ગત 24 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) આવેલી જામા મસ્જિદના કોર્ટના આદેશથી કરવામાં આવેલા સરવે દરમિયાન ઇસ્લામી ટોળાંએ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે આચરેલી હિંસા (Violence) મામલે ઘટસ્ફોટોનો દોર હજુ ચાલુ જ છે. હવે આ કેસમાં પોલીસે દુબઈના એક ગેંગસ્ટરના સાગરીતની ધરપકડ કરી છે, જેણે ઉપદ્રવીઓને હથિયાર સપ્લાય કર્યાં હતાં.
આરોપી ઈસમની ઓળખ મોહમ્મદ ગુલામ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે હિંસા દરમિયાન તેણે તોફાનીઓને હથિયાર પહોંચાડ્યાં હતાં. તેની પાસેથી ત્રણ વિદેશી પિસ્તોલ અને 15 કારતૂસ જપ્ત કરવામાં આવ્યાં છે. તે દુબઈમાં બેસીને ઓપરેટ કરતા ગેંગસ્ટર શારિક સાઠાની ગેંગનો માણસ હોવાનું જાણવા મળ્યું છે.
ગુલામ પાસેથી પોલીસને શારિકનો નંબર પણ મળી આવ્યો છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે દિલ્હી-NCRમાં ગાડી ચોરી કરવાનો માસ્ટરમાઈન્ડ હતો. ચોરીની ગાડીઓ મણિપુર અને ઉત્તર-પૂર્વનાં અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી, જેના બદલામાં હથિયારો મેળવવામાં આવતાં, જેને દેશભરમાં સપ્લાય કરવામાં આવતાં હતાં.
सुप्रीम कोर्ट के वकील विष्णु शंकर जैन @Vishnu_Jain1 को मारने की साज़िश थी. सँभल में 24 नवंबर को हुई हिंसा में जैन को निपटाने की तैयारी थी. हथियार भी पहुंच गया था. अपनी गिरफ़्तारी के बाद ग़ुलाम ने ये जानकारी सँभल के एसपी कृष्ण बिश्नोई को दी है pic.twitter.com/FZQeq3W1yO
— पंकज झा (@pankajjha_) February 20, 2025
પોલીસને અનેક વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યાં છે, જેમાં હિંસા ભડકાવવા માટે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે. એટલું જ નહીં પ્લાનિંગ એવું હતું કે સંભલમાં હિંસા ફાટી નીકળે તેનાથી દેશભરમાં આગ ફેલાશે અને તેઓ મોટાપાયે હથિયારો સપ્લાય કરશે. એક સ્થાનિક વ્યક્તિએ શારિકને મસ્જિદના સરવે વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ શારિકે ગુલામને પકડ્યો હતો અને કોઈ પણ પરિસ્થિતિમાં સરવે ન થવા દેવાનું કહ્યું હતું.
શારિકનાં કનેક્શન દુબઈની અન્ય ગેંગ તેમજ દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે પણ હોવાનું જાણવા મળ્યું છે. તે ફર્જી પાસપોર્ટ બનાવીને દિલ્હીથી દુબઈ ભાગી છૂટ્યો હતો અને હવે ત્યાંથી ગેંગ ચલાવી રહ્યો છે. સંભલ પોલીસનું કહેવું છે કે આ ગેંગસ્ટર પર સકંજો કસવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે.
સંભલ પોલીસે એમ પણ જણાવ્યું કે પકડાયેલા આરોપી મોહમ્મદ ગુલામને સ્થાનિક સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનું સંરક્ષણ પ્રાપ્ત હતું. ઉલ્લેખનીય છે કે હિંસા મામલે બર્ક સામે પણ કેસ નોંધવામાં આવ્યા છે. જે મામલે તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે રાહત આપવાની કે FIR રદ કરવાની ના પાડી હતી.
ગુલામ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેણે સંભલના પૂર્વ સાંસદ શફીકુર રહેમાન બર્કના કહેવા પર સમાજવાદી પાર્ટીના નેતાના પુત્ર સોહેલ ઇકબાલ પર ગોળીબાર પણ કર્યો હતો.
વિષ્ણુશંકર જૈનની હત્યાનું ષડ્યંત્ર
પોલીસની પૂછપરછમાં વધુ એક ઘટસ્ફોટ એ થયો છે કે ઇસ્લામીઓએ આ હિંસાની આડમાં હિંદુવાદી એક્ટિવિસ્ટ અને અનેક હિંદુ મંદિરોને મુક્ત કરાવવા માટે લડતા વિષ્ણુશંકર જૈનની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.
જે વોટ્સએપ ચેટ સામે આવી છે તેમાંથી જાણવા મળ્યું કે આ આરોપીઓને તેમના આકાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તેમણે મસ્જિદની હિફાજત કરવાની છે અને બહારથી આવેલા એક વકીલની હત્યા કરી નાખવાની છે. ‘એક વકીલ હૈ, જગહ-જગહ દરખાસ્ત ડાલતા હૈ, ઉસકો ખતમ કર દેના હૈ’ જેવી ચેટ પોલીસને મળી આવી છે. જોકે ઘણોખરો ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યો છે, જે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
વિષ્ણુશંકર જૈન અને તેમના પિતા હરિશંકર જૈન કાશી વિશ્વનાથ અને જ્ઞાનવાપી કેસમાં મુખ્ય વકીલો છે. જે પાંચ મહિલાઓએ શૃંગાર ગૌરીની પૂજા માટે પરવાનગી માંગતી અરજી કરી છે તેમના વતી આ પિતા-પુત્ર જ કોર્ટમાં દલીલો કરી રહ્યા છે. ઉપરાંત સંભલના કેસમાં તેમજ મધ્ય પ્રદેશના ધારની ભોજશાળાના કેસમાં પણ તેઓ વકીલ છે.
દેશભરનાં હિંદુ મંદિરોને મુક્ત કરાવવાના ઉદ્દેશ્યથી કાયદાકીય લડાઈ લડતા વિષ્ણુશંકર જૈનને આ અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી છે. જોકે તેઓ પોતાના ઉદ્દેશ્ય પર અડગ રહ્યા છે અને કાયમ કહેતા રહ્યા છે કે હિંદુ મંદિરો માટે પોતે લડતા રહેશે.