Monday, September 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રદ્ધાના હત્યા કેસના આરોપી આફતાબને જેલમાં સાથી કેદીઓએ ધીબેડી નાંખ્યો, કોર્ટે જેલતંત્રને...

    શ્રદ્ધાના હત્યા કેસના આરોપી આફતાબને જેલમાં સાથી કેદીઓએ ધીબેડી નાંખ્યો, કોર્ટે જેલતંત્રને કહ્યું- સુરક્ષા આપો

    કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જેલ સુપ્રિટેન્ડેન્ટને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે કે આરોપીને કોર્ટમાં રજૂ કરવાના સમયે સુરક્ષિત રીતે રજૂ કરવામાં આવે. 

    - Advertisement -

    દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા હાલ જેલમાં બંધ છે. તેને જેલમાં સાથીઓએ મેથીપાક આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેલમાં મારપીટ બાદ કોર્ટે જેલતંત્રને આફતાબને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. 

    શ્રદ્ધા હત્યા કેસની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં ચાલી રહી છે. આ જ સુનાવણીમાં રજૂ કરવા માટે આફતાબને લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે સાથી કેદીઓએ મળીને તેને ઢીબેડી નાંખ્યો હતો. આ દાવો તેના વકીલે કર્યો હતો. 

    અક્ષય ભંડારી નામના વકીલ કોર્ટમાં આફતાબનો પક્ષ રાખી રહ્યા છે. શુક્રવારે સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે આફતાબ સાથે જેલમાં અન્ય કેદીઓએ મારપીટ કરી હતી. આ ફરિયાદ બાદ કોર્ટે જેલ તંત્રને આરોપીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જેલ સુપ્રિટેન્ડેન્ટને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે કે આરોપીને કોર્ટમાં રજૂ કરવાના સમયે સુરક્ષિત રીતે રજૂ કરવામાં આવે. 

    - Advertisement -

    હાલ કોર્ટમાં આફતાબ વિરુદ્ધ ચાર્જ ફ્રેમિંગ કરવા મુદ્દે દલીલો ચાલી રહી છે. તેની સામે IPCની કલમ 302 (હત્યા) અને 201 (પુરાવા નષ્ટ કરવા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન આફતાબના વકીલે કલમ 201નો વિરોધ કર્યો હતો. આ મામલે આગલી સુનાવણી આગામી 3 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે હાથ ધરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 18 મેના રોજ દિલ્હીમાં રહેતી શ્રદ્ધા વલકર નામની યુવતીને તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 જેટલા ટુકડા કરી નાંખ્યા હતા. જેને સ્ટોર કરવા માટે તે એક રેફ્રિજરેટર પણ લાવ્યો હતો. જેમાંથી દરરોજ થોડા-થોડા ટુકડાઓ લઈને તે બહાર ફેંકતો રહેતો હતો. 

    ઘણા સમય સુધી શ્રદ્ધાનો સંપર્ક ન થતાં તેના પિતા તેને શોધતા દિલ્હી આવ્યા હતા અને ફ્લેટ પર પણ ન મળતાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે નવેમ્બર મહિનામાં શ્રદ્ધાના હત્યારા આફતાબ પાસે પહોંચી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    નવેમ્બરથી આફતાબ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. ગત જાન્યુઆરીમાં દિલ્હી પોલીસે તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. હાલ કેસ ચાલી રહ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં