તિહાડ જેલના પૂર્વ PRO સુનિલ કુમાર ગુપ્તાએ તાજેતરમાં એક સ્ફોટક દાવો કર્યો છે, જે ચર્ચામાં છે. તેમણે જણાવ્યું કે સહારા જૂથના સ્થાપક સુબ્રત રૉય જ્યારે તિહાડ જેલમાં બંધ હતા ત્યારે તેમને નિયમોથી ઉપરવટ જઈને અનેક સુવિધાઓ મળતી હતી અને એટલું જ નહીં પણ એર હોસ્ટેસ પણ મળવા માટે આવતી હતી અને કલાકો વિતાવતી હતી. આ બાબતો ઉપર દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલને અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં તેમણે કોઈ પગલાં લીધાં ન હતાં.
સુનિલ ગુપ્તાએ ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, “સુબ્રત રૉયને કોર્ટ કોમ્પ્લેક્સમાં રાખવામાં આવ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે અનેક સંપત્તિઓ વેચવી પડશે અને મોટાભાગના ખરીદદારો યુરોપ કે પશ્ચિમી દેશોમાં છે, જેથી તેમને એવા ઠેકાણે રાખવામાં આવે જ્યાંથી પોતે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખરીદદારો સાથે વાત કરી શકે.”
આગળ કહ્યું કે, બાકીના કેદીઓને રાત થતાં જ સેલમાં બંધ કરી દેવામાં આવે છે. પણ રોયે કહ્યું હતું કે તેમને રાત્રે કોર્ટ કોમ્પ્લેક્સમાં બહાર તાળું મારીને રાખવામાં આવે. પછીથી કોર્ટે દરખાસ્ત માની લીધી. તેમને લૉક કરવામાં આવતા ન હતા. તેમને જમવાની તમામ સુવિધાઓ તો મળતી જ હતી, પણ અમે સેલમાંથી દારૂની બોટલો પણ જપ્ત કરી હતી. તેમને પ્રાઇવેટ સેક્રેટરી રાખવાની પણ અનુમતિ હતી. તેમણે એક મહિલાને સેક્રેટરી રાખી હતી. ગુપ્તાએ કહ્યું કે, સુબ્રતને સેક્રેટેરિયટની સુવિધા માટે અનુમતિ હતી, પરંતુ ઘણું બધું ગેરકાયદેસર થતું હતું.”
#WATCH | Delhi: Former Tihar Jail PRO Sunil Kumar Gupta recounts his tenure and alleges that late Subrata Roy Sahara was provided special favours by the jail administration when he was an inmate, also alleges that the then CM Arvind Kejriwal didn't take any action when he… pic.twitter.com/ivgaV7qwxI
— ANI (@ANI) February 25, 2025
‘ફેસિલિટી’ વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું કે, “મેં જોયું કે સહારા એરલાઈન્સની એર હોસ્ટેસ તેમની પાસે જતી હતી અને કલાકો રહેતી હતી. મેં વ્હિસ્કી વગેરેની બોટલો પણ જોઈ હતી. આ પ્રકારની સુવિધાઓ તો કોઈને ન આપી શકાય. સુપ્રીમ કોર્ટે માત્ર વિડીયો કોન્ફરન્સની અને અન્ય અમુક બાબતોની જે પરવાનગી આપી હતી, પણ તેની આડમાં આ બધું ચાલી રહ્યું હતું.”
સુનિલ ગુપ્તાએ આગળ જણાવ્યું કે, આ બાબતની જાણ તેમણે તત્કાલીન સીએમ અરવિંદ કેજરીવાલને પણ કરી હતી, પરંતુ તેમને કદાચ હતું કે DG જેલ IPS અધિકારી હોવાના કારણે રાજ્ય સરકાર કશું કરી ન શકે, અથવા તેમણે સમાધાન કર્યું હશે. તેમણે કોઈ કાર્યવાહી ન કરીને માત્ર લંબાવ્યા કર્યું હતું.”
કેજરીવાલ સાથેની મુલાકાત વિશે તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ પહેલાં સીએમ કાર્યાલય પર મળ્યા હતા અને ત્યારબાદ તેમના ઘરે પણ મળવા માટે ગયા હતા, જ્યાં જેલ મંત્રી પણ હાજર હતા. ગુપ્તાનું કહેવું છે કે અહીં તેમણે કેજરીવાલને સુબ્રત રૉયને મળતી સુવિધાઓ વિશે તમામ જાણકારી આપી હતી. પરંતુ કેજરીવાલનું કહેવું હતું કે DG જેલ IPS અધિકારી છે અને રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરશે તો જેલ સુપ્રિટેન્ડેન્ટ ફસાઈ જશે. જેની ઉપર ગુપ્તાએ કેજરીવાલને કહ્યું હતું કે, તેવું થશે તો સુપ્રિટેન્ટેન્ડ સ્વયં જણાવી દેશે કે તેણે DGના કહેવા પર બધું કર્યું હતું. પરંતુ તેમનું કહેવું છે કે આ બાબતે પણ કોઈ કાર્યવાહી ન થઈ અને તેમની વાતો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
તિહાડ જેલના પૂર્વ PROએ એ પણ જણાવ્યું કે આ બધી બાબતો ઉજાગર કરવાના કારણે તેમણે પછીનાં અમુક વર્ષો સુધી જ્યાં સુધી તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો અને કારણ વગર પરેશાન કરવાના પ્રયત્નો કરવામાં આવતા રહ્યા હતા.