રાજસ્થાન હાઇકોર્ટે (Rajasthan High Court) બ્યાવરમાં (Beawar) હિંદુ સગીરાઓના જાતીય શોષણના આરોપી મુસ્લિમો ઇસમોનાં ઘરો પર બુલડોઝર (Bulldozer) ચલાવવા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. સ્થાનિક પ્રશાસને બ્યાવરની મુસ્લિમ ગેંગના આરોપીઓનાં ઘર તોડી પાડવા માટે 20 ફેબ્રુઆરીના રોજ નોટિસ ફટકારી હતી. જેની સામે આરોપીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. આ કેસની સુનાવણી કરતા હાઇકોર્ટની સિંગલ બેન્ચે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ મહેન્દ્ર કુમાર ગોયલે તેમના આદેશમાં કહ્યું છે કે, “અરજદારોના વકીલે રજૂઆત કરી છે કે, રાજસ્થાન મ્યુનિસિપાલિટી એક્ટ 2009ની કલમ 194 અને કલમ 245 હેઠળ તેમના બાંધકામને તોડી પાડવા માટે 20.02.2025ના રોજ કારણ બતાવો નોટિસ મળ્યા પછી તેમણે સમયસર પોતાનો જવાબ દાખલ કર્યો છે, પરંતુ પ્રશાસન જવાબ પર નિર્ણય લીધા વિના તેમનું બાંધકામ તોડી પાડવા માટે આતુર હોવાનું જણાય છે.”
કોર્ટે આરોપી મુસ્લિમ અરજદારોના વકીલને તેમની રિટ અરજીઓની નકલ એડિશનલ એડવોકેટ જનરલની ઓફિસમાં જમા કરવા માટેની સૂચના આપી છે. બીજી તરફ પ્રતિવાદીઓના વકીલે નિર્દેશો પૂર્ણ કરવા માટે સમય માંગ્યો હતો. જે બાદ કોર્ટે તેમને સમય પણ આપ્યો હતો. હાઇકોર્ટના નિર્દેશ અનુસાર, કેસની આગામી સુનાવણી 11 માર્ચે બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. ત્યાં સુધી બંને પક્ષોને યથાસ્થિતિ જાળવવા માટેનું કહેવામાં આવ્યું છે.
નગરપાલિકાએ આરોપીઓને ફટકારી હતી નોટિસ
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગયા મહિને પોલીસે એક પ્રેસનોટ જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મોબાઈલ ફોન દ્વારા સગીર છોકરીઓને પ્રેમ સંબંધોમાં ફસાવીને તેમનું જાતીય શોષણ કરવા બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, બે કિશોર ગુનેગારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ પછી, સંબંધિત મ્યુનિસિપલ અધિકારીઓએ આ આરોપીઓના ઘરોને નોટિસ ફટકારી હતી.
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મ્યુનિસિપલ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા આરોપીઓના ઘરોને 8 હસ્તલિખિત નોટિસ જારી કરવામાં આવી હતી. જેમાં એક મસ્જિદ અને કબ્રસ્તાન અને બાકીના 6 આરોપીઓના ઘરોનો સમાવેશ થાય છે. આમાંથી એક ઘર અરજદારનું પણ છે, જેમાં તે તેના આખા પરિવાર સાથે રહે છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે, નોટિસ મેળવનાર વ્યક્તિને નોટિસ મળ્યા પછી તરત જ સંબંધિત નગરપાલિકામાં તેના ઘર/મકાન માટે માલિકીના દસ્તાવેજો, રેકોર્ડ અને મંજૂર થયેલ નકશો સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જો નોટિસ મેળવનાર વ્યક્તિ પોતાના પક્ષમાં માલિકીના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જાય, તો તેની સામે રાજસ્થાન મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 194(1) અને 245 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
શું છે કેસ?
નોંધનીય છે કે, આ ઘટના ગત મહિને સામે આવી હતી. આરોપ છે કે, 11 મુસ્લિમોએ 5 હિંદુ સગીરાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમને બ્લેકમેલ કરી હતી. આ સાથે આરોપ એવો પણ છે કે, મુસ્લિમ ગેંગે સગીરાઓને કલમા પઢાવ્યા હતા અને ઇસ્લામ અંગીકાર કરવાનું દબાણ પણ કર્યું હતું. આ ઉપરાંત આ ઘટનાને લઈને અનેક ઘટસ્ફોટ પણ થયા હતા. જેમાં જણાવાયું હતું કે, વિવિધ વર્ગની હિંદુ કન્યાને ફસાવવા માટે મુસ્લિમ ગેંગને પૈસાની લાલચ આપવામાં આવતી હતી. આ ઘટનાને અજમેર સેક્સ સ્કેન્ડલ સાથે જોડવામાં આવી હતી અને હિંદુઓએ તેનો ભરપૂર વિરોધ પણ કર્યો હતો.
ભારે વિરોધ વચ્ચે આ કેસમાં 16 ફેબ્રુઆરીએ ત્રણ FIR નોંધવામાં આવી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ પણ સર્જાયો હતો. ત્યારબાદ વિજયનગર નગરપાલિકાએ આરોપીઓના મકાનો ધ્વસ્ત કરવા માટે નોટિસ ફટકારી હતી. જે બાદ મુસ્લિમ આરોપીના પરિવારના સભ્યોએ નગરપાલિકાના આ નિર્ણયને રાજસ્થાન હાઇકોર્ટમાં પડકાર્યો હતો.