Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ‘પ્રભુએ મને ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યો એ મારું સદભાગ્ય’: રામ...

    ‘પ્રભુએ મને ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યો એ મારું સદભાગ્ય’: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં PM મોદીએ શરૂ કર્યાં 11 દિવસનાં અનુષ્ઠાન, પંચવટીથી થશે આરંભ

    વડાપ્રધાને આ સાથે એક ઓડિયો લિંક પોસ્ટ કરીને લખ્યું કે, “આ ક્ષણે ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી કઠિન છે, પરંતુ મેં મારી રીતે એક પ્રયાસ કર્યો છે.”

    - Advertisement -

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે માત્ર 11 દિવસ બાકી રહ્યા છે. તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંદેશમાં કહ્યું છે કે તેઓ આજથી વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છે. તેમણે એક ઓડિયો સંદેશ મારફતે આ વાત કહી હતી. 

    શુક્રવારે (12 જાન્યુઆરી, 2024) એક X પોસ્ટમાં PM મોદીએ કહ્યું કે, “અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના માત્ર 11 દિવસ બાકી રહ્યા છે. મારું સૌભાગ્ય છે કે હું આ પુણ્ય અવસરનો સાક્ષી બનીશ. ભગવાને મને પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન તમામ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યો છે. જેને ધ્યાનમાં લઈને આજથી 11 દિવસ માટે હું વિશેષ અનુષ્ઠાન આરંભ કરી રહ્યો છું. “

    વડાપ્રધાને આ સાથે એક ઓડિયો લિંક પોસ્ટ કરીને લખ્યું કે, “આ ક્ષણે ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી કઠિન છે, પરંતુ મેં મારી રીતે એક પ્રયાસ કર્યો છે.”

    - Advertisement -

    ઓડિયો સંદેશમાં PM મોદી કહે છે કે, “જે સ્વપ્નને અનેક પેઢીઓએ વર્ષો સુધી એક સંકલ્પ તરીકે જીવ્યું, મને તેની સિદ્ધિના સમયે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. પ્રભુએ મને તમામ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવાનો નિમિત્ત બનાવ્યો છે. આ એક મોટી જવાબદારી છે. જેવું આપણાં શાસ્ત્રોમાં પણ કહેવાયું છે, આપણે ઈશ્વરના યજ્ઞ માટે, આરાધના માટે પોતાની અંદર પણ દૈવીય ચેતના જાગૃત કરવી પડે છે. તે માટે શાસ્ત્રોમાં વ્રત અને કઠોર નિયમ જણાવવામાં આવ્યા છે, જેનું પ્રાણપ્રતિષ્ઠા પહેલાં પાલન કરવામાં આવે છે. જેથી આધ્યાત્મિક યાત્રાના અમુક તપસ્વી આત્માઓ અને મહાપુરુષો પાસેથી મને જે માર્ગદર્શન મળ્યું છે, તેમણે જે યમ-નિયમ સૂચવ્યા છે તે અનુસાર હું આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનો આરંભ કરી રહ્યો છું.” 

    પીએમ મોદીએ કહ્યું, “મારું સૌભાગ્ય છે કે આ 11 દિવસના અનુષ્ઠાનનો આરંભ હું નાસિક ધામ-પંચવટીથી કરી રહ્યો છું. એ પાવન ધરા, જ્યાં પ્રભુ શ્રીરામે ઘણો સમય વિતાવ્યો હતો.” તેમણે ઉમેર્યું કે, “શરીરના રુપે તો હું એ પવિત્ર પળોનો સાક્ષી બનીશ જ, પરંતુ મારા મનમાં, મારા હૃદયમાં અને દરેક સ્પંદનમાં 140 કરોડ ભારતીયો મારી સાથે હશે. તમે મારી સાથે હશો, દરેક રામભક્ત મારી સાથે હશે અને એ ચૈતન્ય પળો આપણા સૌની સહિયારી અનુભૂતિ હશે.” તેમણે કહ્યું કે, “હું મારી સાથે રામ મંદિર માટે જીવન સમર્પિત કરનાર અગણિત વ્યક્તિત્વોની પ્રેરણા લઈને જઈશ.”

    તેમણે ઉમેર્યું કે, “જ્યારે 140 કરોડ દેશવાસી તે પળો દરમિયાન મારા મનથી મારી સાથે જોડાશે અને જ્યારે હું તમારી ઊર્જાને સાથે લઈને ગર્ભગૃહમાં પ્રવેશ કરીશ ત્યારે મને અનુભૂતિ થશે કે હું એકલો નથી પણ તમે બધા પણ મારી સાથે છો. આ 11 દિવસ વ્યક્તિગત રીતે મારા યમ-નિયમ તો છે કે, પરંતુ મારા ભાવવિશ્વમાં આપ સૌ સમાહિત હશો. મારી પ્રાર્થના છે કે તમે પણ મનથી મારી સાથે જોડાયેલા રહો.”

    ઉલ્લેખનીય છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ભવ્ય અને ઐતિહાસિક અવસર માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં