ઉત્તરાખંડના ઉધમસિંઘ નગર જિલ્લાના કાશીપુરમાં એક પરવાનગી વગર કાઢવામાં આવેલા ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસ દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. આ જુલૂસમાં હાજર લગભગ 500થી વધુ મુસ્લિમ સમુદાયના લોકોના ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હોવાના તેમજ પોલીસ વાહનોને નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે. પોલીસે હિંસાના મુખ્ય આયોજક સહિત 7 વ્યક્તિઓને ધરપકડ કરી છે, જ્યારે 400થી વધુ અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધાઈ છે.
આ ઘટના 21 સપ્ટેમ્બર 2025ની રાત્રે અલી ખાન મહોલ્લામાં બની હતી. અહીં 100થી વધુ સગીરો અને અન્ય લોકોના ટોળાએ ‘આઈ લવ મુહમ્મદ’ના પ્લેકાર્ડ્સ અને નારાઓ સાથે એક જુલૂસ કાઢ્યું હતું. જાણવા મળ્યા અનુસાર આ જુલૂસ માટે પોલીસ કે વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. જુલૂસ અલી ખાન ક્રોસિંગથી શરૂ થઈને વાલ્મીકી બસ્તી તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે પોલીસે જઈને પરવાનગી માંગતાં ટોળાએ કારણ વગર ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો.
પોલીસને જુલૂસ વિશે માહિતી મળતાં જ તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમણે જુલૂસના આયોજકોને પરવાનગીના દસ્તાવેજો બતાવવા કહ્યા, પરંતુ ટોળાએ પોલીસ સામે દાદાગીરી કરવાની શરૂ કરી દીધી. આ દરમિયાન ટોળું વધી ગયું અને પોલીસ પર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો. પોલીસકર્મી અનિલ જોશીને ઘેરીને હુમલો કરવામાં આવ્યો હતો, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન ટોળાએ પોલીસ વાહન સહિત અન્ય સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. હિંસામાં એક કોન્સ્ટેબલને પણ ઇજા થઈ, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટોળું એટલું આક્રમક બની ગયું કે તેમને કાબૂ કરવા માટે વધારાની પોલીસ ટીમોને બોલાવવામાં આવી, જેમણે લાઠીચાર્જ કરીને ભીડ પર નિયંત્રણ મેળવ્યું હતું.
મુખ્ય આરોપી સહિત 7ની ધરપકડ, અન્યોના ટોળા સામે પણ FIR
ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી. જે અંતર્ગત અલી ખાન મોહલ્લામાંથી 15થી 20 શંકાસ્પદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી. ત્યારપછી હિંસાના માસ્ટરમાઇન્ડ અને સમાજવાદી પાર્ટીના નદીમ અખ્તર (47, રાજા કોલોની વતની) સહિત 7 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. અન્ય ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓમાં મોહમ્મદ આશાદ (18), કમરાન (19), મોઇન રઝા (26), દાનિશ અલી (28) અને બે અન્યનો સમાવેશ થાય છે.
સપા કાર્યકર્તા નદીમ અખ્તર, હનીફ ગાંધી, દાનિશ ચૌધરી અને 400-500 અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 191(2), 191(3), 121(1), 132, 221, 352, 351(2), 324(3) અને 190 હેઠળ FIR નોંધાઈ છે. ઘટના બાદ સામે આવેલ વિડીયો ફૂટેજનું વિશ્લેષણ કરીને વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પાલિકાએ મહોલ્લામાં બનેલાં ઘરોના પ્લાનનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ SDMએ ડ્રોનની મદદથી સમગ્ર મહોલ્લાઓની છતનું પણ નિરીક્ષણ કર્યું હતું.
પોલીસ કાર્યવાહી બાદ મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર બિષ્ટના નેતૃત્વમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જેમણે JCBની મદદથી અતિક્રમણો હટાવી દીધાં હતાં. કરબલા મેદાનથી શરૂ કરીને બાંસફોડાન ચોકી સુધીના ઘરો સુધી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં 21 સપ્ટેમ્બરની રાત્રે સરઘસ કાઢવામાં આવ્યું હતું.
એસપી અભય સિંઘે જણાવ્યું કે નદીમ અખ્તરે મુસ્લિમોના ટોળાને ઉશ્કેરીને શહેરી વાતાવરણને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે તપાસ ચાલુ છે અને વિડીયો ફૂટેજના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે કાશીપુર અને આસપાસના વિસ્તારોમાં વધુ પોલીસબળ ખડકી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે. નુકસાન પામેલી સરકારી મિલ્કતનું મૂલ્યાંકન ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.


