સુરતમાંથી (Surat) પોલીસે એક બાંગ્લાદેશી (Bangladeshi) યુવકને પકડી પાડ્યો છે, જે ગેરકાયદે ભારતમાં રહેતો હતો. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપના (SOG) અધિકારીઓએ દરોડા પાડતાં પોલ ખુલી હતી. તે છેલ્લાં દોઢ વર્ષથી સુરતમાં રહે છે. પોલીસને તેની પાસેથી નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. બીજી તરફ, અન્ય એક કેસમાં પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ સુરતમાં રહેતા એક મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે, જેણે હિંદુ યુવતી સાથે લિવ-ઇનમાં રહેવા માટે હિંદુ નામથી ખોટા દસ્તાવેજો બનાવી દીધા હતા. બંને કેસમાં આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.
સુરત એસઓજીને બાતમી મળી હતી કે, લાલગેટ પાસે એક ઝૂંપડપટ્ટીમાં યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક હિંદુ નામ સાથે રહે છે તથા ભારતીય નાગરિક હોવાનો દાવો કરી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે જે-તે ઝૂંપડપટ્ટીમાં જઈને તપાસ હાથ ધરી હતી.
પોલીસને અહીંથી 27 વર્ષીય યુસુફ સરદાર, જે મૂળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે, મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ તેણે વટાણા વેરી દેતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસને યુસુફ પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, હિંદુ નામથી બનાવેલા નકલી ભારતીય ચૂંટણીકાર્ડ, નકલી ડ્રાઈવિંગ લાયસન્સ અને નકલી આધાર કાર્ડ, તથા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ બધો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
સુરત : હિન્દુ નામ ધારણ કરીને સુરતમાં રહેતો હતો બાંગ્લાદેશી શખ્સ, નકલી દસ્તાવેજના આધારે મકાન શોધતો શખ્સ ઝડપાયો.. #surat #ZEE24kalak #Gujarat pic.twitter.com/fxBVH8i0A3
— Zee 24 Kalak (@Zee24Kalak) January 16, 2025
આરોપી યુસુફ સરદારે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે, તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા (બાંગ્લાદેશનું ચલણ) આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બણગાવથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હતો. ત્યાંથી હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડીને સુરત આવી ગયો હતો. સુરતમાં તે એક ઝૂંપડપટ્ટીમાં ભાડે રહેતો હતો અને છૂટક મજૂરીનાં કામો કરતો હતો.
પોલીસે યુસુફ વિરુદ્ધ BNS કલમ 336(2), 336(3), 338, 340, પાસપોર્ટ અધિનિયમ, 1967ની કલમ 12(1), પાસપોર્ટ નિયમો, 1950ની (એન્ટ્રી ઈન ટુ ઈન્ડિયા) કલમ 3 અને 6 4. ફોરેનર્સ એકટ, 1946ની કલમ 3(1)(2)(એ)(જી) અને 14 અંતર્ગત કેસ નોંધ્યો છે. હાલ યુસુફ પોલીસ કસ્ટડીમાં છે, જેની પૂછપરછ ચાલી રહી છે.
હિંદુ યુવતી સાથે લિવ-ઇનમાં રહેવા માટે નકલી દસ્તાવેજો બનાવનાર મુસ્લિમ યુવક ઝડપાયો
અન્ય એક કેસમાં સુરત પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના અને શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા એક મુસીબુલ શેખ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. તેણે હિંદુ નામ ‘પ્રદીપ’ ધારણ કરીને તે જ નામે બોગસ આધાર કાર્ડ અને પાનકાર્ડ બનાવી લીધાં હતાં. તેની પાસેથી પોલીસને એક RC અને મોબાઇલ પણ મળી આવ્યાં હતાં.
પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તે ફેસબુકના માધ્યમથી એક મૂળ નેપાળની હિંદુ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલા પહેલાં મુંબઈ રહેતી હતી, જેને તે દોઢ મહિનાથી સુરત લઈ આવ્યો હતો. યુવતીને લાવ્યા બાદ તે ઘર શોધી રહ્યો હતો અને હિંદુ વિસ્તારમાં ઘર મેળવવા માટે તેણે હિંદુ નામથી નકલી દસ્તાવેજો બનાવી કાઢ્યા હતા.
મૂળ તે પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી સુરતમાં રહીને મજૂરી કામ કરે છે. SOGએ તેને રાંદેર પોલીસને સોંપ્યો હતો, જેમણે વધુ તપાસ હાથ ધરી છે.