24 નવેમ્બર, 2024ના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના (Sambhal Jama Masjid) સરવે દરમિયાન હિંસા (Violence) ફેલાવનારા ઉપદ્રવીઓની ઓળખ માટે યુપી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. તે જ દિશામાં પોલીસે જામા મસ્જિદની દીવાલો પર સંભલ હિંસાના 74 ઉપદ્રવીઓનાં (Miscreants) પોસ્ટર (Poster) લગાવ્યા છે. આ સાથે જ તે તમામ ઉપદ્રવીઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે, જે કોઈપણ વ્યક્તિ આરોપી વિશેની માહિતી આપશે તો તેને પુરસ્કાર પણ આપવામાં આવશે. ભારે પોલીસ ફોર્સ સાથે પોસ્ટર લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
માહિતી અનુસાર, શુક્રવારે (14 ફેબ્રુઆરી) સંભલ SP કેકે બિશ્નોઈ, ASP શ્રીશચંદ્ર અને CO અનુજ ચૌધરી સાથે મોટી સંખ્યામાં પોલીસદળના જવાનોએ જામા મસ્જિદની દીવાલો પર સંભલ હિંસાના 74 ઉપદ્રવીઓનાં પોસ્ટર લગાવવા માટેની કવાયત હાથ ધરી હતી. પોસ્ટર લગાવવાની સાથે જ સ્થાનિક લોકો પણ જામા મસ્જિદ તરફ એકઠા થવા લાગ્યા હતા. કાર્યવાહીને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી હતી.
ઘટનાના ઘણા દિવસો બાદ પણ આરોપીઓ ન ઝડપાતા લગાવાયા પોસ્ટર
સંભલ હિંસાના ઘણા દિવસો બાદ પણ ઉપદ્રવીઓની ભાળ ન મળતા પોસ્ટર લગાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલાં ગુરુવારે પણ સંભલ હિંસા માટે રચાયેલી SITએ શહેરના એક વિસ્તારમાં એક ઉપદ્રવીનું પોસ્ટર લગાવ્યું હતું અને તેની ભાળ આપનારને પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ પોસ્ટરમાં પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, ’24 નવેમ્બરે થયેલી હિંસામાં સામેલ ઉપદ્રવીઓની ફોટો દ્વારા ઓળખ આપનારને પુરસ્કૃત કરવામાં આવશે.’
#WATCH | Sambhal, Uttar Pradesh | Sambhal ASP Shrish Chandra says, "74 miscreants are being identified in connection with the violent incident that took place in Sambhal on 24 November. They were found to be involved in the incident through CCTV. Today, their posters are being… pic.twitter.com/shjyzcu3Ju
— ANI (@ANI) February 14, 2025
આ ઉપરાંત પોલીસની આ કાર્યવાહીને લઈને જામા મસ્જિદ કમિટીના સદર ઝફર અલી અને તેમના ભાઈએ વિરોધ પણ નોંધાવ્યો હતો. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને વાંધો ઉઠાવ્યો હતો. ASP ઘટનાસ્થળે પહોંચ્યા તો ઝફર અલી ભડકી ઉઠ્યા હતા અને પોસ્ટર હટાવવા માટેનું કહી દીધું હતું. જોકે, ASPએ ASIની સંપત્તિ હોવાનો હવાલો આપીને પોસ્ટર હટાવવાનો ઇનકાર કરી દીધો હતો. સાથે તેમણે નિયમ અનુરૂપ કાર્યવાહી કરી હોવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સંભલમાં 24 નવેમ્બર 2024ના રોજ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ અને પોલીસ વિરુદ્ધ આચરવામાં આવી હતી. પથ્થરમારો, આગચંપી અને હત્યાને આ હિંસા દરમિયાન અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.