Monday, January 27, 2025
More
    હોમપેજદેશકેન્સર સારવાર પર સિદ્ધુની ટિપ્પણીઓ સામે PIL, દિલ્હી હાઇકોર્ટે ફગાવી…કહ્યું- તેમણે માત્ર...

    કેન્સર સારવાર પર સિદ્ધુની ટિપ્પણીઓ સામે PIL, દિલ્હી હાઇકોર્ટે ફગાવી…કહ્યું- તેમણે માત્ર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, વાણી સ્વતંત્રતાનો સૌને અધિકાર, કોર્ટ નહીં કરે હસ્તક્ષેપ

    અરજીમાં માંગ કરવામાં આવી હતી કે નવજોત સિંઘ સિદ્ધુને યોગ્ય મેડિકલ રેકર્ડ્સ, સારવારની વિગતો અને અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવા માટેનો નિર્દેશ આપવામાં આવે.

    - Advertisement -

    કેન્સર સ્ટેજ 4 પર પહોંચી ગયેલાં પત્નીની સારવાર આયુર્વેદ અને વિશેષ ડાયટ પ્લાનથી કરવામાં આવી હોવાના નવજોત સિંઘ સિદ્ધુના (Navjot Singh Sidhu) દાવા બાદ મામલો દિલ્હી હાઇકોર્ટમાં (Delhi High Court) પહોંચી ગયો હતો અને એક જાહેર હિતની અરજી કરીને સિદ્ધુના દાવાની વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. 

    ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી. કોર્ટે અરજીને લઈને કહ્યું કે, સિદ્ધુએ જે કાંઈ પણ કહ્યું હતું તે તેમનો અંગત મત હતો. તે તેમની વાણી સ્વતંત્રતા હેઠળ આવે છે. જો કોઈ આ દાવાને પડકારવા માંગતું હોય તો તેઓ પણ વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરે. તેમાં કોર્ટના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી. 

    અરજીમાં માંગ કરવામાં આવી હતી કે નવજોત સિંઘ સિદ્ધુને યોગ્ય મેડિકલ રેકર્ડ્સ, સારવારની વિગતો અને અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવા માટેનો નિર્દેશ આપવામાં આવે. સાથે મામલા પર કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી સિદ્ધુના દાવાવાળા ફોટા-વિડીયો X અને ફેસબુક સહિતનાં માધ્યમો પરથી હટાવી લેવા માટે કેન્દ્રીય મંત્રાલયને નિર્દેશ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    સમગ્ર મામલે વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરીને અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મેડિકલ કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ ગેરમાહિતી ન ફેલાય તે માટે એક નિશ્ચિત દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવવા જોઈએ. સિદ્ધુ વિશે કહેવામાં આવ્યું હતું કે, જો તેમના દાવાની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ ન થાય તો તેનાથી લોકોમાં ભ્રમ ફેલાય શકે છે. 

    ‘સિદ્ધુનો અંગત મત, તમારે કાઉન્ટર કરવો હોય તો વાણી સ્વતંત્રતાનો સૌને અધિકાર છે’; કોર્ટ

    કોર્ટે સુનાવણી દરમિયાન આ તમામ દલીલો ફગાવી દીધી છે. બેન્ચે કહ્યું, “તેઓ (સિદ્ધુ) પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું છે કે તેમને ડોક્ટરોએ પણ સલાહ આપી હતી. આ તેમની વાણી સ્વતંત્રતા છે. તમે તમારી વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તેમના વિચારોને કાઉન્ટર કરો. અમે દેશમાં વાણી સ્વતંત્રતામાં માનીએ છીએ. આ અમારો વિષય નથી.” કોર્ટે એમ પણ કહ્યું કે, અરજદાર જો સિદ્ધુની વાતમાં સહમત ન હોય તો તેમણે તે વાતો માનવાની કોઈ જરૂર નથી. 

    જસ્ટિસ તુષાર રાવે કહ્યું, “સિદ્ધુ તમને કાંઈ પણ અનુસરવા માટે કહી રહ્યા નથી. તેમણે માત્ર એટલું કહ્યું છે કે તેમણે આમ-આમ કર્યું હતું.” ત્યારબાદ એમ પણ કહ્યું કે, અરજદારે વાસ્તવમાં તો સિગરેટ અને આલ્કોહોલ વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ કરવી જોઈએ, કારણ કે સ્વાસ્થ્યને નુકસાનકારક તો આ ચીજો પણ છે. 

    અરજદારની દલીલો પર કોર્ટે કહ્યું હતું કે, “અમુક પુસ્તકો ખરાબ હોય છે, તો તમારે એને વાંચવાની જરૂર નથી. તમને કોણ વાંચવા માટે કહી રહ્યું છે? આ પ્રકારના કેસો પર કામ કરવા માટે નિશ્ચિત પ્રક્રિયા હોય છે. અમે વાણી સ્વતંત્રતા પર આ રીતે લગામ ન લગાવી શકીએ.”

    આખરે કોર્ટની આ ટિપ્પણીઓ બાદ અરજદારે પોતાની અરજી કોર્ટમાંથી પરત ખેંચી લીધી હતી. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પત્ની કેન્સરમાંથી સાજાં થયા બાદ નવજોત સિંઘ સિદ્ધુએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે કઈ રીતે આયુર્વેદ અને ચોક્કસ ડાયટ પ્લાનથી તેઓ સ્ટેજ 4 કેન્સરમાંથી બહાર આવી શક્યાં. જોકે, સિદ્ધુના દાવા બાદ દેશમાં મેડિકલ ક્ષેત્રમાંથી એક વર્ગ એવો પણ ઊભો થયો હતો, જેમણે સિદ્ધુના દાવાને પડકાર્યો અને અમુક હોસ્પિટલો અને ડોક્ટરોએ પછી વાંધો પણ ઉઠાવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં