પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલાનો પ્રતિશોધ લેવા માટે અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદના આકાઓ અને તેમને સમર્થન કરતી ત્યાંની સેના અને એજન્સી ISIને કડક સંદેશ આપવા માટે ભારતીય સેનાએ 7 મેની મધ્ય રાત્રિએ લૉન્ચ કરેલા ઑપરેશન સિંદૂર વિશે રવિવારે (11 મે) ભારતીય સશસ્ત્રબળોની ત્રણેય પાંખ DGMO (ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ) દ્વારા એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી.
લગભગ દોઢ કલાક ચાલેલી આ પ્રેસ કૉન્ફરન્સમાં સેના અધિકારીઓએ ઑપરેશન વિશે અતઃથી ઇતિ સુધી તમામ વિગતો આપી. તમામ પુરાવા પણ આપ્યા. પાકિસ્તાનની કરતૂતો પણ ઉઘાડી પાડી અને સાથોસાથ ભારતીય સશસ્ત્રબળો કેટલાં શક્તિશાળી છે, કેવી કાર્યવાહી કરી શકે છે તેનો પણ પરિચય આપ્યો.
પહલગામના આતંકવાદી હુમલાના ઉલ્લેખ સાથે શરૂ થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં DGMO રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ઑપરેશન સિંદૂર હેઠળ 9 આતંકવાદી ઠેકાણાં ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં, જેમાં બહાવલપુર અને મુરીદકે સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાનાં હેડક્વાર્ટર પણ સામેલ હતાં. પૂરેપૂરી ચોકસાઈ સાથે કરવામાં આવેલા આ હુમલાઓમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં આ સંગઠનોના ટોપ કમાન્ડરો પણ સામેલ છે.
ત્યારબાદ પાકિસ્તાને LoC પર કરેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન વિશે જાણકારી આપવામાં આવી અને કહ્યું કે, ભારતે આતંકવાદી ઠેકાણાં પર પ્રહાર કર્યો હતો, પરંતુ પાકિસ્તાની સેના ભારતીય નાગરિકો અને સૈન્ય માળખાં પર હુમલો કરવા પર ઉતરી આવી. તેનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. LoC પર ગોળીબારમાં પાકિસ્તાનના 35થી 4૦ સૈનિકો માર્યા ગયા હોવાનું પણ સેના અધિકારીઓએ જણાવ્યું.
ભારતીય વાયુસેના તરફથી DG એર માર્શલ એકે ભારતીએ તમામ પુરાવાઓ સાથે વાયુસેનાએ કરેલી કાર્યવાહીની જાણકારી આપી હતી અને આતંકવાદી કૅમ્પો પહેલાં કેવા હતા અને એર સ્ટ્રાઈક બાદ તેમની શું હાલત થઈ તેની તસવીરો પણ બતાવવામાં આવી.
તેમણે જણાવ્યું કે, ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર શ્રીનગરથી નલિયા (ગુજરાત) સુધી ડ્રોન મોકલીને હવાઈ હુમલા કરવાના પ્રયાસ કર્યા, પરંતુ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તમામ નિષ્ફળ બનાવવામાં આવ્યા.
આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનાં સૈન્ય ઠેકાણાં ટાર્ગેટ કરીને લાહોર અને ગુજરાનવાલાની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી નાખી હતી. તેની પણ તસવીરો બતાવવામાં આવી અને પુરાવા સાથે તમામ વિગતો અપાઈ. ત્યારબાદ ફરીથી પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો, જેને નિષ્ફળ બનાવીને ફરીથી એક વખત પાકિસ્તાનમાં સૈન્ય માળખાં, સર્વેલન્સ રડારને ટાર્ગેટ કરીને ફૂંકી મારવામાં આવ્યાં.
#WATCH | Delhi: Air Marshal AK Bharti shows the detailed missile impact video at Bahwalpur terror camp. #OperationSindoor pic.twitter.com/OnT5sdwrND
— ANI (@ANI) May 11, 2025
DG એર માર્શલ ભારતીએ જણાવ્યું કે, વાયુસેનાએ કાર્યવાહી હાથ ધરીને પાકિસ્તાનમાં પસરુર એર ડિફેન્સ રડાર, ચુનિયન એર ડિફેન્સ રડાર, આરિફવાલા એર ડિફેન્સ રડાર, સરગોધા એરફિલ્ડ, રહીમ યાર ખાન એરફિલ્ડ, ચકલાલા એરફિલ્ડ, સુક્કુર એરફિલ્ડ અને ભોલારી એરફિલ્ડ તેમજ જકોબાબાદ એરફિલ્ડને ટાર્ગેટ કર્યાં. જે તમામના તસવીરો અને વિડીયો સાથે પુરાવા રજૂ કરવામાં આવ્યા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય વાયુસેનામાં એ તાકાત છે કે તે પાકિસ્તાનમાં ક્યાંય પણ કોઈ પણ સૈન્ય ઠેકાણાં પર હુમલો કરીને તેને નષ્ટ કરી શકે છે.
DGMO રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને કાર્યવાહી વિશે જાણ કરવામાં આવી હતી. પરંતુ જવાબના સ્થાને ગર્ભિત ધમકી આપવામાં આવી. ત્યારબાદ પાકિસ્તાને નિષ્ફળ પ્રયાસો કરી જોયા, પરંતુ ભારતીય સશસ્ત્રબળોએ જડબાતોડ જવાબ આપ્યો. ત્યારબાદ ભારતની કાર્યવાહી જોઈને 10 મેના રોજ પાકિસ્તાનના DGMOએ સામેથી કૉલ કરીને વાતચીત માટે પહેલ કરી. આખરે 3:35 વાગ્યે બંને દેશના DGMO વચ્ચે વાત થઈ અને શસ્ત્રવિરામ માટે સહમતી બની. હવે 12 મેના રોજ ફરીથી વાતચીત થશે.
#WATCH | Delhi: Air Marshal AK Bharti shows the detailed missile impact video at Muridke terror camp. #OperationSindoor pic.twitter.com/fzMCcCMCRn
— ANI (@ANI) May 11, 2025
DGMOએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાને યુદ્ધવિરામના થોડા જ કલાકોમાં તેનો ભંગ પણ કરી દીધો હતો, પરંતુ ભારતીય સશસ્ત્રબળો સંપૂર્ણ સતર્ક હતાં અને તેનો ઉચિત જવાબ આપવામાં આવ્યો. એટલું જ નહીં, હજુ પણ સેનાઓ એટલી જ સતર્ક છે અને પૂરેપૂરી શક્તિ સાથે ફરજ બજાવી રહી છે.
સેના DGMOએ બ્રીફિંગ દરમિયાન ઑપરેશન સિંદૂર અને ત્યારબાદ થયેલી કાર્યવાહીમાં વિરગતિ પામેલા પાંચ જવાનોનો ઉલ્લેખ કરીને તેમના સર્વોચ્ચ બલિદાનનું સ્મરણ કર્યું અને કહ્યું કે રાષ્ટ્ર તેમને, તેમની વીરગતિને હંમેશા યાદ રાખશે. તેમણે આ ઑપરેશનમાં પાકિસ્તાની ગોળીબારના કારણે જીવ ગુમાવેલા નાગરિકોને પણ યાદ કરીને તેમના માટે પ્રાર્થના કરી.