Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભાનું સત્ર સમાપ્ત થાય ત્યાં સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા

    ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભાનું સત્ર સમાપ્ત થાય ત્યાં સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા

    કોંગ્રેસના 13 ધારાસભ્યો હાલ ચાલતા વિધાનસભા સત્ર દરમિયાન કાળાં કપડાં પહેરીને પહોંચ્યા હતા અને હાથમાં પોસ્ટરો-બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો.

    - Advertisement -

    માનહાનિના કેસમાં સુરતની કોર્ટમાંથી સજા પામ્યા બાદ નિયમાનુસાર રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદબાતલ ઠેરવવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસ પાર્ટી સતત સરકારને કોસી રહી છે અને રાહુલ ગાંધીના સમર્થનમાં પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યાં છે. આ જ ક્રમમાં ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો પણ નારાબાજી કરતા વિધાનસભા ગૃહમાં ધસી ગયા હતા. જેના કારણે તમામે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. 

    ગુજરાત કોંગ્રેસના આમ તો ગૃહમાં 17 જ ધારાસભ્યો બચ્યા છે. જેમાંથી 13 ધારાસભ્યો હાલ ચાલતા વિધાનસભા સત્ર દરમિયાન કાળાં કપડાં પહેરીને પહોંચ્યા હતા અને હાથમાં પોસ્ટરો-બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ધારાસભ્યોમાં અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, જીગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. 

    આ ધારાસભ્યો નારાબાજી કરતા વિધાનસભા ગૃહના પરિસરમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ પ્રવેશદ્વાર પાસે અને વેલ સુધી સૂત્રોચ્ચાર કરતા ધસી ગયા હતા. તેમણે ‘લોકશાહી બચાવો’ના નારા લગાવ્યા તો અદાણી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ નારાબાજી કરી હતી અને સરકાર પર આરોપો લગાવ્યા હતા. 

    - Advertisement -

    બીજી તરફ, વિધાનસભા સત્રમાં પહેલો એક કલાક પ્રશ્નોત્તરી કાળનો હોય છે. જેમાં કોંગી ધારાસભ્યોએ નારાબાજી કરીએ કામગીરીમાં વિક્ષેપ પાડતાં અધ્યક્ષ શંકર ચૌધરીએ નિયમ 51 અનુસાર, આ ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા અને સાથે ટકોર પણ કરી હતી. 

    અધ્યક્ષની કાર્યવાહી અને ટકોર બાદ પણ કોંગ્રેસ ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ જ રાખતાં કેબિનેટ મંત્રીની દરખાસ્તના આધારે તમામ નારાબાજી કરનાર કોંગ્રેસ ધારાસભ્યોને સત્રની સમાપ્તિ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

    સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે તમામ કોંગ્રેસ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. તેમણે જણાવ્યું કે, પ્રશ્નોત્તરી કાળ ઉપર રાજ્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે અને આ દરમિયાન કોઈ અન્ય મુદ્દા પર ચર્ચા થવી ન જોઈએ. પરંતુ કોંગ્રેસી નેતાઓ પહેલેથી જ નક્કી કરીને આવ્યા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. તેમની આ દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો. ત્યારબાદ અધ્યક્ષે તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્ત થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. વિધાનસભા સત્ર 29 માર્ચે પૂર્ણ થશે. સ્પીકરે કહ્યું કે, લોકસભામાં જે નિર્ણયો કરવામાં આવ્યા હોય તેની ચર્ચા વિધાનસભા ગૃહમાં ન થઇ શકે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં