ઓડિશામાં (Odisha) બાલાસોર જિલ્લા ખાતે બે ઈસાઈ મહિલાઓ (Christian Women) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મહિલાઓ પર આદિવાસી લોકોનું બળજબરીથી ધર્માંતરણ (Conversion) કરાવવાનો આરોપ છે. આ મહિલાઓને ઝાડ સાથે બાંધીને મારતો એક વિડીયો વાયરલ થયો હતો જેના આધારે પોલીસે મહિલાઓને મારતા લોકો પર પણ કાર્યવાહી કરી હતી. આ સિવાય મહિલાઓએ પણ પોતે ગામમાં ધર્માંતરણ કરાવવા મામલે ગઈ હોવાનું કબૂલ્યું હતું.
નોંધનીય છે કે આ આદિવાસી મહિલાઓ પર ઓડિશામાં બાલાસોર જિલ્લા ખાતે આવેલ ગોબરધનપુર ગામમાં કેટલાક આદિવાસી પરિવારોને બળજબરીથી ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. બાલાસોર જિલ્લાના નીલગિરી વિસ્તારના બાદલ કુમાર પાંડાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બંને મહિલાઓ વિરુદ્ધ ઓડિશા ફ્રીડમ ઑફ રિલિજિયન એક્ટ, 1967ની કલમ 4 અને BNSની કલમ 299 (કોઈપણ ધર્મનું ઈરાદાપૂર્વક અપમાન), કલમ 3(5) (સંયુક્ત ફોજદારી જવાબદારી) અને કલમ 351(2) (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 અને BNSની વિવિધ કલમો હેઠળ મહિલાઓને માર મારતા 10-15 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસને આપેલી ફરિયાદમાં પાંડાએ દાવો કર્યો હતો કે છખાનપુર ગામમાં એક ઘરમાં આ મહિલાઓ તેમને ધમકી આપીને બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહી રહી હતી. આ દરમિયાન ગામના લોકોએ તેમને પકડી લીધી હતી. જોકે, ઘરના વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે બંને મહિલાઓ તેની ઓળખીતી હતી.
તેણે પણ પોલીસ ફરિયાદ કરી અને એવો આરોપ લગાવ્યો હતો કે, “ભીડે બંને મહિલાઓને ઢસડીને થાંભલા સાથે બાંધીને તેમની ગરિમાને ઠેસ પહોંચાડી હતી. ભીડે તેમની જાતિને લઈને પણ મહિલાઓને ગાળો આપી હતી.” પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાઓને પોલીસ સ્ટેશનમાં હાજર થવા નોટિસ મોકલવામાં આવી હતી. નોંધનીય છે કે પોલીસે જણાવ્યું હતું કે આ મહિલાઓએ સ્વીકાર કર્યો છે કે તે સ્થાનિક લોકોનું ધર્માંતરણ કરાવવા જ ગામમાં ગઈ હતી. અધિકારીઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.