Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદના યુવક દર્શન સોલંકીના આપઘાત કેસમાં IIT મુંબઈના વિદ્યાર્થી અરમાન ઇકબાલ ખત્રીની...

    અમદાવાદના યુવક દર્શન સોલંકીના આપઘાત કેસમાં IIT મુંબઈના વિદ્યાર્થી અરમાન ઇકબાલ ખત્રીની ધરપકડ, કથિત સાંપ્રદાયિક ટિપ્પણીને લઈને આપી હતી ધમકી

    સ્યુસાઇડ નોટમાં દર્શને અરમાનને તેનાં મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યો હતો. તેણે લખ્યું હતું કે, અરમાને મને મારી નાંખ્યો છે.

    - Advertisement -

    IIT બૉમ્બેના વિદ્યાર્થી દર્શન સોલંકી આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે મૃતકના સહાધ્યાયી અરમાન ખત્રી નામના યુવકની ધરપકડ કરી લીધી છે. દર્શનના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. 

    મૂળ અમદાવાદના દલિત યુવક દર્શન સોલંકીએ ગત 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં IIT બૉમ્બે ખાતે હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું હતું. તે અહીં બી. ટેકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઘટના બાદથી જ આ મામલાને લઈને તપાસ ચાલી રહી હતી. હવે તપાસ કરતી SITએ દર્શન સાથે જ અભ્યાસ કરતા અરમાનની ધરપકડ કરી લીધી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, સ્યુસાઇડ નોટમાં દર્શને અરમાનને તેનાં મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યો હતો. તેણે લખ્યું હતું કે, અરમાને મને મારી નાંખ્યો છે. દર્શનના હોસ્ટેલ રૂમમાંથી સ્યુસાઇડ નોટ મળી આવ્યા બાદ હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી. જેમણે રિપોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસને જે સ્યુસાઇડ નોટ મળી હતી તે દર્શન સોલંકીએ જ લખી હતી. 

    - Advertisement -

    અધિકારીઓએ જણાવ્યું કે, “અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદનો પરથી સામે આવ્યું છે કે દર્શને આપઘાત કર્યાના પાંચ દિવસ પહેલાં તેણે સાંપ્રદાયિક ટિપ્પણી કરી હતી, જેના કારણે અરમાન ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે દર્શનને ચપ્પુ વડે ધમકી આપીને કહ્યું હતું કે તે તેને છોડશે નહીં. ત્યારથી દર્શન ગભરાઈ ગયો હતો.” SITએ આ મામલે કુલ 35 લોકોનાં નિવેદનો નોંધ્યાં હતાં. 

    અરમાન ખત્રીને લઈને પોલીસે જણાવ્યું કે, “અમે તેનું નિવેદન નોંધી લીધું છે પરંતુ હજુ સુધી તેણે તેમની વચ્ચેના વિવાદનું કારણ જણાવ્યું નથી. જેથી તેની ધરપકડ કરીને આગળ પૂછપરછ કરવામાં આવશે અને ખરેખર શું બન્યું હતું તેની વિગતે તપાસ કરવામાં આવશે.” અરમાનની ઉંમર 19 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    બનાવ બાદ યુવકના પરિવારે તેની સાથે જાતિગત ભેદભાવો થતા હોવાનો આરોપ લગાવીને કહ્યું હતું કે તેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. જોકે, IIT બૉમ્બેએ બનાવેલી સમિતિએ પોતાની તપાસમાં આ એન્ગલ નકારી દીધો હતો. ત્યારબાદ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી અને આ મામલે એક SITની પણ રચના કરવામાં આવી હતી. હાલ SIT મામલાની તપાસ કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં