Wednesday, March 12, 2025
More
    હોમપેજરાજકારણસત્તા હાથમાંથી ગઈ પણ મુસ્લિમ બહુમતી બેઠકો AAPએ જાળવી રાખી, ભાજપે મુસ્તફાબાદમાં...

    સત્તા હાથમાંથી ગઈ પણ મુસ્લિમ બહુમતી બેઠકો AAPએ જાળવી રાખી, ભાજપે મુસ્તફાબાદમાં લહેરાવી દીધો ભગવો: ઓવૈસીની પાર્ટીએ કાપ્યા વૉટ

    દિલ્હી વિધાનસભાની આ 11 મુસ્લિમ બાહુલ્ય બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જ જીતતા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં મહત્વની આ બેઠકો પર પણ ભાજપે ભગવો ફરકાવી દીધો છે. 11માંથી 5 વિધાનસભા બેઠકો પર ભાજપ ઉમેદવારો વિજયી બન્યા છે.

    - Advertisement -

    શનિવારે (8 ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા ચૂંટણીના (Delhi Assembly Elections) પરિણામો (Results) જાહેર થઈ રહ્યાં છે. જોકે, હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે અને કેજરીવાલ સહિતના AAPના દિગ્ગજ નેતાઓએ હાર પણ સ્વીકારી લીધી છે. આ સાથે જ 27 વર્ષ બાદ ભાજપ (BJP) ફરી દિલ્હીની સત્તામાં પરત આવી છે. આ વખતની ચૂંટણી અનેક રીતે મહત્વપૂર્ણ હતી. કારણ કે, ઘણી બેઠકો પરથી ઘણા વિવાદિત નેતાઓને પણ ટિકિટ મળી ગઈ હતી. ત્યારે દિલ્હીની મુસ્લિમ બાહુલ્ય બેઠકોની (Muslim Majority Seats) સ્થિતિ વિશે જાણવું પણ જરૂરી છે. કારણ કે, દિલ્હીમાં લગભગ 13% મુસ્લિમ મતદારો છે, જે ઘણી બેઠકો પર નિર્ણાયક પ્રભાવ પણ ધરાવે છે.

    ચૂંટણીનાં પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, AAP હવે પહેલાં કરતાં ખૂબ ખરાબ સ્થિતિમાં આવી ગઈ છે. શરૂઆતી વલણોથી જ આમ આદમી પાર્ટી ખરાબ પ્રદર્શન કરતી નજરે પડી રહી હતી. પરંતુ આ વખતે હાર એટલી ભયાનક મળી છે કે, 2013 બાદથી જે મુસ્લિમ બાહુલ્ય બેઠકો પર AAP સિવાય કોઈ જીતી નહોતું શકતું, તે પૈકીની કેટલીક બેઠકો પર પણ ભાજપે ભગવો લહેરાવી દીધો છે. ભાજપે ચૂંટણીમાં કોઈપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નહોતી અને મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં હિંદુઓને એક કરવા માટે હિંદુ ઉમેદવારોને જ મેદાનમાં ઉતાર્યા હતા. દિલ્હીમાં મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો 11 છે. બહુમતી હોય તેવી પાંચેક બેઠકો છે.

    દિલ્હીમાં મુસ્લિમો બહુમતીમાં હોય તેવી બેઠકોની વાત કરવામાં આવે તો મુસ્તફાબાદ, ઓખલા, સીલમપુર, બલિમરાન અને મટિયા મહલનો સમાવેશ થાય છે. જેમાંથી મુસ્તફાબાદ સિવાય બાકીની ચાર બેઠકો આમ આદમી પાર્ટીએ જાળવી રાખી છે. મુસ્તફાબાદ પર ભારતીય જનતા પાર્ટીના મોહન સિંઘ બિષ્ટ જંગી બહુમતીથી વિજયી બન્યા છે.

    - Advertisement -

    1- મુસ્તફાબાદ

    ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચા મુસ્તફાબાદ વિધાનસભા બેઠકની થઈ રહી હતી. કારણ કે, આ બેઠક પરથી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના માસ્ટરમાઇન્ડ તાહિર હુસૈનને ટિકિટ આપી હતી. રમખાણો થયાં ત્યારે તાહિર AAPનો કોર્પોરેટર હતો. પછીથી રમખાણોના કેસમાં ધરપકડ બાદ તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. હાલ તે જેલમાં બંધ છે. કોર્ટે તેને પ્રચાર માટે કસ્ટડી પેરોલ આપી હતી.

    મુસ્લિમ બાહુલ્ય ધરાવતી બેઠક હોવા છતાં મુસ્તફાબાદમાં ભાજપ ઉમેદવાર મોહન સિંઘ બિષ્ટ વિજયી બન્યા છે. તેમના વિરુદ્ધ આમ આદમી પાર્ટીના આદિલ અહેમદ ખાન અને કોંગ્રેસના અલી મહેંદી નામના ઉમેદવારો મેદાનમાં હતા. મોહન સિંઘે 17578 વૉટથી AAPના આદિલને હરાવ્યા છે. તાહિર હુસૈન તો ત્રીજા સ્થાન પર આવી ગયો છે.

    2 – ઓખલા

    દિલ્હીની ઓખલા વિધાનસભા બેઠક પણ ખૂબ ચર્ચામાં રહે છે. આ બેઠક પર મુસ્લિમ સંખ્યા વધારે છે. AAPએ અહીંથી અમાનતુલ્લાહ ખાનને ઉમેદવાર બનાવ્યા હતા. તેમની સામે કોંગ્રેસમાંથી શિફા ઉર રહેમાન ખાન મેદાનમાં હતા. આ સાથે જ ભાજપે અહીંથી મનીષ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, આ બેઠક પર અમાનતુલ્લાહ ખાને જીત નોંધાવી છે. એટલે આ બેઠક AAPના ખાતામાં ગઈ છે.

    નોંધનીય છે કે, અમાનતુલ્લાહ વિરુદ્ધ વક્ફ સંપત્તિના મની લોન્ડરિંગના આરોપો છે, આ સાથે જ અન્ય પણ ઘણા આરોપોને લઈને તેઓ સતત વિવાદમાં રહ્યા છે. ચૂંટણી દરમિયાન તેમના પુત્રએ પોલીસકર્મીઓ સાથે બબાલ કરી હતી ત્યારે ફરી ચર્ચામાં આવ્યા હતા.

    3 – મટિયા મહલ

    મુસ્લિમ બહુમતી ધરાવતી મટિયા મહલ બેઠક પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર આલે મોહમ્મદ ઇકબાલ જીત્યા છે. તેમની સામે ભાજપના દિપ્તી ઈંદોરા લડી રહ્યા રહ્યા હતા. ઇકબાલે 42 હજાર વૉટથી દિપ્તીને હરાવ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર આસીમ અહમદ ખાનને 10 હજાર વૉટ જ મળ્યા છે.

    4 – સીલમપુર

    સીલમપુર બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૌધરી ઝુબૈર અહમદે જીત નોંધાવી છે. તેમણે 42477 વૉટથી ભાજપના ઉમેદવાર અનિલ કુમાર શર્માને હરાવ્યા છે. આ સાથે જ કોંગ્રેસના અબ્દુલ રહેમાન પણ ખૂબ ઓછા મત મેળવી શક્યા છે. સીલમપુરમાં પણ મુસ્લિમ વસ્તી નિર્ણાયક પ્રમાણમાં છે.

    5- બલ્લીમારાન

    આ પણ એક મુસ્લિમ બહુમતી બેઠક છે. અહીંથી આમ આદમી પાર્ટીના ઈમરાન હુસૈનની જીત થઈ છે. તેઓ 29 હજાર મતની લીડથી જીત્યા છે. ભાજપે અહીંથી કમલ બાગરીને ટિકિટ આપી હતી, જેઓ બીજા ક્રમે રહ્યા. કોંગ્રેસે હારુન યુસુફને ઉતાર્યા હતા, જેઓ ત્રીજા ક્રમે રહ્યા.

    આ સિવાય પણ બીજી છએક બેઠકો છે, જ્યાં મુસ્લિમ વસ્તી સારા પ્રમાણમાં રહી છે. જેમાં જંગપુરા, ચાંદની ચોક, કસ્તૂરબા નગર, સીમાપુરી, બાબરપુર, કરાવલ નગર વગેરે બેઠકોનો સમાવેશ થાય છે.

    6 – જંગપુરા

    જંગપુરા વિધાનસભા બેઠક પણ ચૂંટણીમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની હતી. કારણ કે, આ બેઠક પરથી AAPએ પોતાના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને મેદાને ઉતાર્યા હતા. તેમની સામે ભાજપ તરફથી હતા તરવિંદર સિંઘ. ઉપરાંત કોંગ્રેસે અહીંથી ફરહાદ સૂરિને ટિકિટ આપી હતી. આ બેઠક પર પણ મુસ્લિમ વસ્તી સારા પ્રમાણમાં છે.

    આ બેઠક પર ભાજપના ઉમેદવારે 675 વૉટ સાથે જીત નોંધાવી છે. જીત બાદથી જ આ બેઠક પણ ચર્ચામાં આવી છે. કારણ કે, અહીં મનીષ સિસોદિયાને હાર મળી છે.

    7 – કસ્તૂરબા નગર

    કસ્તૂરબા નગર બેઠક પર આમ આદમી પાર્ટીએ રમેશ પહેલવાનને ઉમેદવાર બનાવ્યા હતા. તેમની સામે હતા ભાજપના નીરજ બસોયા અને કોંગ્રેસના અભિષેક દત્ત. આ બેઠક પણ ભાજપના ખાતે આવી છે. ભાજપના નીરજ બસોયા 11048 વૉટથી આ બેઠક પર જીતી ગયા છે.

    8 – ચાંદની ચોક

    ચાંદની ચોક બેઠક પર પણ મુસ્લિમ વસ્તી છે. અહીંથી આમ આદમી પાર્ટીના પુનરદીપ સિંઘ જીત્યા છે. તેમણે 16572 વૉટથી ભાજપના સતીશ જૈનને હરાવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી મુદિત અગ્રવાલ ઊભા રહ્યા હતા. તેમને માત્ર 9 હજાર મત મળ્યા છે.

    9 – બાબરપુર

    બાબરપુર બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ રાય ચૂંટણી લડી રહ્યા હતા. તેમની સામે ભાજપના અનિલ કુમાર વશિષ્ઠ અને કોંગ્રેસના મોહમ્મદ ઇશરાક ખાન ચૂંટણી લડી રહ્યા હતા. આ બેઠક પર AAP ઉમેદવાર 18994 વૉટથી જીત્યા છે.

    10 – કરાવલ નગર

    મુસ્લિમ બાહુલ્ય બેઠક કરાવલ નગરમાં ભાજપ ઉમેદવારની જીત નોંધાઈ છે. ભાજપ ઉમેદવાર કપિલ મિશ્રાએ 23355 વૉટથી આમ આદમી પાર્ટીના મનોજ કુમાર ત્યાગીને હરાવ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ડૉ. પીકે મિશ્રાને માત્ર 3921 મત જ મળ્યા છે. આ એ જ બેઠક છે, જ્યાં વર્ષ 2020માં હિંદુવિરોધી રમખાણો થયાં હતાં. એક ઇકોસિસ્ટમે કપિલ મિશ્રા વિરુદ્ધ તે સમયે ઘણો અપપ્રચાર કર્યો હતો, પરંતુ આખરે કપિલ મિશ્રાએ અહીં ભગવો ઝંડો લગાવી દીધો છે. મોટી લીડથી તેમની અહીંથી જીત થઈ.

    11- સીમાપુરી

    સીમાપુરી બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી વીર સિંઘ ધિંગાન ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના કુમારી રીન્કુ મેદાનમાં છે. ઉપરાંત કોંગ્રેસ તરફથી આ બેઠક પર રાજેશ લીલોઠિયા મેદાનમાં ઉતર્યા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના નેતા વીર સિંઘ ધીંગાન અગ્રેસર છે.

    12 – શકુર બસ્તી

    શકુર બસ્તી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સત્યેન્દ્ર જૈન મેદાનમાં ઉતર્યા હતા. તેમની સામે ભાજપના કર્નલ સિંઘ અને કોંગ્રેસના સતીશ કુમાર મેદાનમાં ઉતર્યા હતા. આ બેઠક પર ભાજપ ઉમેદવાર કર્નલ સિંઘે 20998 વૉટથી જીત નોંધાવી છે. AAPના દિગ્ગજ નેતા લગભગ 30 હજાર વૉટથી હાર્યા છે. કોંગ્રેસ ઉમેદવારને તો માત્ર 5784 મતો જ મળી શક્યા છે.

    દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તા ઉપર પરત ફરી શકી નથી, પરંતુ જેટલી મુસ્લિમ બહુમતી બેઠકો છે, તેમાંથી મોટાભાગની બેઠકો પર પાર્ટીએ જીત મેળવી છે. બીજી તરફ, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM માત્ર વૉટ કાપવા માટે જ લડી હોય એમ જણાયું. ઓવૈસીએ વૉટ કાપ્યા તેનો ફાયદો પણ ભારતીય જનતા પાર્ટીને થયો. બાકી જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે તેવી બેઠકો પર AAP અને ભાજપે સરખું પ્રદર્શન કર્યું છે. જેમાંની બે બેઠકો પર મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવા AAPના દિગ્ગજ નેતાઓ પણ લડ્યા હતા, પરંતુ તેમને કોઈ ફાયદો ન થયો. બંનેએ હારનો સામનો કરવો પડ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં