Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાર્ગરેટ આલ્વાએ મત માંગ્યો પરંતુ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, "હું તમને મત...

    માર્ગરેટ આલ્વાએ મત માંગ્યો પરંતુ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “હું તમને મત ન આપી શકું”, જ્ઞાન પ્રાપ્તિ બાદ આલ્વા છોભીલા પડ્યાં

    ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓનો સંપર્ક કરીને તેમનું સમર્થન મેળવવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ ચૂંટણીમાં માત્ર સંસદસભ્યો જ મતદાન કરી શકે છે.

    - Advertisement -

    રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ જ્યારે વિપક્ષ તરફથી પૂર્વ કોંગ્રેસ સાંસદ માર્ગારેટ આલ્વાએ ઉમેદવારી નોંધાવી છે. માર્ગરેટ આલ્વાએ ચૂંટણી માટે અભિયાન શરૂ કર્યા બાદ સમર્થન માંગવા માટે તમામ મુખ્યમંત્રીઓનો સંપર્ક કર્યો હતો. જોકે, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાને ફોન કરતાં તેમણે એવો જવાબ આપ્યો હતો જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહી છે. 

    કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરતાં જાણકારી આપી હતી કે માર્ગરેટ આલ્વાએ કેમ્પેઈન ઓફિસનો ચાર્જ સંભાળી લીધો છે. કેમ્પેઈનના ભાગરૂપે તેમણે આસામ, કર્ણાટક અને દિલ્હીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. 

    જયરામ રમેશના આ ટ્વિટને ક્વોટ કરીને આસામ સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે, ‘શ્રીમતી આલ્વા માર્ગારેટે આજે સવારે મારી સાથે વાત કરી હતી. મેં નમ્રતાપૂર્વક તેમને કહ્યું કે હું ઈલેક્ટોરલ કોલેજનો સભ્ય નથી. જેથી ભારતના ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મારો કોઈ રોલ હોતો નથી. 

    - Advertisement -

    અહીં નોંધવું જોઈએ કે ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા બનેલા ઈલેક્ટોરલ કોલેજથી થાય છે. જેમાં સંસદના બંને ગૃહના સભ્યો ગુપ્ત મતદાન પદ્ધતિથી બેલેટ દ્વારા મતદાન કરે છે. ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર લોકસભા અને રાજ્યસભાના સભ્યો કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં રાજ્યોની વિધાનસભાના સભ્યો ભાગ લેતા નથી. 

    જેથી ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓનો સંપર્ક કરીને તેમનું સમર્થન મેળવવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ ચૂંટણીમાં માત્ર સંસદસભ્યો જ મતદાન કરી શકે છે. જોકે, મુખ્યમંત્રી પાર્ટીમાં પણ અગત્યનો હોદ્દો ધરાવતા હોય અને તેમની પાર્ટીના સાંસદોને મતદાન માટે કહી શકે તેમ હોય તો અલગ વાત છે. 

    અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, નવીન પટનાયક, કેસીઆર વગેરે જેવા મુખ્યમંત્રીઓ માત્ર કોઈ રાજ્યના સીએમ નથી પરંતુ તેમની પોતપોતાની પાર્ટીમાં સુપ્રીમોનું કદ ધરાવે છે. આ સંજોગોમાં ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે-તે પાર્ટીઓનું સમર્થન માંગવા તેમનો સંપર્ક કરી શકાય છે. પરંતુ આસામ સીએમ હિમંત સરમા કે કર્ણાટકના મુખ્યમંત્રી ભાજપના મુખ્યમંત્રી છે, પરંતુ તેઓ પાર્ટીના મોવડી મંડળમાં સ્થાન ધરાવતા નથી. 

    જોકે, હિમંત બિસ્વ સરમાના આ ટ્વિટ બાદ માર્ગરેટ આલ્વાએ પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘કેમ્પેઈનના ભાગરૂપે હું વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓનો સંપર્ક કરી રહી છું. સરમા મારા જૂના મિત્ર છે અને અમે લાંબા સમય સુધી કામ કર્યું છે. તેમણે કહ્યું કે, હું પણ જાણું છું કે સંસદમાં ઈલેક્ટોરલ કોલેજ કોણ બનાવે છે? છતાં અમારી વાતચીત સારી રહી હતી.’

    ઉલ્લેખનીય છે કે આગામી 6 ઓગસ્ટના રોજ ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. જે બાદ તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં