Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશાહરૂખ ખાનની 'રઈસી', ‘દરિયાદિલી’ કે પછી કોર્ટના સૂચનનું મૂંગે મોઢે પાલન? જાણીએ...

    શાહરૂખ ખાનની ‘રઈસી’, ‘દરિયાદિલી’ કે પછી કોર્ટના સૂચનનું મૂંગે મોઢે પાલન? જાણીએ શું છે સત્ય 

    શાહરૂખ ખાને વડોદરા સ્ટેશન પર લાખોના ખર્ચે RO પ્લાન્ટ સ્થાપિત કર્યો હોવાની વાતો ચાલી રહી છે, પરંતુ સત્ય એ છે કે તેમણે માત્ર કોર્ટના સૂચનનું પાલન કર્યું છે.

    - Advertisement -

    બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલ ચર્ચામાં છે. તેનું કારણ હાલમાં જ સામે આવેલા એક સમાચાર છે. જે મુજબ શાહરૂખ ખાને વડોદરાના રેલવે સ્ટેશન ઉપર RO પ્લાન્ટ સ્થાપવા માટે 23 લાખ રૂપિયા ‘દાન’ કર્યા હોવાનું કહેવાય રહ્યું છે. કેટલાક યુઝરો શાહરૂખના આ પગલાને લઈને વખાણ કરી રહ્યા છે. જોકે, સાચી હકીકત બીજી તરફ જ ઈશારો કરી રહી છે. 

    કેટલાક મીડિયા અહેવાલોમાં પણ શાહરૂખ ખાનની ‘દરિયાદિલી’ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ ખાને વડોદરા સ્ટેશને લાખો રૂપિયાનો RO પ્લાન્ટ લગાવ્યો છે, જેથી સ્ટેશન પર આવતા યાત્રીઓને પીવાનું ચોખ્ખું પાણી મળી શકે. સાથે રિપોર્ટમાં શાહરૂખ ફિલ્મો ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ સતત આગળ પડતા રહેતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

    જોકે, સાચી હકીકત એવી છે કે 2017માં પોતાની ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન શાહરૂખ ખાન વડોદરા સ્ટેશને આવતાં ભીડ એકઠી થઇ ગઈ હતી અને નાસભાગ દરમિયાન એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. જે બાદ આ મામલે શાહરૂખ ખાન વિરુદ્ધ કેસ ચાલતાં કોર્ટે તેમને રાહત તો આપી હતી પરંતુ સાથે કહ્યું હતું કે તેઓ નુકસાનની ભરપાઈના ભાગરૂપે સ્ટેશન પર RO પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે. જે બાદ અભિનેતાએ આ પગલું ભર્યું છે. 

    - Advertisement -

    આ મામલો વર્ષ 2017ના એક કેસ સાથે જોડાયેલો છે. જ્યારે અભિનેતા શાહરૂખ ખાન તેમની ફિલ્મ ‘રઇસ’ના પ્રમોશન માટે ટ્રેન મારફતે વડોદરા સ્ટેશને આવ્યા હતા. દરમિયાન, તેમને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઈ હતી. દરમિયાન શાહરૂખે લોકો પર સોફ્ટ બોલ અને ટી-શર્ટ ફેંક્યાં હતાં, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ફરીદખાન પઠાણ નામના એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. તેમજ ભીડને નિયંત્રિત કરવામાં બે પોલીકર્મીઓને પણ ઇજા પહોંચી હતી. 

    આ ઘટના બાદ એક સ્થાનિક વ્યક્તિએ શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને આરોપ લગાવતાં કહ્યું હતું કે શાહરૂખ ખાને ભીડ તરફ સોફ્ટ બોલ અને ટી-શર્ટ ફેંકવાના કારણે નાસભાગ મચી હતી. આ મામલે વડોદરા પોલીસે આઇપીસી અને સીઆરપીસીની કલમો હેઠળ શાહરૂખ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમજ કોર્ટે સમન્સ પાઠવ્યા હતા.

    વડોદરા કોર્ટના સમન્સ વિરુદ્ધ શાહરૂખ ખાને ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને FIR રદ કરવા માટેની અપીલ કરી હતી. જેની ઉપર સુનાવણી હાથ ધરતાં ગત 3 માર્ચના રોજ હાઇકોર્ટે શાહરૂખ ખાનને રાહત આપી હતી.

    જોકે, કોર્ટે શાહરૂખ ખાનના વકીલને કહ્યું હતું કે તેઓ નુકસાનની ભરપાઈના ભાગરૂપે વડોદરા સ્ટેશન 500-1000 લિટર ક્ષમતાનો RO પ્લાન્ટ સ્થાપિત કરી શકે તો આવનારાં વર્ષો સુધી લોકોને પાણી પીવા માટે કામ આવશે. જે બાદ વકીલે હકારાત્મક જવાબ આપીને તેની ઉપર વિચાર કરવા માટે કહ્યું હતું. 

    તદુપરાંત, પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટમાં દલીલ કરી હતી કે ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને પણ અભિનેતાએ સહાય કરવી જોઈએ. જોકે કોર્ટે કહ્યું હતું કે, તે સમાધાનના ભાગરૂપે થઇ શકે નહીં પરંતુ અભિનેતા પોતાની રીતે પીડિતના બાળકોને મદદ કરવાનું વિચારી શકે છે. 

    ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022માં ગુજરાત હાઇકોર્ટે શાહરૂખ ખાન વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ કરી દીધી હતી. કોર્ટે એવું કારણ આપ્યું હતું કે શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિનો ઘટના સાથે કોઈ સીધો સબંધ ન હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં