Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટબીજી જૂને હાર્દિકનો ભાજપ પ્રવેશ નિશ્ચિત પરંતુ પક્ષમાં તેને સમર્થન મળશે કે...

  બીજી જૂને હાર્દિકનો ભાજપ પ્રવેશ નિશ્ચિત પરંતુ પક્ષમાં તેને સમર્થન મળશે કે નહીં તે અનિશ્ચિત; ટ્વિટર પર આવ્યાં રીએક્શન્સ

  પાટીદાર અનામત આંદોલનથી લાઇમલાઇટમાં આવેલા અને બાદમાં કોંગ્રેસમાં જનારા હાર્દિક પટેલ હવે પરમદિવસે ભાજપામાં જોડાશે, આ ન્યૂઝ ફેલાયા બાદ ટ્વિટર પર કેટલાક રિએક્શ્ન્સ આવ્યા હતા.

  - Advertisement -

  આખરે હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ માટેનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે અને મહુર્ત પણ આવી ગયું છે. હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાશે. ગાંધીનગર ખાતે પાર્ટી મુખ્યમથક ‘કમલમ્’ ખાતે હાર્દિક પટેલ વિધિવત રીતે પાર્ટીનો ખેસ ધારણ કરી લેશે તેમ જાણવા મળ્યું છે. 

  પોતે ભાજપમાં જોડાશે તેમ હાર્દિક પટેલ પોતે જ પુષ્ટિ કરી ચૂક્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે, તેઓ આગામી 2 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે.

  એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. જોકે, મુખ્યમંત્રી કાર્યાલય કે ભાજપે આ બાબતની પુષ્ટિ કરી નથી. કાર્યક્રમ બપોરના અરસામાં યોજાશે તેમ જાણવા મળ્યું છે.

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા. તેમનું કહેવું હતું કે તેમને પાર્ટીએ પદ તો આપ્યું છે પરંતુ કોઈ જવાબદારી આપવામાં આવતી નથી. હાઈકમાન્ડ સાથે પણ માથાકૂટ કર્યા બાદ મેળ ન પડતા આખરે હાર્દિકે પાર્ટીને અલવિદા કહેવાનું મન બનાવી લીધું હતું અને ગત 18 મેના રોજ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપી દીધું હતું. 

  હાર્દિક પટેલે રાજીનામું આપ્યું ત્યારથી અને તે પહેલાંથી જ તેમના ભાજપમાં જોડાવા અંગે અટકળો ચાલી રહી હતી. હાર્દિક પટેલ પોતે પણ અમુક પ્રકારના ભાજપ તરફી નિવેદનો આપીને સંકેતો આપી ચૂક્યા હતા. જોકે, હાર્દિક પટેલના ભૂતકાળના અમુક નિવેદનોના કારણે તેમના ભાજપ પ્રવેશથી પાર્ટી સમર્થકોનો એક વર્ગ ચોક્કસપણે નારાજ થયો છે.

  હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાશે તેવા સમાચારો વહેતા થયા બાદ સોશિયલ મીડિયા ઉપર યુઝરો ચર્ચા કરી રહ્યા છે અને પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. કોઈએ કહ્યું કે તેઓ ભાજપના આ નિર્ણયથી નારાજ છે તો કોઈએ જૂના ટ્વિટ ડીલીટ કરવાની વાત કરી હતી. તો વળી કોઈએ રમૂજ કરતા કહ્યું હતું કે, હવે માત્ર રાહુલ ગાંધી જ ભાજપમાં જોડાવાના બાકી રહ્યા છે. 

  ટ્વિટર યુઝર @Marwadi99 લખે છે કે, ‘ભાજપે આ તકવાદી વ્યક્તિને પાર્ટીમાં લેવો ન જોઈએ.’

  યુઝર @risingsurbhi દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે, “હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે અને બીજા સિદ્ધુ બનશે. કોંગ્રેસમાં શું રાહુલ અને પ્રિયંકા (ગાંધી) જ રહી જશે કે શું?”

  એક યુઝરે લખ્યું કે હાર્દિક પટેલ જોડાઈ તો જશે પરંતુ શું જનતા અને સમાજ તેમને સ્વીકાર કરશે?

  ટ્વિટર પર જાણીતા પ્રોફેસર આનંદ રંગનાથન લખે છે કે, “મોદીને ગાળો દઈને કારકિર્દી બનાવનાર હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાશે. હંમેશા યાદ રાખવું કે, જ્યારે રાજકારણીઓ હસતા મોઢે સહન કરવાનું કહે ત્યારે એમ માનવું કે હસનાર તેઓ છે અને સહન તમારે કરવાનું છે.”

  વળી એક યુઝરે કહ્યું હતું કે, “હાલ ગુજરાતમાં યુવા નેતાઓમાં માત્ર હર્ષ સંઘવી જ છે. હાર્દિક પટેલના આવવાથી ભાજપને ગુજરાતમાં વેગ મળશે અને કોંગ્રેસના પાટીદાર મતો પણ ઓછા થશે.” 

  ભારતીય રાજકારણમાં નેતાઓ પક્ષપલટો કરી લે તે કોઈ નવી વાત રહી નથી. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પણ રાતોરાત એક પાર્ટીમાંથી વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીમાં ગયા હોવાના કિસ્સાઓ બન્યા છે. વહેલા-મોડા જે-તે પાર્ટીના સમર્થકો તેમને સ્વીકારી પણ લે છે, પરંતુ શરૂઆતથી જ હાર્દિક પટેલને લઈને ભાજપ સમર્થકોનો એક વર્ગ હંમેશા નારાજ રહ્યો છે એ અહીં નોંધવું જોઈએ. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં