છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાની (Pakistan) સરહદ સાથે અડેલ કચ્છ જિલ્લાના ઘણા ગામડામાં (Kutch Villages) હિંદુઓની વસ્તી ઓછી થઈ ગઈ અને મુસ્લિમો (Muslim Population) બહુમતીમાં આવી ગયા છે. તથા ડેમોગ્રાફી ચેન્જ આવ્યો છે. ડેમોગ્રાફી ચેન્જને (Demographic Change) લઈને ઘણી ચર્ચાઓ થતી હોય છે, ત્યારે ગુજરાતનું કચ્છ પણ એમાંથી બાકાત રહ્યું નથી. કચ્છના પાકિસ્તાન સરહદ નજીકના ગામોમાં સતત મુસ્લિમ આબાદી વધી રહી છે, ઘણા તો એવા ગામ પણ છે, જ્યાં હવે હિંદુઓની વસ્તી જ ખતમ થઈ ગઈ છે. મોટાભાગના ગામોમાંથી હિંદુઓએ પલાયન કરવું પડ્યું છે. આ બધા કારણોસર સુરક્ષાની ચિંતાઓ પણ ઊભી થઈ છે.
દિવ્ય ભાસ્કર દ્વારા આ મામલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ભાસ્કરે કચ્છના 23 ગામોની ‘રિયાલિટી ચેક’ કરી હતી અને તેના આધારે એક રિપોર્ટ કર્યો હતો. જેમાં ચૂંટણીપંચે 6 જાન્યુઆરી, 2025ના રોજ પ્રસિદ્ધ કરેલી મતદારયાદીમાં જણાવેલ ડેટાના સંદર્ભો પણ લેવામાં આવ્યા હતા તથા સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. આ અહેવાલ અનુસાર જે 23 ગામડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમાંથી 6 ગામડાઓમાં એક પણ હિંદુ પરિવાર બચ્યો નથી. એટલે કે 6 ગામડાઓમાં હિંદુઓની વસ્તી 0 થઈ ગઈ છે.
આ 6 ગામડાઓમાં નાના ભીટારા, ભદ્રાવાંઢ, મોટા ગુગરીયાણા, નાના ગુગરીયાણા, મેડી અને ભંગોડીવાંઢનો સમાવેશ થાય છે. જેમાં હિંદુઓની વસ્તી શૂન્ય છે અને મુસ્લિમોની વસ્તી ક્રમશ: 878, 678, 112, 112, 49 અને 104 છે. કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા દિનારા ગામમાં પહેલાં હિંદુઓના 30 ઘરો હતા, જે હવે ઘટીને એક ઘર થઈ ગયું છે. મોટા દિનારામાં એક 500 વર્ષ પ્રાચીન મંદિર આવેલું છે, તેની આસપાસ જ હિંદુઓના ઘરો હતા, પરંતુ બધા જ હિંદુઓ પલાયન કરી ગયા છે અને માત્ર એક હિંદુ પરિવાર જ ગામમાં વસવાટ કરી રહ્યો છે.
આ ઉપરાંત રિપોર્ટ દર્શાવે છે કે, કચ્છના સુઠારી ગામમાં હિંદુઓની વસ્તી કેટલાક વર્ષો પહેલાં 2500 હતી, જે હવે ઘટીને માત્ર 1000 રહી ગઈ છે. આ ગામના હિંદુઓ પોતાનો પૈતૃક વારસો છોડીને બહાર પલાયન કરી ગયા છે તો કેટલાક મુસ્લિમો બહારથી આવીને ત્યાં વસી ગયા છે. તે સિવાય પણ કચ્છના એવા ઘણા ગામડા છે, જ્યાં એક સમયે હિંદુઓની વસ્તી વધુ હતું, જ્યારે હવે ત્યાં હિંદુઓ નહિવત જોવા મળે છે.
આ સિવાય કચ્છના મોટા દિનારા જૂથમાં 6 ગામ આવે છે, આ ગ્રામ પંચાયતના સરપંચ આમીરહસનના જણાવ્યા અનુસાર, ગામની વસ્તી 5000 છે જેમાંથી હિંદુઓના માત્ર 20-25 ઘર જ છે. શેહ ગામમાં કુલ 160 મતદારોમાંથી માત્ર 8 મતદારો જ હિંદુ સમુદાયના છે. આ ઉપરાંત લખપત ગામમાં 1500-2000ની વસ્તી છે, જેમાંથી માત્ર 15-20 ઘર જ હિંદુઓના છે. સુથરી ગામની કુલ વસતી 3500ની આસપાસ છે. એમાં જૈનોની સંખ્યા માત્ર 15 છે. એ સિવાય હિંદુ પરિવારોના 60 ઘર છે. જે અગાઉ 150 હતા.
ચૂંટણી પંચની યાદીનો ડેટા
આ સિવાય ચૂંટણી પંચની યાદીમાંથી પણ ડેટા મૂકવામાં આવ્યો હતો. જે અનુસાર ધોરડોમાં 710માંથી 10 મતદારો, લુણા નાનામાં 344માંથી 10 મતદારો, છેર નાનીમાં 538માંથી 89 મતદારો, મુંઘવાયમાં 507માંથી 8, કનોજમાં 238માંથી 60, મફત નગરમાં 107માંથી 49, ગોલાયમાં 574માંથી 17, કડુલીમાં 334માંથી 82 અને સુથરીમાં 1605માંથી 497 મતદારો જ હિંદુ છે.
આ અહેવાલ અનુસાર હિંદુઓ ગામ છોડીને જવા લાગ્યા છે, જ્યારે કેટલાક મુસ્લિમો બહારથી આવીને ત્યાં સ્થાયી થવા લાગ્યા છે. લખપત અને કાનેર જેવા ગામડાઓના લોકો કામ કરવા માટે સુરત અને મુંબઈ જવા લાગ્યા છે.
મહત્વની બાબત એ છે કે, અહીંના હિંદુ સંગઠનો સતત સ્થળાંતરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. હિંદુ સંગઠનોએ આ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી હોવાનો આરોપ પણ લગાવેલો છે. કેટલાક લોકોનો આરોપ છે કે, મુસ્લિમોએ ગામડાઓની બધી જમીનો પર કબજો કરી લીધો છે, જેમાં સરકારી જમીનનો પણ સમાવેશ થાય છે. આ સંદર્ભમાં પીએમ મોદીને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. ત્યારે પ્રસખિત થયેલ આ અહેવાલમાં સામે આવેલ આંકડા આ આરોપોની સાબિતી આપતા હોય તેવું લાગી રહ્યું છે.