Sunday, November 10, 2024
More
    હોમપેજદેશવિવાદોમાં ઘેરાયેલી ટ્રેની IAS પૂજા ખેડકરની ઉમેદવારી રદ, ભવિષ્યમાં પણ નહીં આપી...

    વિવાદોમાં ઘેરાયેલી ટ્રેની IAS પૂજા ખેડકરની ઉમેદવારી રદ, ભવિષ્યમાં પણ નહીં આપી શકે કોઈ પરીક્ષા: UPSCની મોટી કાર્યવાહી, આગોતરા જામીન માટે કોર્ટ પહોંચી આરોપી

    UPSCએ સ્પષ્ટતા કરી હતી કે, તેણે પૂજા ખેડકરને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપી હતી પરંતુ તેણે પોતાનો પક્ષ રજૂ કર્યો નહોતો. હવે પૂજા ખેડકર આગોતરા જામીન માટે દિલ્હીની કોર્ટમાં પહોંચી ગઈ છે.

    - Advertisement -

    યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) નકલી દસ્તાવેજોના આધારે IAS બનવાના આરોપોમાં ઘેરાયેલી પૂજા ખેડકરની (Puja Khedkar) ઉમેદવારી રદ કરી દીધી છે. UPSCએ કહ્યું છે કે, પૂજા ભવિષ્યમાં આવનારી કોઈપણ પરીક્ષામાં બેસી શકશે નહીં. UPSC દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં ધરપકડથી બચવા માટે પૂજા ખેડકરે દિલ્હી કોર્ટનો (Delhi Court) રસ્તો અપનાવ્યો છે, જ્યાં જામીન પરનો નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, IAS પૂજા ખેડકર પોતાના તેવર અને માંગણીઓને લઈને ચર્ચામાં આવી હતી. મામલો વધુ ગંભીર બનતા UPSCએ આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    બુધવારે (31 જુલાઈ) UPSCએ પૂજા ખેડકર વિવાદ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કમિશને પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી દીધી છે. આ સાથે જ ભવિષ્યની કોઈપણ પરીક્ષામાં બેસવા માટેનો પ્રતિબંધ પણ લાદી દેવામાં આવ્યો છે. UPSCએ સ્પષ્ટતા કરી હતી કે, તેણે પૂજા ખેડકરને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપી હતી પરંતુ તેણે પોતાનો પક્ષ રજૂ કર્યો નહોતો. હવે પૂજા ખેડકર આગોતરા જામીન માટે દિલ્હીની કોર્ટમાં પહોંચી ગઈ છે.

    કમિશને જણાવ્યું હતું કે, “UPSCએ તમામ દસ્તાવેજોની કાળજીપૂર્વક તપાસ કરી છે અને CSE-2022 નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ પૂજા ખેડકરને દોષી ઠેરવી છે. CSE-2022 માટેની તેની ઉમેદવારી રદ કરવામાં આવી છે અને તેને ભવિષ્યની તમામ UPSC પરીક્ષાઓ/નિયુક્તિઓમાં કાયમી ધોરણે બાકાત રાખવામાં આવી છે.” UPSCએ જણાવ્યું કે, તેણે 2009થી અત્યાર સુધીના પરીક્ષાના રેકોર્ડની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે, પૂજા ખેડકર સિવાય, કોઈએ મંજૂરી કરતાં વધુ વખત પરીક્ષા આપી નથી.

    - Advertisement -

    દિલ્હી કોર્ટમાં પહોંચી આરોપી

    UPSCએ પૂજા ખેડકરને તેનો જવાબ રજૂ કરવા માટે 30 જુલાઈ, 2024 સુધીનો સમય આપ્યો હતો પરંતુ તે પોતાનો પક્ષ રજૂ કરી શકી ન હતી. UPSCએ કહ્યું કે, પૂજા ખેડકરને પોતાનો પક્ષ રજૂ કરવાની આ છેલ્લી તક આપવામાં આવી હતી. UPSCએ જણાવ્યું કે, પૂજા ખેડકરને તે પણ જાણ કરવામાં આવી હતી કે, જો તે પોતાનો પક્ષ રજૂ નહીં કરે તો તેની સામે કાયદાકીય રીતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પહેલાં UPSCએ છેતરપિંડીના કેસમાં પૂજા ખેડકર વિરુદ્ધ FIR પણ દાખલ કરી હતી. આ કેસમાં ધરપકડથી બચવા માટે ખેડકર દિલ્હીની કોર્ટમાં પહોંચી છે. તેણે આગોતરા જામીન મેળવવા માટે અહીં અરજી કરી છે. પૂજા ખેડકરના આ કેસમાં પણ બુધવારે (31 જુલાઈ) સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    પૂજા ખેડકરના વકીલે કોર્ટમાં કહ્યું કે, તેણે (પૂજાએ) કંઈ ખોટું કર્યું નથી અને UPSC સહિતની પોલીસ તપાસના અંત સુધી પહોંચ્યા વિના તેની ધરપકડ કરવી યોગ્ય નથી. ખેડકર વતી દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે નામ બદલીને કંઈ ખોટું કર્યું નથી. બીજી તરફ UPSC અને દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો છે કે, પૂજા ખેડકરે છેતરપિંડી કરી છે. કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. તે ગુરુવારે (1 ઓગસ્ટ, 2024) પોતાનો નિર્ણય જાહેર કરશે.

    નોંધનીય છે કે, મહારાષ્ટ્રની રહેવાસી IAS પૂજા ખેડકર પર કલેક્ટર પાસેથી લાલ બત્તીવાળી કાર અને પોતાની પર્સનલ ઓફિસની માંગણી કરવાના આરોપો સૌપ્રથમ સામે આવ્યા હતા. આ પછી તેના રિઝર્વેશન સર્ટિફિકેટમાં પણ ભૂલો જોવા મળી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, તેણે વિકલાંગતા અને OBC અનામતના પ્રમાણપત્રમાં પણ ગેરરીતિ આચરી છે અને તેના દ્વારા તેણે પરીક્ષામાં ભરપૂર ફાયદો લીધો છે. જોકે, હવે તો UPSCએ તેની ઉમેદવારી રદ કરી નાખી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં