પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ દેશની અંદર રહેતા દેશના દુશ્મનોને પકડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં સૌથી મોટા દુશ્મનો હતા બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi infiltrators). ગુજરાતે (Gujarat) આ ઘૂસણખોરો વિરુદ્ધ મોટાપાયે કાર્યવાહી આરંભવાની શરૂઆત કરી હતી. જે બાદ અનુક્રમે દિલ્હી, હરિયાણા, આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ ઘૂસણખોરો વિરુદ્ધ મોટાપાયે અભિયાન ચાલ્યા હતા. હવે જાણવા મળી રહ્યું છે કે, ઑપરેશન સિંદૂર બાદ 2000થી વધુ બાંગ્લાદેશી રોહિંગ્યા ઘૂસણખોરોને બાંગ્લાદેશ ડિપોર્ટ (Deport) કરવામાં આવ્યા છે અને હાલ પણ કાર્યવાહી ચાલુ છે.
ઇન્ડિયન એક્સપ્રેસે સરકારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, 7 મેના રોજ ઑપરેશન સિંદૂર શરૂ થયા બાદથી દેશવ્યાપી સત્યાપન (ઓળખ) અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે હેઠળ અધિકારીઓએ અનુમાન લગાવ્યું છે કે, 2000થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત પોતાના દેશમાં મોકલી દેવામાં આવ્યા છે. વધુમાં અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન કડક કાર્યવાહીથી ભયના કારણે મોટી સંખ્યામાં ઘૂસણખોરો સ્વેચ્છાએ સરહદ પાર કરીને બાંગ્લાદેશ જતાં રહ્યા હતા.
સૂત્રોને ટાંકીને એવું પણ કહેવાયું છે કે, સરકારની કાર્યવાહી ત્રિપુરા, મેઘાલય અને આસામમાં બાંગ્લાદેશ સરહદ પર ચાલી રહી છે. અધિકારીએ કહ્યું છે કે, ગુજરાતે સૌથી પહેલાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોતાના દેશમાં પરત ફેંકવાની શરૂઆત કરી હતી. હાલમાં પણ જેટલા લોકોને પરત મોકલવામાં આવ્યા છે, તેમાંથી અડધા ગુજરાતના છે. ગુજરાતની કાર્યવાહી જોતાં દિલ્હી, હરિયાણા, આસામ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચંડોળામાં ગુજરાત સરકારની ઐતિહાસિક કાર્યવાહી, બાદમાં દિલ્હીએ શરૂ કર્યો મોરચો
નોંધવા જેવું છે કે, બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધની સૌથી મોટી કાર્યવાહી ગુજરાત સરકારે આરંભી હતી. બાંગ્લાદેશીઓનો ગઢ બની ગયેલા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અચાનક રાત્રે મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઘરે જઈ-જઈને પકડવામાં આવ્યા હતા અને દોરડાથી બાંધીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સુરતમાં પણ આવી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે બાદ તેમની તપાસ કરીને તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
બીજી તરફ ચંડોળા વિસ્તારમાંથી પણ ઘૂસણખોરોને પકડીને ડિપોર્ટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને બુલડોઝર કાર્યવાહી પણ સતત ગતિથી ચાલી રહી છે. ચંડોળાના તળાવ એક સમયે અમદાવાદનું સૌથી મોટું તળાવ ગણાતું હતું, પરંતુ ઘૂસણખોરોના કારણે તે સૌથી ખરાબ વિસ્તાર બની ગયો હતો. હવે તે તળાવને નવેસરથી વિકસાવવાની સરકારની તૈયારી છે અને તે દિશામાં કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકારની કાર્યવાહી બાદ દિલ્હીમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ મોટાપાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દિલ્હીમાં પણ મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને AAP સરકારે આશ્રય આપ્યા હતા. હવે તે તમામ ઘૂસણખોરોને પકડીને તેની ઓળખ કરીને ફરીથી બાંગ્લાદેશભેગા કરવામાં આવી રહ્યા છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, આવનારા સમયમાં આ કાર્યવાહી આખા દેશમાં ચલાવવામાં આવશે અને મોટી સંખ્યામાં ઘૂસી ગયેલા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવામાં આવશે.