ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી (Lucknow) એક ચકચારી હત્યાકાંડની (Mass Murder case) ઘટના સામે આવી છે. લખનૌ સ્થિત એક હોટેલમાંથી એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પરિવારના જ સભ્ય 24 વર્ષીય અરશદે પોતાની અમ્મી સહિત 4 બહેનોની હત્યા કરી હતી. પોલીસ અનુસાર, હત્યાનું પ્રાથમિક કારણ પારિવારિક કલેશ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
માહિતી અનુસાર, આ ઘટના 31 ડિસેમ્બરની મોડી રાત્રે બનવા પામી હતી. લખનૌ સ્થિત નાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શરણજીત હોટેલમાં એક મુસ્લિમ પરિવાર 30 ડિસેમ્બરના રોજ રહેવા માટે આવ્યો હતો. પરિવારના તમામ સભ્યો હોટેલના રૂમ નંબર 109માં રોકાયા હતા. દરમિયાન 31 ડિસેમ્બર, 2024ની રાત્રે અરશદે પોતાની અમ્મી અને ચાર બહેનોની હત્યા કરી નાખી હોવાનું કહેવાય રહ્યું છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ વહેલી સવારે પોલીસને આ ઘટના વિશેની જાણ થઈ હતી.
પરિવારના તમામ સભ્યોના મળ્યા મૃતદેહ
પોલીસને ઘટનાની જાણ થતાં તરત જ ઉચ્ચ અધિકારીઓ સાથેની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હોટેલની રૂમમાં પરિવારના તમામ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા અને તમામ લોકોના હાથની નસ કપાયેલી જોવા મળી હતી. લોહી વહી જવાના કારણે તમામ લોકોનાં મોત થયાં હોવાનું પ્રાથમિક તારણ છે. આ ચકચારી ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળેથી જ અરશદની ધરપકડ કરી હતી. જે બાદ શરૂઆતની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કરી લીધો અને પારિવારિક કલેશના કારણે હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું.
थाना नाका क्षेत्रान्तर्गत होटल शरणजीत में हुयी घटित घटना के सम्बन्ध में पुलिस उपायुक्त मध्य द्वारा दी गयी बाइट-@Uppolice pic.twitter.com/1EVnm7jppZ
— LUCKNOW POLICE (@lkopolice) January 1, 2025
પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું હતું કે, 24 વર્ષીય અરશદ મૂળ આગ્રાનો રહેવાસી છે. ઘટના બાદ મધ્ય લખનૌ DCP રવિના ત્યાગીએ જણાવ્યું છે કે, ઘટના નાકા વિસ્તારની હોટેલ શરણજીતમાં બનવા પામી હતી. તેમણે કહ્યું કે, “આરોપીની ઓળખ અરશદ તરીકે થઈ છે. કથિત રીતે તેણે જ પોતાના પરિવારના 5 સભ્યોની હત્યા કરી છે.” વધુમાં તેમણે કહ્યું કે, પુરાવા શોધવા માટે ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ ઘટનાને લઈને વિસ્તૃત તપાસ પણ કરવામાં આવી રહી છે.
વધુમાં પોલીસે જણાવ્યું છે કે, મૃતકોમાં બે સગીરાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અનુસાર, મૃતકોની ઓળખ આલિયા (9), અલશિયા (19), અક્સા (16) અને રહમીન (18) તરીકે થઈ છે. આ તમામ અરશદની બહેનો હોવાનું પોલીસે જણાવ્યું છે. પાંચમી મહિલાની ઓળખ અસમા તરીકે થઈ છે, જે આરોપીની અમ્મી હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.