સમાજવાદી પાર્ટીના (SP) સાંસદ અને કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીએ (MP Afzal Ansari) મહાકુંભ (Mahakumbh) પર આપેલા વિવાદિત નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. ભાજપે આ નિવેદનનો વિરોધ કર્યો છે અને તેને હિંદુ ધર્મનું અપમાન ગણાવ્યું છે. આ નિવેદન પર શાદિયાબાદ પોલીસ સ્ટેશનમાં અંસારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ કહ્યું છે કે, 12 ફેબ્રુઆરીએ મહાકુંભ અંગે અફઝલ અંસારીએ આપેલ નિવેદનથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ફરિયાદીએ આ અંગે લેખિત ફરિયાદ આપી છે અને કાર્યવાહી માટે અપીલ કરી છે.
આ ફરિયાદ દેવ પ્રકાશ સિંઘે નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તે બિરનો પોલીસ સ્ટેશન વિસ્તારના બદ્ધપુર ગામના રહેવાસી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક વિડીયો ક્લિપ જોઈને તેમને જાણ થઈ હતી કે, 12 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યે, શાદિયાબાદ ખાતે શ્રી સંત શિરોમણી ગુરુ રવિદાસજીની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી હતી. જે દરમિયાન ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | Ghazipur, Uttar Pradesh | On a case against Samajwadi Party MP Afzal Ansari over his remarks on Mahakumbh, Ghazipur SP Iraj Raja says, "We got a complaint against him for hurting religious sentiments over a statement made by him about Mahakumbh during an event held on… pic.twitter.com/8oje9C5mGi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 14, 2025
જેમાં સપા સાંસદ અફઝલ અંસારીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના ભાષણ દરમિયાન, તેમણે મહાકુંભ પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, “આ શ્રદ્ધાના તહેવાર પર, એવું માનવામાં આવે છે કે, સંગમ કિનારે સ્નાન કરવાથી વ્યક્તિ પવિત્ર થશે. પાપો ધોવાઈ જશે. જો પાપો ધોવાઈ જશે, તો વૈકુંઠનો માર્ગ ખુલી જશે. પરિસ્થિતિ જોતા તો લાગે છે કે નરકમાં કોઈ બચશે જ નહીં અને ત્યાં (સ્વર્ગમાં) હાઉસફૂલ થઈ જશે”. ફરિયાદીના મતે, સાંસદે કરેલી આ ટિપ્પણીથી સનાતન હિંદુ ધર્મની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
નોંધનીય છે કે, આ પહેલાં પણ અંસારી આવા નિવેદનો આપી ચૂક્યા છે. આ પહેલાં તેમણે કહ્યું હતું કે, મહાકુંભમાં આખી માલગાડી ભરીને ગાંજાની ખેપ જશે, સાધુ-સંત માત્ર ગાંજો જ પીવે છે. આ મામલે પણ સાંસદ વિરુદ્ધ ગાઝીપુરમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે ફરીથી વિવાદિત નિવેદન આપવા બદલ ફરિયાદના આધારે, શાદિયાબાદ પોલીસે IPC કલમ 299 અને 253(2) હેઠળ FIR નોંધી હતી. FIR 13 ફેબ્રુઆરીએ નોંધવામાં આવી હતી.
બીજી તરફ ભાજપના નેતાઓએ પણ આ નિવેદનનો વિરોધ કર્યો હતો. તથા કડક કાર્યવાહીની માંગ કરી હતી. મહારાષ્ટ્ર ભાજપના નેતા સંજય ઠાકુરે કહ્યું કે અફઝલ અંસારીએ સ્પષ્ટ કરવું જોઈએ કે, શું તેઓ તેના ભાઈ મુખ્તાર અન્સારીના પગલે ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, આખો દેશ મુખ્તાર અંસારીના ગુનાઓથી વાકેફ છે અને હવે એવું લાગે છે કે અફઝલ પણ તે જ માર્ગ પર છે. તેમણે વહીવટીતંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી. નોંધનીય છે કે, મુખ્તાર અંસારી યુપીના ટોચના માફિયા પૈકીનો એક હતો, થોડા સમય પહેલાં જ તેને યુપીની જેલમાં હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.