Sunday, February 23, 2025
More
    હોમપેજરાજકારણજ્યાં-જ્યાં કોંગ્રેસ આવી, ત્યાં-ત્યાં આર્થિક સંકટો થયા 'હાવી': હવે તેલંગાણાનું નીકળ્યું તેલ,...

    જ્યાં-જ્યાં કોંગ્રેસ આવી, ત્યાં-ત્યાં આર્થિક સંકટો થયા ‘હાવી’: હવે તેલંગાણાનું નીકળ્યું તેલ, ધડાધડ દેવું વધ્યા બાદ પણ મહિલાઓને દર મહિને ₹2500 આપવાનો વાયદો ન થયો પૂરો

    કોંગ્રેસે રાજ્યમાં મહિલાઓને મફત બસ મુસાફરીનું પોતાનું વચન પૂર્ણ કર્યું છે. તેના પર ₹1300 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. કોંગ્રેસે રાજ્યમાં ખેડૂત દેવા માફીમાં લગભગ ₹20 હજાર કરોડ ખર્ચ્યા છે. તેને હવે જઈને ખ્યાલ આવ્યો છે કે, બાકીની યોજનાઓને અમલમાં મૂકવા માટે રાજ્ય પાસે પૈસા બચ્યા જ નથી.

    - Advertisement -

    આર્થિક રીતે સૌથી મજબૂત રહેલા રાજ્યો પૈકીનું એક તેલંગાણા (Telangana) હવે આર્થિક સંકટો (Economic crises) તરફ આગળ વધી રહ્યું છે. હંમેશા ઉચ્ચ આવક ધરાવતું તેલંગાણા હજારો કરોડની મહેસૂલ ખાધમાં સરી ગયું છે. તેલંગાણામાં કોંગ્રેસ સરકાર (Congress Government) આવ્યા પછી આર્થિક ગેરવહીવટ સતત વધી રહ્યો છે. રાજ્ય પર દેવાનો બોજ પણ વધી રહ્યો છે. તેલંગાણાની રેવંત રેડ્ડીની સરકારે હવે રોજિંદા કામ માટે પણ લોન લેવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ સરકાર આવતાની સાથે જ તેલંગાણા પણ હિમાચલ પ્રદેશના માર્ગે ચાલવા લાગ્યું છે. હાલ એવો થયો છે કે, કોંગ્રેસે તેના ઘણા ચૂંટણી વચનો પણ પૂરા નથી કર્યા.

    દેવાનો ડુંગર વધ્યો

    ભારતીય રિઝર્વ બેંકના એક રિપોર્ટ મુજબ, 2023માં તેલંગાણા પર ₹3 લાખ 52 હજાર કરોડનું દેવું હતું. માર્ચ 2024 સુધીમાં આ દેવું વધીને ₹3 લાખ 89 હજાર કરોડ થઈ ગયું હતું. તેલંગાણામાં થોડા જ મહિનામાં હજારો કરોડનો વધારો થયો છે. તેલંગાણાની કોંગ્રેસ સરકાર પણ નવી લોન લેવામાં પોતાના જ રેકોર્ડ તોડી રહી છે. તેલંગાણા પર ફક્ત આ દેવાનો બોજ જ નથી, પરંતુ તેના પર ₹38 હજાર કરોડની વધારાની ગેરંટીઓનો પણ બોજ છે. આ માટે પણ સરકારે ચૂકવણી કરવી પડશે.

    કોંગ્રેસના શાસનમાં તેલંગાણા દેવાના દુષ્ટ ચક્રમાં કેવી રીતે ફસાઈ ગયું છે, તેનું મોટું ઉદાહરણ નાણાકીય વર્ષ 2024-25નો રેકોર્ડ છે. રિપોર્ટ સૂચવે છે કે, રાજ્ય સરકારે જાન્યુઆરી, 2025 સુધીમાં ₹58 હજાર કરોડથી વધુની નવી લોન લીધી છે. જ્યારે વાસ્તવમાં તેણે એપ્રિલ 2024થી માર્ચ 2025 વચ્ચે કુલ ₹49 હજાર કરોડની લોન લેવાની હતી. એટલે કે, વર્ષના અંતના માત્ર ત્રણ મહિના પહેલાં, તેણે લગભગ ₹10 હજાર કરોડનું વધારાનું દેવું લીધું છે. એવો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં રાજ્યનું દેવું ₹4 લાખ કરોડને વટાવી જશે.

    - Advertisement -

    મહેસૂલી ખાધ પણ ખોટમાં

    તેલંગાણાની કથળતી આર્થિક સ્થિતિનું બીજું એક મુખ્ય સૂચક તેની મહેસૂલ ખાધ છે. તેલંગાણાએ નાણાકીય વર્ષ 2024-25 માટેના તેના બજેટમાં જણાવ્યું હતું કે, તે ₹297 કરોડના મહેસૂલ સરપ્લસમાં રહેશે. વાસ્તવિકતા એ છે કે, જાન્યુઆરી 2025 સુધીમાં તે ₹26 હજાર કરોડથી વધુની મહેસૂલ ખોટમાં આવી ગયા છે. તેલંગાણામાં મહેસૂલ વસૂલવામાં પણ સમસ્યાઓ આવી રહી છે. રાજ્ય સ્ટેમ્પ, દારૂ અને અન્ય સ્ત્રોતોમાંથી પણ સતત આવક ગુમાવી રહ્યું છે.

    પગારથી વધારે વ્યાજનો ખર્ચ

    તેલંગાણા પર દેવાનો બોજ એટલો વધી ગયો છે કે, તે હવે રાજ્યના કર્મચારીઓના પગાર કરતાં દર મહિને લોન પર વ્યાજ ચૂકવવા પાછળ વધુ ખર્ચ કરી રહ્યું છે. એક અહેવાલ સૂચવે છે કે, રાજ્ય સરકાર હાલમાં જૂની લોન પર વ્યાજ ચૂકવવા પાછળ ₹5 હજાર કરોડથી વધુ ખર્ચ કરી રહી છે. તે રાજ્યમાં પોતાના કર્મચારીઓને માત્ર ₹3 હજાર કરોડ પગાર તરીકે ચૂકવે છે. તેલંગાણાની લગભગ 40% કમાણી હવે દેવાની ચૂકવણીમાં જાય છે. કોંગ્રેસ સરકાર હવે સરકારી કંપનીઓને પણ વેચવા માંગે છે .

    રાજ્યના વિપક્ષી પક્ષ BRSનો આરોપ છે કે, કોંગ્રેસ સરકારે માત્ર 12 મહિનામાં ₹1 લાખ 27 હજાર કરોડનું દેવું લીધું છે. બીજી તરફ, કોંગ્રેસ પાછલી સરકારનું દેવું ચૂકવી રહી હોવાનું કહીને આ મુદ્દાને ટાળી રહી છે. જોકે, BRS અને ભાજપ તેને કોંગ્રેસની નિષ્ફળતા છુપાવવા માટેના બહાના ગણાવી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું કે, જ્યારે તેલંગાણાની રચના થઈ ત્યારે તેની આવક ખર્ચ કરતાં વધુ હતી, પરંતુ હવે તે લોન લેવાની જાળમાં ફસાઈ ગયું છે.

    ગેરંટીઓમાં થઈ રહ્યો છે મોટો ખર્ચ

    રાજ્યમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે ઘણા ‘રેવડી’ વચનો આપ્યા હતા. હવે તેમના માટે આ વચનો પૂરા કરવા મુશ્કેલ બની રહ્યા છે. કોંગ્રેસે રાજ્યમાં મહિલાઓને મફત બસ મુસાફરીનું પોતાનું વચન પૂર્ણ કર્યું છે. તેના પર ₹1300 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. કોંગ્રેસે રાજ્યમાં ખેડૂત દેવા માફીમાં લગભગ ₹20 હજાર કરોડ ખર્ચ્યા છે. તેને હવે જઈને ખ્યાલ આવ્યો છે કે, બાકીની યોજનાઓને અમલમાં મૂકવા માટે રાજ્ય પાસે પૈસા બચ્યા જ નથી. કોંગ્રેસ સરકાર હજુ સુધી રાજ્યની મહિલાઓને ₹2500 આપવાનું પોતાનું વચન પૂર્ણ કરી શકી નથી.

    ભાજપ-BRS સતત કરી રહ્યા છે પ્રહાર

    ભાજપ અને BRS કોંગ્રેસ સરકારની નિષ્ફળતાઓ પર સતત હુમલો કરી રહ્યા છે. BRSનો આરોપ છે કે, તેમના શાસનકાળ દરમિયાન તેલંગાણામાં માથાદીઠ આવક ત્રણ ગણી વધી ગઈ હતી અને દેવું પણ નિયંત્રણમાં હતું. BRSએ કોંગ્રેસને રાજ્યના નાણાકીય સંકટ પર ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. BRSનો આરોપ છે કે, કોંગ્રેસે કોઈ વચનો પૂરા કર્યા નથી. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, કોંગ્રેસના શાસનમાં તેલંગાણા આર્થિક રીતે બરબાદ થઈ ગયું છે.

    તેલંગાણા પહેલાં કર્ણાટક અને હિમાચલ પ્રદેશ પણ કોંગ્રેસના શાસનમાં આર્થિક સંકટમાં ફસાઈ ચૂક્યા છે. કર્ણાટકમાં SC-ST ફંડના પૈસા ચૂંટણીની ગેરંટી માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીએ પગાર ન લેવાની જાહેરાત કરી છે. જો યોગ્ય આર્થિક પગલાં લેવામાં નહીં આવે તો તેલંગાણામાં પણ ટૂંક સમયમાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં