Friday, December 6, 2024
More
    હોમપેજદુનિયાઅમેરિકા આજે ચૂંટશે રાષ્ટ્રપતિ, મોટાભાગનાં રાજ્યોમાં મતદાન શરૂ: બંને ઉમેદવારો વચ્ચે કાંટાની...

    અમેરિકા આજે ચૂંટશે રાષ્ટ્રપતિ, મોટાભાગનાં રાજ્યોમાં મતદાન શરૂ: બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર, પરિણામમાં સમય લાગી શકે 

    અમેરિકામાં ચૂંટણીની તરત બાદ મતગણતરી હાથ ધરવામાં આવે છે અને મોડી રાત્રે કે બીજા દિવસની વહેલી સવારે વિજેતા ઘોષિત કરી દેવામાં આવે છે. પરંતુ આ વખતે જે રીતે કાંટાની ટક્કર છે, તેને જોતાં થોડો વધુ સમય લાગી શકે છે.

    - Advertisement -

    સ્વઘોષિત જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Elections) માટે આજે (મંગળવાર, 5 નવેમ્બર) મતદાન (Voting) યોજાઈ રહ્યું છે. મહિનાઓની પ્રક્રિયાઓ બાદ આખરે એ દિવસ આવ્યો છે જ્યારે અમેરિકનો પોતાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે. 

    સ્થાનિક સમય અનુસાર, મોટાભાગનાં રાજ્યોમાં મતદાન શરૂ થઈ ગયું છે. અમેરિકામાં મતદાન અને ચૂંટણીની પ્રક્રિયા જેટલી જટિલ છે તેટલી જ જટિલતા સમયમાં પણ છે. મોટાભાગનાં રાજ્યોમાં મતદાન 7 વાગ્યેથી શરૂ થયું તો અમુક ઠેકાણે પાંચથી લઈને 10 વાગ્યા વચ્ચે શરૂ થશે. મતદાનનો સમય જેમ અલગ-અલગ હોય તેમ ગણતરી પણ અલગ-અલગ સમયે યોજાશે. 

    આમ તો અમેરિકામાં ચૂંટણીની તરત બાદ મતગણતરી હાથ ધરવામાં આવે છે અને મોડી રાત્રે કે બીજા દિવસની વહેલી સવારે વિજેતા ઘોષિત કરી દેવામાં આવે છે. પરંતુ આ વખતે જે રીતે કાંટાની ટક્કર છે, તેને જોતાં થોડો વધુ સમય લાગી શકે છે. ઉપરાંત, રાજ્યોના મતગણતરીના નિયમોમાં પણ અમુક ફેરફારો છે. 

    - Advertisement -

    નોંધવું જોઈએ કે અમેરિકામાં 8 કરોડ મતદારો પહેલેથી જ મતદાન કરી ચૂક્યા છે. બાકીના આજે બેલેટ થકી કરશે. અમેરિકામાં ‘અર્લી વૉટિંગ’ની પણ સુવિધા મળે છે, જેનો ઉપયોગ કરીને આ મતદાન થયું હતું. જોકે, ભારતની જેમ USમાં પણ મતદારો સીધા રાષ્ટ્રપતિને નથી ચૂંટતા, પણ ઈલેક્ટોરલ કોલેજ રાષ્ટ્રપતિ ચૂંટે છે. મતદાન અપ્રત્યક્ષ રીતે થાય છે. પણ પ્રણાલી એવી છે કે રાષ્ટ્રપતિનો ચહેરો ઘણું મહત્વ ધરાવે છે. 

    મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે કે આ વરસે પણ પરિણામો ઘોષિત થવામાં સમય લાગી શકે છે. તેનું કારણ એ છે કે ચૂંટણીને લઈને પહેલેથી જ અનેક કેસ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી ચૂક્યા છે. તેમજ આ વખતે બંને ઉમેદવારોમાં કાંટાની ટક્કર છે. જેથી ગણતરીમાં થોડો વધુ સમય લાગી શકે છે. તમામ બેલેટની ગણતરી અને ખરાઈ બાદ જ પરિણામો ઘોષિત કરવામાં આવશે. 

    વર્ષ 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. જોકે, 2020માં તેમણે જો બાયડન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ચૂંટણીમાં ઉતર્યા છે, જ્યારે ડેમોક્રેટ્સ તરફથી જૉ બાયડને શરૂઆતમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ પીછેહઠ કરી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં. 

    અમેરિકાના બંધારણ અનુસાર કોઈ પણ વ્યક્તિ બે જ ટર્મ માટે રાષ્ટ્રપતિ રહી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બને તો આ તેમની બીજી અને અંતિમ ટર્મ હશે. હૅરિસ વિજેતા બને તો તેમની પહેલી ટર્મ હશે એટલું જ નહીં, તેઓ અમેરિકાનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ પણ બનશે. થોડા કલાકો કે દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં