ઈરાન અને અમેરિકા (Iran-America Conflict) વચ્ચેના વધતા જતા તણાવના પગલે અમેરિકાએ મધ્યપૂર્વમાં તેના દૂતાવાસોમાંથી કેટલાક કર્મચારીઓને ખસેડવાનું શરૂ કર્યું છે. આ નિર્ણય અનુસાર અમેરિકાએ ઇરાક (Iraq Embassy) સ્થિત અમેરિકી દૂતાવાસને આંશિક રીતે ખાલી કરવાની અને લશ્કરી કર્મચારીઓને મધ્યપૂર્વમાંથી ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પગલું ઈરાનના પરમાણુ કાર્યક્રમને લગતી વાટાઘાટોના નિષ્ફળ જવાની શક્યતાના કારણે લેવાયું છે. આ સિવાય ઇઝરાયેલ (Israel) દ્વારા ઈરાન પર સંભવિત હુમલો પણ આ પગલાનું એક કારણ છે.
BBCના અહેવાલ મુજબ, અમેરિકાએ ઇરાકમાં તેના દૂતાવાસના કેટલાક કર્મચારીઓને ખસેડવાનો નિર્ણય લીધો છે, જેનું કારણ ઇઝરાયેલ દ્વારા ઈરાન પર સંભવિત હુમલાની તૈયારી અને તેના પરિણામે ઈરાનની સંભવિત પ્રતિક્રિયાનો ભય છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે કે આ પગલું સુરક્ષાને લગતી ચિંતાઓને કારણે લેવામાં આવ્યું છે, કારણ કે ઈરાને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની ધમકી આપી છે.
અહેવાલ અનુસાર, કેનેડી સેન્ટર ખાતે બોલતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, અમેરિકનોને આ પ્રદેશ છોડી દેવાની સલાહ આપવામાં આવી છે, “કારણ કે તે એક ખતરનાક સ્થળ હોઈ શકે છે અને અમે જોઈશું કે શું થાય છે”. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા નથી ઇચ્છતું કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવે. તેમણે કહ્યું, “અમે તેને મંજૂરી આપીશું નહીં.”
ઈરાનનો ક્રિપ્ટિક સંદેશ
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પ્રતીકાત્મ સંદેશ “અમે તૈયાર છીએ” પોસ્ટ કર્યો છે, જે ઇઝરાયેલ દ્વારા તેની પરમાણુ સુવિધાઓ પર સંભવિત હુમલાની તૈયારીના જવાબમાં હોઈ શકે એમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈરાનના સંરક્ષણ પ્રધાન અઝીઝ નસીરઝાદેહે જણાવ્યું હતું કે જો ઈરાન પર હુમલો થશે, તો તે પણ પ્રતિક્રિયા આપશે.
WE ARE READY #IRAN pic.twitter.com/jer0Dsmja1
— Islamic Republic of Iran (@IRIran_official) June 11, 2025
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવનું કારણ
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ મુખ્યત્વે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ વાટાઘાટોમાં સખત વલણ અપનાવ્યું છે. તેમણે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની મંજૂરી નહીં આપવાનું સ્પષ્ટ કર્યું છે. એપ્રિલથી શરૂ થયેલી આ વાટાઘાટો ઓમાનની મધ્યસ્થીથી ચાલી રહી છે, પરંતુ તાજેતરમાં તે નિષ્ફળ જવાની સંભાવના છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ અમેરિકાના પરમાણુ કરારના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. ઈરાને યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે.
આ ઉપરાંત, ઇઝરાયેલની ભૂમિકા પણ તણાવ વધારવામાં મહત્વની છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પને ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવા માટે દબાણ કર્યું છે, કારણ કે ઇઝરાયેલ ઈરાનના પરમાણુ હથિયારોને પોતાના અસ્તિત્વ માટે જોખમ માને છે. ઈરાને પણ અમેરિકા અને ઇઝરાયેલને ચેતવણી આપી છે કે કોઈપણ હુમલાનો જવાબ આપવામાં આવશે.