Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઆ વર્ષે દિવાળી અને ચૂંટણી સાથે આવશે, હવે ગણતરીના દિવસો બાકી: સીઆર...

  આ વર્ષે દિવાળી અને ચૂંટણી સાથે આવશે, હવે ગણતરીના દિવસો બાકી: સીઆર પાટીલનું સૂચક નિવેદન, ભાજપે તૈયારીઓ શરૂ કરવા માંડી

  ગુજરાતમાં ચૂંટણીઓની ચર્ચા વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખે નિવેદન આપીને સંકેત આપ્યા છે કે નવેમ્બર અંત સુધીમાં રાજ્યમાં નવી સરકાર જોવા મળી શકે છે.

  - Advertisement -

  એક તરફ ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ ધીમે-ધીમે ચૂંટણી મોડમાં આવતી જાય છે તો બીજી તરફ હવે લોકોમાં પણ એ ચર્ચા શરૂ થઇ ગઈ છે કે ચૂંટણી ક્યારે આવશે? જોકે, એ નક્કી છે કે ચૂંટણી તેના નિયત સમયે જ થવા જઈ રહી છે. અગાઉ એવી ચર્ચાઓ ચાલી હતી કે ચૂંટણી વહેલી આવશે, પરંતુ હવે આ વાતોનું કોઈ ઔચિત્ય રહ્યું નથી. બીજી તરફ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ આ અંગે સંકેતો આપ્યા છે. 

  સીઆર પાટીલે એક કાર્યક્રમ દરમિયાન ચૂંટણીને લઈને કહ્યું હતું કે, આચારસંહિતાને આડે હવે 60 દિવસ જ બાકી છે. પાટીલ વડોદરાના સાવલીમાં નવનિર્મિત તાલુકા પંચાયતના લોકાર્પણ પ્રસંગે ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય કેતન ઇનામદારે તેમને કાર્યક્રમના આયોજન માટે 2 કલાક આપવાની વિનંતી કરી હતી. જેના જવાબમાં પાટીલે કહ્યું હતું કે, હવે ચૂંટણીની તૈયારી માટે માત્ર 60 દિવસ બાકી છે. અને રાજ્યની 182 બેઠકો પર પ્રચાર કરવાનો છે. 

  હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, જેથી 60 દિવસ એટલે કે ઓક્ટોબર અંત સુધીમાં રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવે અને નવેમ્બર અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં નવી સરકાર સ્થપાય જશે તેવી ગણતરી છે. જેથી ચૂંટણી તેના સમયે જ થઇ રહી છે. વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકારનો કાર્યકાળ ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઇ રહ્યો છે. 

  - Advertisement -

  આ પહેલાં ગુજરાતના મેઈનસ્ટ્રીમ મીડિયા અને છાપાંઓમાં ગુજરાતની ચૂંટણી વહેલી થશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વિજય રૂપાણી સરકારને સ્થાને નવા મુખ્યમંત્રી સાથે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું પછી ચૂંટણી માર્ચ-એપ્રિલ 2022માં આવશે તેવા અહેવાલો વહેતા થયા હતા. જે બાદ યુપીની ચૂંટણીના પરિણામો જોઈને મે-જૂનમાં ચૂંટણી આવશે તેવી પણ અટકળો વહેતી મૂકવામાં આવી હતી. જોકે, આ તમામ વાતોનો છેદ ઉડી ગયો છે અને ચૂંટણી તેના સમયે જ થવા જઈ રહી છે. 

  ચૂંટણી આવે તે પહેલાં પાર્ટીઓએ પણ કમર કસી છે. જોકે, વધુ ચર્ચામાં ભાજપ અને ‘આપ’ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ હજુ પણ સુષુપ્ત અવસ્થામાં લાગી રહી છે. ભાજપે તાજેતરમાં જ બે મંત્રીઓનાં ખાતાં પરત ખેંચી લીધાં હતાં. જે બંને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની પાસે જ રાખ્યાં છે, અને જેનો રાજ્યકક્ષાનો હવાલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે. 

  તદુપરાંત, ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રીઓને ફરી સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, નવા મંત્રીમંડળની રચના વખતે જ ભાજપે સ્પષ્ટતા કરી હતી કે આ વરિષ્ઠ નેતાઓના અનુભવનો ઉપયોગ સંગઠનાત્મ્ક સ્તરે કરવામાં આવશે. 

  વધુમાં, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બીએલ સંતોષ પણ હાલ ગુજરાત આવ્યા છે અને એક પછી એક બેઠકો કરવા માંડી છે. હવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય નેતૃત્વના અન્ય નેતાઓ અને ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ પણ નિયમિત શરૂ થશે. બીજી તરફ, આમ આદમી પાર્ટી તરફથી પણ કેજરીવાલ અને મનિષ સિસોદિયા નિયમિત ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી દીધી છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં