પંચમહાલના (Panchmahal) એક કોંગ્રેસ નેતાને (Congress Leader) બે વર્ષ માટે તડીપાર (Externed) કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતનો કોંગ્રેસનો વિરોધ પક્ષનો નેતા જેબી સોલંકી (જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી) બે વર્ષ માટે તડીપાર થયો છે. માહિતી અનુસાર, નોકરી અપાવવાનાં બહાને તે નાગરિકો પાસેથી પૈસા પડાવી લેતો હતો. આ ઉપરાંત સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદ પણ તેના વિરુદ્ધ નોંધવામાં આવી હતી.
શહેરાના પ્રાંત અધિકારી દ્વારા કોંગ્રેસ નેતા જેબી સોલંકીને બે વર્ષ માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યો છે. એટલે કે તે બે વર્ષ માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં રહી શકશે નહીં. આરોપ એવા છે કે, કોંગ્રેસ નેતા દ્વારા શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જોખમાય તે પ્રકારના કૃત્યો કરવામાં આવતાં હતાં.
આ સમગ્ર ઘટનાઓને લઈને જિલ્લા પોલીસ વડાએ કોંગ્રેસ નેતાને તડીપાર કરવા માટે દરખાસ્ત કરી હતી. શહેરા પ્રાંત અધિકારીએ દરખાસ્ત અનુસંધાને જેબી સોલંકીને તેનો પક્ષ રજૂ કરવા માટેની એક તક પણ આપી હતી. ત્યારબાદ તેને 2 વર્ષ માટે તડીપાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસ વડાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડાએ શહેરા પ્રાંત અધિકારીને કરેલી દરખાસ્તમાં કહેવામાં આવ્યું હતું કે, સોલંકી ઝનૂની અને તોફાની સ્વભાવ ધરાવે છે. તે કોઈ પ્રામાણિક ધંધો કરતો નથી. ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવે છે. શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે ઝઘડા-તકરાર કરી સુલેહ શાંતિનો ભંગ કરે છે. જીવલેણ હથિયારો રાખીને ભયનું વાતાવરણ ઊભું કરે છે. આ પ્રવૃત્તિઓના કારણે વિસ્તારના લોકો આર્થિક છેતરપિંડીનો ભોગ બને છે.
નોંધાયા છે 10થી વધુ ગુનાઓ
આ સાથે એ પણ નોંધવા જેવું છે કે, કોંગ્રેસ નેતા વિરુદ્ધ 10 ગુના નોંધાયા છે. વર્ષ 2023થી 2025 દરમિયાન કોંગ્રેસ નેતા વિરુદ્ધ 10 ગુના નોંધાયા હતા. તેના વિરુદ્ધ ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું જણાવીને નોકરી અપાવવાના બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવવા તેમજ સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદો નોંધાઈ હતી. તે સિવાય પણ અનેક ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.
જોકે, આ પહેલી વખત નથી કે કોંગ્રેસ નેતાને તડીપાર કરવામાં આવ્યો હોય. આ પહેલાં વર્ષ 2021માં પણ કોંગ્રેસ નેતા સોલંકી વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશને મિલકત સંબંધિત 6 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા. આ ગુનાઓના આધારે તડીપારની દરખાસ્ત થતાં શહેરા પ્રાંત અધિકારીએ પંચમહાલ, મહીસાગર, દાહોદ, ખેડા, છોટા ઉદેપુર અને વડોદરા એમ 6 જિલ્લામાંથી 2 વર્ષ માટે તેને તડીપાર કરવાનો હુકમ કર્યો હતો.