Monday, November 4, 2024
More
    હોમપેજરાજકારણ‘રેપ-મર્ડર કેસમાં સંતોષકારક કાર્યવાહી ન થઈ, રાજ્યમાં ભરપૂર ભ્રષ્ટાચાર’: TMC સાંસદ જવાહર...

    ‘રેપ-મર્ડર કેસમાં સંતોષકારક કાર્યવાહી ન થઈ, રાજ્યમાં ભરપૂર ભ્રષ્ટાચાર’: TMC સાંસદ જવાહર સરકારનું રાજીનામું, મમતાને પત્ર લખીને કહ્યું- લોકોમાં આવો આક્રોશ કોઇ સરકાર સામે નથી જોયો

    જવાહર સરકાર પૂર્વ IAS અધિકારી છે. તૃણમૂલ કોંગ્રેસમાંથી હાલ રાજ્યસભા સાંસદ છે અને કાયમ મોદીવિરોધી, સરકારવિરોધી વાતો કહીને ચર્ચામાં રહેતા હોય છે. તેમણે 8 સપ્ટેમ્બરના રોજ મમતા બેનર્જીને એક પત્ર લખ્યો, જેમાં પોતાની ‘વ્યથા’ વર્ણવી. 

    - Advertisement -

    કોલકાતાના RG કર હોસ્પિટલ રેપ-મર્ડર કેસ મામલે એક તરફ જ્યાં મમતા બેનર્જી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે ત્યાં રવિવારે (8 સપ્ટેમ્બર) સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે રાજીનામું આપવાની અને રાજકારણમાંથી વિદાય લેવાની ઘોષણા કરી દીધી. તેમણે મમતા બેનર્જીને એક પત્ર લખીને રાજ્યમાં ખદબદતા ભ્રષ્ટાચાર અને RG કર હોસ્પિટલમાં સરકારના નરમ વલણ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે હવે તેઓ રાજકારણમાં રહેવા માંગતા નથી. 

    જવાહર સરકાર પૂર્વ IAS અધિકારી છે. તૃણમૂલ કોંગ્રેસમાંથી હાલ રાજ્યસભા સાંસદ છે અને કાયમ મોદીવિરોધી, સરકારવિરોધી વાતો કહીને ચર્ચામાં રહેતા હોય છે. તેમણે 8 સપ્ટેમ્બરના રોજ મમતા બેનર્જીને એક પત્ર લખ્યો, જેમાં પોતાની ‘વ્યથા’ વર્ણવી. 

    પત્રમાં રાજ્યસભા સાંસદ તરીકે સેવા કરવાની તક આપવા બદલ તેઓ TMC અને મમતાનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે ત્રણ વર્ષમાં તેઓ રાજ્યસભામાં ‘ભાજપના સાંપ્રદાયિક અને નિરાકુંશ શાસન’ અને વડાપ્રધાન મોદી સામે લડ્યા અને મુદ્દાઓ ઉઠાવ્યા અને આ જ ઢળતી ઉંમરે રાજકારણમાં જોડાવા પાછળનો તેમનો આશય હતો. 

    - Advertisement -

    ત્યારબાદ તેઓ કહે છે કે, તેઓ રાજકારણમાં આવ્યાના એક જ વર્ષ બાદ 2022માં પૂર્વ નાણામંત્રી (બંગાળ સરકારના) સામે ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવાઓ જોઈને ઘણા આઘાત પામ્યા હતા. આગળ કહ્યું, “મેં ત્યારે જાહેરમાં નિવેદન આપીને કહ્યું હતું કે સરકાર અને પાર્ટીએ ભ્રષ્ટાચાર સામે કડક હાથે કામ લેવું જોઈએ, પણ મને પાર્ટીના જ વરિષ્ઠ નેતાઓએ હડધૂત કર્યો. મેં તે સમયે એટલા માટે રાજીનામું નહતું આપ્યું કારણ કે મને આશા હતી કે તમે (મમતા) વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અભિયાન ઉપાડ્યું હતું તેના હેઠળ કાર્યવાહી કરશો. 

    સરકારે આગળ ફરિયાદ કરતાં કહ્યું કે, તેમણે સાંસદ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું પણ સરકારને ભ્રષ્ટાચાર બાબતે કોઇ ચિંતા હોય તેવું જણાયું નહીં અને બીજી તરફ પાર્ટીમાં અમુક માથાભારે નેતાઓનું કદ વધતું ગયું. સાથે કહ્યું કે, એ વાત સાચી છે કે અન્ય રાજ્યો અને અન્ય પાર્ટીઓમાં પણ નેતાઓ મબલખ રૂપિયા કમાયા છે પણ બંગાળ આવો ભ્રષ્ટાચાર સાંખી શકે નહીં. સાથે કેન્દ્ર સરકારને પણ વચ્ચે ઢસડતાં કહ્યું કે, સરકાર અબજોપતિઓ થકી રૂપિયા કમાય છે અને તેઓ તેમની ઉપર પ્રહારો કરવાનું ચાલુ રાખશે પણ બીજી તરફ બંગાળમાં પણ ભ્રષ્ટાચાર કે વરિષ્ઠ અધિકારીઓ કે ડોક્ટરો ટોપ પોસ્ટિંગ મેળવતા હોય તે સહન કરી શકે નહીં. 

    તાજેતરના RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની રેપ-મર્ડરની ઘટનાને લઈને તેમણે લખ્યું કે, હાલનો સ્વયંભૂ આક્રોશ આવા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જ ફાટી નીકળ્યો છે અને મારાં આટલાં વર્ષોમાં મેં ક્યારેય પણ કોઇ સરકાર વિરુદ્ધ આટલો ગુસ્સો અને અવિશ્વાસ જોયો નથી. 

    તેમણે આગળ કહ્યું કે, છેલ્લા એક મહિનાથી હું RG કર હોસ્પિટલની ઘટનાથી પીડિત છું, અને મને આશા હતી કે તમે વિરોધ કરતા જુનિયર ડોક્ટરોને મળીને સીધો હસ્તક્ષેપ કરશો, જેવી મમતા બેનર્જીની જૂની સ્ટાઈલ હતી. પણ તેવું થયું નહીં અને સરકાર હવે જે પગલાં લઇ રહી છે તેમાં મોડું થઈ ચૂક્યું છે. તેમણે આગળ લખ્યું કે, ઘટના બાદ તરત જેઓ જવાબદાર છે તેમની સામે કડક પગલાં લીધાં હોત કે ભ્રષ્ટ ડોક્ટરોને ફટકાર લગાવવામાં આવી હોત તો રાજ્યમાં શાંતિ જળવાઇ રહી હોત. 

    મમતા બેનર્જી પર સીધો પ્રહાર કરતાં જવાહર સરકારે પત્રમાં લખ્યું કે, આ વિરોધનું મૂળ ક્યાંય રાજકીય નથી અને પ્રજાનો સ્વયંભૂ આક્રોશ છે, જેથી તેને ‘રાજકીય’ ગણાવી દેવાનું સ્ટેન્ડ અપનાવવું જોઈએ નહીં. વિપક્ષો તો તેનો લાભ લેશે જ, પણ એ પણ હકીકત છે કે દર બીજા દિવસે સામાન્ય લોકો અને યુવાઓ રસ્તા પર ઉતરી રહ્યા છે. તેમને રાજકારણ નહીં ન્યાય જોઈએ છે. એ સ્વીકારવું પડશે કે આ આંદોલન અભયા માટે વધુ છે, સરકાર કે પાર્ટીના વિરોધ માટે નહીં. 

    અંતે મમતાને સંબોધીને તેમણે કહ્યું કે, “છેલ્લા ઘણા મહિનાઓથી તેમને રૂબરૂ મળવાની તક ન મળતાં આખરે હું લેખિતમાં આ જાણકારી આપી રહ્યો છું. ત્રણ વર્ષ સેવાની તક આપવા બદલ આભાર પણ હવે હું સાંસદ તરીકે ચાલુ રહેવા માંગતો નથી. હું હવે જલદીથી દિલ્હી જઈને રાજ્યસભા ચેરમેનને રાજીનામું સોંપીશ અને આજથી રાજકારણમાંથી અલગ થાઉં છું.”  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં