્રયાસ?

જોકે આ વાયરલ ઓડિયોની હાલ પુષ્ટિ તો થઈ શકી નથી અને આદમ આદમી પાર્ટીના માણસોએ તો કાયમની જેમ આ વખતે પણ આ ઓડિયોને ‘એઆઈ જનરેટેડ’ ગણાવી દઈને હર્ષ સંઘવી પર ઠીકરાં ફોડવાનું શરૂ કરી દીધું છે, પરંતુ સામાન્યપણે પણ જો ઓડિયોને સાંભળવામાં આવે તો તે કોઈપણ રીતે એઆઈ હોવાનું નથી દેખાઈ રહ્યું. ખેર, એ અલગ તપાસનો વિષય છે. પણ જો ખરેખર આ ઓડિયો ક્લિપ સાચી હોય તો એ રાજ્ય માટે ચિંતાજનક બાબત છે.

વાયરલ ઓડિયોથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટીનો ઇરાદો રાજ્યભરમાં તોડફોડ કરવાનો અને રાજ્યને સળગાવવાનો હતો. વાયરલ ઓડિયોમાં પણ સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી હતી કે હવે કોઈપણ સંજોગોમાં ઢીલા પડવાનું નથી થતું. અઠવાડિયા સુધી છાવણીમાં પડ્યા રહીને રાજ્યને સળગાવવાની પૂરી યોજના ઘડાઈ ચૂકી હતી.

આ વાયરલ ઓડિયોની ચર્ચા એવા સમયે શરૂ થઈ છે જ્યારે થોડા સમય પહેલાં બોટાદ જિલ્લાના હળદળ ગામમાં AAPએ ખેડૂતોનાં નામે પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. ઘટનામાં પોલીસનાં વાહનો પર પથ્થરમારો થયો હતો, જેના પગલે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. સમગ્ર ઘટનામાં અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેના વિડીયો પણ વાયરલ થયા હતા. આ પૃષ્ઠભૂમિને કારણે જ હવે વાયરલ થયેલા ઓડિયોને લઈને ચિંતા જરૂરી છે.

આ વાયરલ ઓડિયો માત્ર એક પાર્ટીની નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની શાંતિ અને સ્થિરતા સામેનું ખુલ્લું ષડયંત્ર છે. ‘ભ્રષ્ટાચાર વિરોધી’ અને ‘ઈમાનદારી’ના નારા લઈને આવેલી આમ આદમી પાર્ટી આજે વિદ્યાર્થીઓનાં મુદ્દાના નામે રાજ્યને સળગાવવાની યોજના ઘડી રહી છે? બસ સ્ટોપ સળગાવવા, તોડફોડ કરવી, ‘હાર્દિક પટેલ પાર્ટ-2’ જેવું વાતાવરણ ઊભું કરવા અને અઠવાડિયા સુધી છાવણીમાં રહીને અરાજકતા ફેલાવવાની વાતો કરનારા નેતાઓ કયા મોંએ ‘જનતાની સેવા’ના બણગાં ફૂંકતા રહે છે?

ગુજરાત હંમેશા શાંતિ, વિકાસ અને સૌહાર્દનું પ્રતીક રહ્યું છે. પરંતુ AAPની રાજકીય ભૂખ આ શાંતિને ચીરી નાખવા તત્પર હોવાનું દેખાઈ રહ્યું. દિલ્હીમાં હિંદુ-વિરોધી રમખાણોનો ઇતિહાસ, બોટાદમાં ખેડૂતોનાં નામે પોલીસ પર પથ્થરમારો અને હવે ગાંધીનગરમાં પ્રદર્શનને લઈને તોડફોડની સૂચનાઓ, આ બધું એક જ પેટર્ન દર્શાવે છે. AAP માટે વિરોધ એટલે અરાજકતા. વિકાસ એટલે અવરોધ.

જો આ ઓડિયો AI છે તો AAPએ તરત જ ફોરેન્સિક તપાસ માટે આમંત્રણ આપવું જોઈએ. પરંતુ તેના બદલે તે હર્ષ સંઘવી પર ઠીકરાં ફોડવામાં વ્યસ્ત છે. આ બચાવની રણનીતિ પણ સાબિત કરે છે કે તેઓ હકીકતથી ડરે છે. ગુજરાતના લોકો સાવધાન છે. અરાજકતાના આ રાજકારણને તેઓ ક્યારેય સ્વીકારશે નહીં. ‘કેજરીલાલ’ની પાર્ટીને સમજી લેવું જોઈએ કે ગુજરાતને ‘પંજાબ’ બનાવવાનાં સપનાં અહીં પૂરાં નહીં થાય. અહીં વિકાસની રાજનીતિ ચાલે છે, અરાજકતાની નહીં.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં