Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમોદી સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલેના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળેલી સજા...

  મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલેના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, વચગાળાનો આદેશ પસાર કર્યો

  આ સાથે કોર્ટે એમ પણ ઉમેર્યું કે, રાહુલ ગાંધીના શબ્દો યોગ્ય રીતે બોલાયા ન હતા અને જાહેરજીવનમાં રહેતા માણસે ભાષણો આપતી વખતે કાળજીપૂર્વક વર્તવું પડે છે. 

  - Advertisement -

  મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આખરે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકી દીધો છે. આજે તેમની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

  સુપ્રીમ કોર્ટે એક વચગાળાનો આદેશ પસાર કરીને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકી દીધો છે. જ્યાં સુધી આ અરજી પર સુનાવણી ચાલશે ત્યાં સુધી આ આદેશ અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 

  સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, IPCની કલમ 499 હેઠળના ગુના માટે મહત્તમ 2 વર્ષની સજા કે દંડ અથવા બંનેની જોગવાઈ છે. ટ્રાયલ જજે (સુરતની કોર્ટના જજ) 2 વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટની અવમાનનાના કેસમાં આ કોર્ટે અરજદારને (રાહુલ ગાંધીને) આપેલી ચેતવણી સિવાય મહત્તમ સજા આપવા માટે ટ્રાયલ કોર્ટે બીજું કોઈ કારણ આપ્યું ન હતું. એ પણ નોંધવું જોઈએ કે ટ્રાયલ જજે 2 વર્ષની સજા આપી તેના કારણે જ રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટની કલમ 8(3) અમલમાં આવી, જો સજા એક દિવસ પણ ઓછી હોત તો આ જોગવાઈ લાગુ જ પડી ન હોત. 

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટની આ કલમ 8(3) હેઠળ જો કોઈ ધારાસભ્ય કે સાંસદ કોઈ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની સજા પામે તો તેનું લોકસભા કે વિધાનસભાનું સભ્યપદ રદબાતલ ઠેરવવામાં આવે છે. આ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થઇ હોવાથી તેમને લોકસભામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. 

  કોર્ટે આગળ કહ્યું કે, જ્યારે ગુનો જામીનપાત્ર અને સંજ્ઞેય હોય ત્યારે ટ્રાયલ જજ પાસેથી એ અપેક્ષા રાખી શકાય કે તેઓ મહત્તમ સજા આપવા માટેનાં યોગ્ય કારણો પણ આપે. કોર્ટે ઉમેર્યું કે, RPAની કલમ 8(3)ની જોગવાઈઓને જોતાં અરજદાર જ નહીં પરંતુ તેમને જેમણે મત આપ્યા હતા એ મતદારોના હકોને પણ અસર થાય તેમ જણાય રહ્યું છે, ઉપરાંત ટ્રાયલ કોર્ટે મહત્તમ સજા આપવા પાછળનું કોઈ ઠોસ કારણ આપ્યું નથી, આ બાબતોને ધ્યાનમાં લેતાં અમે દોષ પર રોક લગાવી રહ્યા છીએ. જોકે બેન્ચે કહ્યું કે, અરજી લંબિત હોવાના કારણે તેઓ કેસના મેરિટ પર હાલ કોઈ અવલોકન નહીં કરે. 

  આ સાથે કોર્ટે એમ પણ ઉમેર્યું કે, રાહુલ ગાંધીના શબ્દો યોગ્ય રીતે બોલાયા ન હતા અને જાહેરજીવનમાં રહેતા માણસે ભાષણો આપતી વખતે કાળજીપૂર્વક વર્તવું પડે છે. 

  આ કેસ વર્ષ 2019માં નોંધાયો હતો. લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક સભા સંબોધતી વખતે કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને પીએમ મોદીનાં નામ લીધાં હતાં. આ ભાષણ સામે વાંધો ઉઠાવીને સુરતના BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેને સ્વીકારીને કોર્ટે સુનાવણી શરૂ કરી હતી. 4 વર્ષને અંતે ગત 23 માર્ચ, 2023ના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટે પણ આ સજા યથાવત રાખી. આખરે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચતાં રાહુલને રાહત મળી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં