એક સમયે નક્સલીઓ (Naxalites) છત્તીસગઢના (Chhattisgarh) જંગલો અને ઝારખંડના (Jharkhand) વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરતા હતા. હજારો નક્સલવાદીઓ છત્તીસગઢના જંગલોમાં ડેરા નાખીને રહેતા હતા. પરંતુ સુરક્ષાદળોની સતત કાર્યવાહીને કારણે હવે નક્સલવાદીઓની સંખ્યા ઘટી રહી છે.
નક્સલવાદીઓનું સંગઠન સંપૂર્ણપણે તૂટી ગયું છે. ભારતમાં નક્સલવાદીઓનું સૌથી મોટું જૂથ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) હવે પોતાના અંતિમ દિવસો ગણી રહ્યું છે. તેનું સંગઠન પણ ખતમ થઈ ગયું છે. અહેવાલો અનુસાર આ સંગઠનમાં હવે માત્ર 300 નક્સલવાદીઓ જ બચ્યા છે.
સમસ્યા માત્ર લડનારા નક્સલવાદીઓની જ નથી, પરંતુ આ સંગઠનમાં નેતૃત્વનું સંકટ પણ છે. અહેવાલો દર્શાવે છે કે હવે નક્સલવાદીઓ પાસે નેતાઓ પણ બચ્યા નથી. જ્યાં તેમની ટોચની સંસ્થા પોલિટ બ્યુરોમાં માત્ર 4 લોકો બચ્યા છે, ત્યાં સેન્ટ્રલ કમિટીમાં માત્ર 14 લોકો જ બચ્યા છે.
નક્સલવાદીઓ પાસે નથી બચ્યું નેતૃત્વ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 2005થી 2025 સુધીમાં પોલિટ બ્યુરોના (PB) 14 નક્સલવાદીઓ કાં તો પકડાયા છે અથવા માર્યા ગયા છે. આના કારણે હવે પોલિટ બ્યુરોમાં માત્ર 4 સક્રિય સભ્યો બચ્યા છે. મુપ્પલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિ, મલ્લોજુલા વેણુગોપાલ ઉર્ફે અભય, થિપ્પિરી તિરુપતિ ઉર્ફે દેવજી અને મિસિર બેસરા.
એવી આશંકા છે કે ગણપતિનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે, જોકે તેની સ્પષ્ટતા મળી નથી. બીજી તરફ, સેન્ટ્રલ કમિટીના (CC) સભ્યો પણ ઝડપથી ઘટી રહ્યા છે. 2007થી અત્યાર સુધીમાં 26 સેન્ટ્રલ કમિટીના સભ્યો કાં તો પકડાયા છે અથવા માર્યા ગયા છે અને કેટલાકે આત્મસમર્પણ કર્યું છે. હવે CCમાં માત્ર 14 સક્રિય સભ્યો બચ્યા છે, જેમાં ચાર PB નેતાઓ પણ સામેલ છે.
બસ્તરના CRPF IG પી. સુંદરરાજે જણાવ્યું કે, નક્સલવાદીઓનું કમાન્ડ માળખું હવે સંપૂર્ણપણે તૂટી ગયું છે. સતત ગુપ્તચર માહિતી અને આત્મસમર્પણથી સંગઠન સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું છે. IGએ કહ્યું, “કુલ 300 હથિયારબંધ લોકો દંડકારણ્ય અને અન્ય કેટલાક વિસ્તારોમાં છુપાઈને બેઠા છે. તેમની પાસે હવે માત્ર બે રસ્તા છે: આત્મસમર્પણ કરે અથવા માર્યા જાય.”
એક-એક કરીને માર્યા ગયા નક્સલવાદી કમાન્ડરો
નક્સલવાદીઓના સંગઠનને નબળું કરવા માટે સુરક્ષાદળોએ અનેક મોટા ઑપરેશન હાથ ધર્યા છે. આ ઑપરેશન્સમાં તેમના ઘણા મોટા નેતાઓ માર્યા ગયા છે. તાજેતરમાં બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળોએ એક મોટા ઑપરેશનમાં ટોચના નક્સલવાદી કમાન્ડર ભાસ્કરને મારી નાખ્યો. ભાસ્કર પર ₹45 લાખનું ઇનામ હતું અને તે આ વિસ્તારમાં બચેલા કેટલાક મોટા નક્સલવાદી નેતાઓમાંથી એક હતો.
આ પહેલાં મે 2025માં નક્સલવાદીઓના સૌથી મોટા નેતા નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને સુરક્ષાદળોએ મારી નાખ્યો હતો. 30 વર્ષથી વધુ સમયમાં આ પહેલી વખત હતું જ્યારે નક્સલવાદીઓનો આટલો મોટો નેતા માર્યો ગયો હતો. આ ઑપરેશન છત્તીસગઢ પોલીસની વિશેષ યુનિટ DRG દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, 6 જૂન 2025ના રોજ આ જ જિલ્લામાં બીજા એક વરિષ્ઠ નક્સલવાદી નેતા નરસિંહા ચાલમ ઉર્ફે સુધાકરને પણ મારી નાખવામાં આવ્યો. સુધાકર પર ₹40 લાખનું ઇનામ હતું અને તે બસવરાજુ પછી આંદોલનનો એક મહત્વનો નેતા ગણાતો હતો. તે અગાઉ આયુર્વેદનો વિદ્યાર્થી હતો અને પછી નક્સલવાદીઓમાં જોડાયો હતો.
2024-25માં તૂટી કમર
નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં 2024 પછી ઝડપ આવી છે. CRPF, પોલીસ અને DRG સતત મોટા ઑપરેશન કરીને નક્સલવાદીઓનો સફાયો કરી રહ્યા છે. અનેક ઑપરેશનમાં 30થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે.
એક અહેવાલ મુજબ, 2024માં 290 નક્સલવાદીઓ માર્યા ગયા હતા, 1,090ની ધરપકડ કરવામાં આવી હતી અને 881 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આ કાર્યવાહી 2025માં બમણી ઝડપે ચાલી રહી છે.
2025માં 226 નક્સલવાદીઓ માર્યા ગયા છે, 418ની ધરપકડ કરવામાં આવી છે અને 896એ માર્યા જવાના ડરથી આત્મસમર્પણ કર્યું છે. કર્રેગુટ્ટા પહાડ જેવા નક્સલવાદીઓના ગઢ પણ હવે ખાલી કરાવી દેવામાં આવ્યા છે.
નક્સલવાદથી મુક્ત ભારત
ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારતને નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે. તેમણે 31 માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલમુક્ત કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. નક્સલવાદીઓને આત્મસમર્પણનો મોકો આપવામાં આવી રહ્યો છે, પરંતુ જો તેઓ નહીં માને તો તેમણે સુરક્ષાદળોની ગોળીઓનો સામનો કરવો પડશે.