સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ઘોષિત આતંકી અને જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા ઇસ્લામી આતંકી સંગઠનના (Islamic terrorist organization) વડા મસૂદ અઝહરને (Masood Azhar) પાકિસ્તાન સરકાર તરફથી વળતર (Compensation) આપવામાં આવી શકે છે. પાકિસ્તાની સરકાર મસૂદને ₹14 કરોડનું વળતર આપી શકે છે. કારણ કે, તાજેતરમાં જ ઑપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાના પ્રહારમાં આતંકી મસૂદ અઝહરનો આખો પરિવાર પૂરો થઈ ગયો હતો. હવે આ ઘટનાના વળતર તરીકે પાકિસ્તાન ફરીથી આ આતંકવાદીને પોષી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.
આ બધી અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે પાકિસ્તાની PMના કાર્યાલય તરફથી એક પ્રેસનોટ જારી કરવામાં આવી હતી. પ્રેસનોટમાં કહેવાયું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારતીય હુમલામાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના ઉત્તરાધિકારીઓને અથવા તો તેના પરિવારને વ્યક્તિ દીઠ ₹1 કરોડ આપવાની જાહેરાત કરી છે. જોકે, ભારતીય સેનાના આ ઑપરેશનમાં માર્યા ગયેલા તમામ લોકો ઇસ્લામી આતંકવાદીઓ હતા.
UN designated Jaish-e-Muhammad’s Chief Terrorist Masood Azhar to get Rs. 14 crore relief assistance from Pakistan Government since 14 members of his family have been killed in Indian Air Strikes. #OperationSindoor pic.twitter.com/Sgeyl8vf3I
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 14, 2025
નોંધનીય છે કે, ભારતીય સેનાના પ્રહાર બાદ આતંકવાદી મસૂદ અઝહરે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, તેના પરિવારના 10 સભ્યો આ હુમલામાં માર્યા ગયા છે. આ સાથે જ તેના નજીકના 4 સહયોગીઓ પણ ભારતીય સેનાના હુમલામાં ઠાર થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં અઝહરની બહેન અને તેનો બનેવી, ભત્રીજો અને તેની બેગમ, એક ભત્રીજી અને તેના પરિવારના પાંચ સભ્યો સામેલ છે.
હવે મસૂદ અઝહરના પરિવારમાં તે એક માત્ર જીવિત વ્યક્તિ અથવા તો ઊત્તરાધિકારી છે. તેથી હવે માર્યા ગયેલા 14 લોકો માટેના ₹1-1 કરોડ હવે તેને મળી શકે છે. આ સાથે તેને કુલ ‘વળતર’ તરીકે ₹14 કરોડની સહાય પાકિસ્તાની સરકાર તરફથી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય આતંકીઓના પરિવારોને પણ પાકિસ્તાની સરકાર તરફથી સહાય આપવામાં આવી શકે છે.
ભારતીય સેનાએ ધ્વસ્ત કરેલા આતંકી માળખાનું પણ થશે નિર્માણ
માત્ર એટલું જ નહીં, પરંતુ પાકિસ્તાન PMO દ્વારા જારી કરાયેલ પ્રેસનોટમાં એવું પણ કહેવાયું છે કે, ભારતીય હુમલામાં નાશ પામેલા બાંધકામોનું પુનઃનિર્માણ પણ પાકિસ્તાની સરકાર તરફથી કરવામાં આવશે. એટલે ભારતીય સેનાએ ધ્વસ્ત કરેલા આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ પાકિસ્તાન ફરીથી બનાવીને આપવાની તૈયારી દર્શાવી રહ્યું છે. ભારતીય સેનાના અધિકારીઓ અનેક નિવેદનોમાં કહ્યું છે કે, 7 મેના રોજ પાકિસ્તાનમાં કરાયેલા હુમલામાં માત્ર આતંકીઓ અને તેના ઠેકાણાંને જ ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. તેમાં કોઈપણ નાગરિક વિસ્તાર પ્રભાવિત નથી થયો.
તેવામાં સ્વાભાવિક છે કે, ભારત પાસેથી એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે તે આ બાબત પર ઝીણવટભરી નજર રાખે. આ સાથે જ તે બાબત પર પણ ધ્યાન રાખે કે, પાકિસ્તાની સરકાર દ્વારા આવી આતંકી યુનિવર્સિટીઓને ફરીથી ઊભી ન કરવામાં આવે. કારણ કે, ભવિષ્યમાં જ જેહાદી યુનિવર્સિટીના ઇસ્લામી આતંકીઓ ભારતને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરશે.
નોંધનીય છે કે, 7 મે, 2025ના રોજ ભારતે પહલગામ આતંકી હુમલાના પ્રતિશોધ તરીકે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું હતું. જેમાં PoK અને પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાંને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખવામાં આવ્યાં હતાં. ખાસ કરીને બહાવલપુરમાં આતંકી ઠેકાણાંને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બહાવલપુરમાં જામિયા મસ્જિદ સુભાન અલ્લાહમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર પણ હતું, જેને ઉસ્માન-ઓ-અલી પરિસર તરીકે ઓળખવામાં આવતું હતું, તેને પણ સેના દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું.