Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતસ્વતંત્રતા દિવસ અગાઉ અમદાવાદમાં ભવ્ય 'તિરંગા યાત્રા', ગૃહમંત્રી શાહના હસ્તે થયું પ્રસ્થાન:...

    સ્વતંત્રતા દિવસ અગાઉ અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’, ગૃહમંત્રી શાહના હસ્તે થયું પ્રસ્થાન: હજારો લોકો જોડાયા

    ‘તિરંગા યાત્રા’માં વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સાથે પોલીસ અને અર્ધલશ્કરી બળોના જવાનો પણ જોડાયા હતા. યાત્રા શરૂ કરતાં પહેલા ગૃહમંત્રીએ સંબોધન પણ કર્યું હતું.

    - Advertisement -

    દેશનો 78મો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ત્યારે તેની ઉજવણી 11 ઑગસ્ટથી જ શરૂ થઈ ગઈ હતી. દેશમાં અલગ-અલગ સ્થાનો પર ‘તિરંગા યાત્રા’નું (Tiranga Yatra) આયોજન થઈ રહ્યું છે. સુરત, રાજકોટ અને વડોદરા ખાતે ‘તિરંગા યાત્રા’ યોજાઈ ચૂકી છે. ત્યારે 13 ઓગસ્ટ મંગળવારે અમદાવાદમાં (Ahmedabad) પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મંત્રીઓ હાજર રહ્યા હતા.

    અમદાવાદમાં 13 ઑગસ્ટના રોજ ‘તિરંગા યાત્રા’ નીકળી હતી, જેનું પ્રસ્થાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. શહેરના વિરાટનગર ફુવારા સર્કલથી લઈને નિકોલ ખોડિયાર મંદિર સુધી ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. જેના વિડીયો પણ સામે આવ્યા છે.

    આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આસપાસનાં ઘરોના ધાબે પણ લોકટોળાં એકઠાં થયાં હતાં. દરમ્યાન, લોકોએ પોલીસ જવાનો, ફાયર બ્રિગેડના જવાનો વગેરેનું ફૂલ વરસાવીને સન્માન પણ કર્યું. સમગ્ર યાત્રામાં ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા હતા. દેશભક્તિનાં ગીતો અને નારા સાથે યાત્રાનું સમાપન થયું હતું. યાત્રામાં ગૃહમંત્રી શાહ 2 કિમી તો મુખ્યમંત્રી 3 કિમી પગપાળા ચાલ્યા હતા.

    - Advertisement -

    ‘તિરંગા યાત્રા’માં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર પ્રદીપભાઇ પરમાર પણ હાજર રહ્યા હતા. ‘તિરંગા યાત્રા’માં વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સાથે પોલીસ અને અર્ધલશ્કરી બળોના જવાનો પણ જોડાયા હતા. યાત્રા શરૂ કરતાં પહેલા ગૃહમંત્રીએ સંબોધન પણ કર્યું હતું.

    અમિત શાહે કહ્યું હતું કે “’તિરંગા યાત્રા’ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં યુવાનોમાં ઉર્જા ભરવાનું કામ કરે છે, ‘હર ઘર તિરંગા’ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો કાર્યક્રમ આજે ન કેવળ દેશ ભક્તિની અભિવ્યક્તિ એની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતના રચ્છનાના સંકલ્પનું એક પ્રપ્રતીકતિક બન્યો છે.” શાહે 15 ઑગસ્ટે ગુજરાતનાં દરેક ઘર, વાહન, ઓફિસ, ફેક્ટરી દરેક જગ્યાએ તિરંગો ફરકાવી સેલ્ફી પોસ્ટ કરવા આપીલ કરી. વધુમાં કહ્યું ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સમગ્ર ગુજરાત તિરંગા મય બને તેના માટે ‘તિરંગા યાત્રા’ની શરૂઆત થઈ છે.”

    ઉલ્લેખનીય છે કે ‘તિરંગા યાત્રા’ની પૂર્વ તૈયારીઓ સ્વરૂપે બપોરે 12 વાગ્યાથી જ જે સ્થાન પરથી યાત્રા પસાર થવાની હતી તે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસથી ફુવારા સર્કલથી પૂર્વ તરફ ગોકુલ પાર્ક AMTS બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ, બાપુનગર શ્યામ શિખર તરફથી નિકોલ તરફ જતો ઠકકરનગર બ્રિજ, ઠકકરનગર ચાર રસ્તાથી બ્રિજ નીચેથી પણ ઉત્તમનગર થઈ કેનાલ ક્રોસ કરી જીવનવાડી થઈ ખોડીયાર મંદિર નિકોલ સુધી, ઉત્તમનગરથી દક્ષિણ તરફ બેટી બચાવો સર્કલ થઈ ફુવારા સર્કલ સુધીના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.

    PM મોદીની ‘હર ઘર તિરંગા’ અભિયાનને જન આંદોલન બનાવવાની અપીલથી લોકોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો ઉત્સાહ વધ્યો છે. ત્યારે અમદાવાદમાં યોજાયેલી ‘તિરંગા યાત્રા’માં પણ બહોળા પ્રમાણમાં અમદાવાદીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ જોડાયા હતા. આ આગાઉ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પણ ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી, જેના વિડીયો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી X પર પોસ્ટ કર્યા હતા.

    નોંધનીય બાબત છે કે વર્ષ 2022માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી. તથા સ્વતંત્રતા દિવસ પહેલા ‘તિરંગા યાત્રા’ કરવાનો ટ્રેન્ડ પણ PM મોદી જ લાવ્યા છે. ‘તિરંગા યાત્રા’અને ‘હર ઘર તિરંગા’ અભિયાનના કારણે રાષ્ટ્રધ્વજના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના પરિણામે લોકલ ફોર વોકલને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં