ગુજરાતમાં આવેલી પ્રાચીનતમ વિદ્યાપીઠ એટલે કે વલભી વિદ્યાપીઠ (Valabhi Vidyapith). જે ભાવનગરના વલભીપુરમાં આવેલી છે. કહેવાય છે કે, લગભગ ચોથી સદીમાં મૈત્રક રાજાના સમયગાળામાં આ વિદ્યાપીઠ વિશ્વવિખ્યાત બની હતી. ત્યારે હવે નાલંદા વિદ્યાપીઠ બાદ વલભીને પણ પુનર્જીવિત કરવાની મોદી સરકારની યોજના છે. જેના માટે પુરાતન વિભાગે ખનન કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર, વિદ્યાપીઠનું સંશોધન કરવા માટે 30-25 વર્ષ પહેલાં જમીન સંપાદન કરવામાં આવી હતી, જે અંતર્ગત પ્રારંભિક તબક્કે થોડી ઘણી ખનન પ્રક્રિયા ચાલી પછી બંધ કરી દેવામાં આવી હતી. વલભીપુર શહેરમાં મફતનગર વિસ્તારમાં આજથી દોઢ દાયકા પહેલાં સંશોધન માટે આશરે 10 એકર કરતા વધુ જમીન ફાળવવામાં આવી હતી. ખનન કાર્ય થોડા સમય ચાલ્યા બાદ પડતું મુકવામાં આવ્યું હતું.
જોકે, ત્યારપછી વર્ષ 2017માં વિદ્યાપીઠની પુન:સ્થાપના કરવા રાજ્ય સરકાર સાથે MOU કરવામાં આવ્યા હતા. ત્યારે અટકી પડેલી ખનન પ્રક્રિયા 15 ફેબ્રુઆરીના રોજથી ફરીથી શરૂ કરવામાં આવી હતી. વલભી વિદ્યાપીઠ અંગે સરવેની કામગીરીનો આરંભ કેન્દ્ર સરકારના પુરાતન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. આ ખનન પ્રક્રિયાની શરૂઆત ભૂમિપૂજનથી કરવામાં આવી હતી. જેમાં પુરાતન વિભાગના અધિકારીઓ, શહેરના શિક્ષણ વિભાગના અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, આ સરવે રાજ્ય સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર અંતર્ગત કરવામાં આવશે. PM મોદીએ તેમના અલગ-અલગ કાર્યક્રમો દરમિયાનના ભાષણોમાં પણ વલભીનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. ત્યારે નાલંદા પછી વલભીને પુનર્જીવિત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે કે, જો સરવે રિપોર્ટમા વલભી વિદ્યાપીઠ અંગેના નક્કર પુરાવા મળશે તો વલભીપુરને પણ વડનગરની જેમ જ રાષ્ટ્રીય ધરોહરમાં સામેલ કરવામાં આવશે.
આ પહેલાં નાલંદાને કરાઈ છે પુનર્જીવિત
એવું કહેવાય છે કે, ગુપ્તકાળ દરમિયાન લગભગ 5મી સદીમાં નાલંદાનું નિર્માણ થયું હતું. તેમાં 300 ઓરડાઓ, 7 મોટા ખંડો અને અભ્યાસ માટે એક વિશાળ 9 માળનું પુસ્તકાલય હતું. પુસ્તકાલયમાં 90 લાખથી વધુ પુસ્તકો હતા. તે સમયે અહીં જે વિષયો ભણાવવામાં આવતા હતા તે બીજે ક્યાંય ભણાવવામાં આવતા નહોતા. નાલંદા યુનિવર્સિટીમાં 1193 સુધી અભ્યાસ ચાલુ હતો. પરંતુ તુર્કી આક્રાંતા બખ્તિયાર ખિલજીએ વિદ્યાપીઠ પર હુમલો કરી તેને આગચાંપી દીધી હતી. ત્યારપછી વિદ્યાપીઠના મહત્વને જોતા તેના જીર્ણોદ્ધારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
19 જુન 2024ના રોજ PM નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. નાલંદામાં લગભગ 26 દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નવી નાલંદા યુનિવર્સિટી કેમ્પસ, જે પરંપરાગત અને આધુનિક વાસ્તુશિલ્પ તત્વોને એકીકૃત કરે છે અને 455 એકરમાં ફેલાયેલું છે. જેમાં 100 એકર જળાશયો સાથે નેટ ઝીરો વિસ્તારનો સમાવેશ થાય છે.