Monday, June 23, 2025
More
    હોમપેજદેશ‘માત્ર ધારણાઓ અને અનુમાનો, આરોપ સાબિત કરવા કોઈ પુરાવા નહીં’: પૂર્વ SEBI...

    ‘માત્ર ધારણાઓ અને અનુમાનો, આરોપ સાબિત કરવા કોઈ પુરાવા નહીં’: પૂર્વ SEBI ચીફને લોકપાલ તરફથી ક્લીન ચિટ, હિંડનબર્ગ રિપોર્ટના આધારે લગાવાયા હતા આરોપ

    તપાસને અંતે લોકપાલે ઠેરવ્યું કે, પ્રસ્તુત સાક્ષ્યો અને કાયદાકીય સિદ્ધાંતોના આધારે જોવામાં આવે તો ફરિયાદોમાં કોઈ આધાર ન હતો અને માધવી બુચ વિરુદ્ધ કોઈ પણ પ્રકારે ગુનો સાબિત થતો નથી કે ન તપાસ માટે કોઈ આધાર સ્થાપિત થઈ શક્યો છે. 

    - Advertisement -

    સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાનાં (SEBI) પૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ વિરુદ્ધ અમેરિકી શોર્ટસેલિંગ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટના આધારે લગાવવામાં આવેલા આરોપો મામલે લોકપાલે ક્લીન ચિટ આપી છે. લોકપાલ દ્વારા જણાવવામાં આવ્યું કે આરોપો નિરાધાર અને અપ્રમાણિત છે અને તેને સાબિત કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી. 

    તપાસને અંતે લોકપાલે ઠેરવ્યું કે, પ્રસ્તુત સાક્ષ્યો અને કાયદાકીય સિદ્ધાંતોના આધારે જોવામાં આવે તો ફરિયાદોમાં કોઈ આધાર ન હતો અને માધવી બુચ વિરુદ્ધ કોઈ પણ પ્રકારે ગુનો સાબિત થતો નથી કે ન તપાસ માટે કોઈ આધાર સ્થાપિત થઈ શક્યો છે. 

    આ મામલે લોકપાલ અધ્યક્ષ જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતામાં છ સભ્યોની એક બેન્ચે તપાસ બાદ 116 પાનાંનો આદેશ સાર્વજનિક કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે આરોપો માત્ર ધારણાઓ અને અનુમાનોના આધારે લગાવવામાં આવ્યા છે અને કોઈ ઠોસ અને નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જેથી ઔપચારિક તપાસની કોઈ જરૂરિયાત જણાતી નથી. 

    - Advertisement -

    આ મામલો ઑગસ્ટ 2024ના હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટ પર આધારિત છે. અગાઉ પણ અદાણી જૂથને ટાર્ગેટ કરી ચૂકેલી શોર્ટસેલિંગ ફર્મે SEBI અધ્યક્ષ અને તેમના પતિ પર આરોપ લગાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે માધવી બુચ અને તેમના પતિએ અમુક ઑફશોર ફંડમાં રોકાણ કર્યું હતું, જેનો ઉપયોગ પછીથી નાણાકીય હેરફેર માટે થયો હતો, જેમાં અદાણી જૂથની પણ સંડોવણી દર્શાવવામાં આવી હતી. 

    જોકે આ રિપોર્ટમાં.જ ઘણા ઝોલ હતા અને માત્ર અનુમાનોના આધારે વાતોને ગમેતેમ જોડી દેવામાં આવી હતી. ત્યારબાદ માધવી બુચ અને તેમના પતિએ તમામ આરોપો નકારીને હિંડનબર્ગ પર ચારિત્ર્યહનન કરવાનો આરોપ લગાવ્યો અને અદાણી જૂથે પણ ફટકાર લગાવી હતી. પરંતુ પશ્ચિમી મીડિયા કે આવી ફર્મના રિપોર્ટ પર કૂદાકૂદ કરતી જમાત લોકપાલ સમક્ષ પહોંચી ગઈ હતી અને ફરિયાદ દાખલ કરી હતી. જેમાં એક ફરિયાદ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ પણ દાખલ કરી હતી. 

    ફરિયાદ મળ્યા બાદ લોકપાલે તપાસ શરૂ કરી હતી અને માધવી બુચનો પણ જવાબ મંગાવવામાં આવ્યો હતો. તેમણે ડિસેમ્બર 2024માં પોતાનો જવાબ રજૂ કરીને તમામ આરોપો નકાર્યા હતા. ત્યારબાદ ફરિયાદીઓ પાસેથી પણ નિવેદનો લેવામાં આવ્યાં. આખરે સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ લોકપાલે ઠેરવ્યું કે આમાં કશું જ ગડબડ ગોટાળા નથી અને માત્ર અનુમાનોના આધારે જ આરોપો લગાવી દેવાયા હતા. 

    માધવી પુરી બુચ ફેબ્રુઆરી 2022માં SEBIનાં અધ્યક્ષ બન્યાં હતાં. તેમનો કાર્યકાળ માર્ચ 2025માં પૂર્ણ થયો. ફેબ્રુઆરીના અંતમાં તેમણે પદ છોડ્યું હતું. બીજી તરફ અદાણી અને SEBIને ટાર્ગેટ કરી ચૂકેલા હિંડનબર્ગની દુકાનનાં પાટિયાં પડી ગયાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં