મુઘલ આક્રમણખોર ઔરંગઝેબને (Islamic Invader Aurangzeb) લઈને સમગ્ર દેશમાં વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં જ પ્રકાશમાં આવેલ મામલામાં મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ નેતા રેખા વિનોદ જૈને (Congress Leader) ભગવાન પરશુરામની (Parshuram) સરખામણી મુઘલ શાસક ઔરંગઝેબ સાથે કરી હતી. જેનો હિંદુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ આક્રાંતા ઔરંગઝેબની તુલના ભગવાન પરશુરામ સાથે કરી દીધી હતી.
જબલપુરના ભૂતપૂર્વ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રેખા જૈને ભગવાન પરશુરામની તુલના ઔરંગઝેબ સાથે કરી દીધી હતી. કોંગી નેતાએ કથાકાર મણિકા મોહિનીની ફેસબુક પોસ્ટ શેર કરી હતી. આ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, “ઔરંગઝેબે પોતાના ભાઈનું માથું કાપીને તેના પિતાને આપ્યું. પરશુરામે તેમની માતાનું માથું કાપી નાખ્યું અને તેનું માથું તેના પિતાને આપ્યું.”
પોસ્ટમાં આગળ લખ્યું હતું કે “મારા મતે વિવેકહીન, અસંસ્કારી જાનવરો બંને જગ્યાએ છે. પરંતુ હિંદુત્વની બીમારી વધુ ખતરનાક છે. કારણ કે જે લોકો પરશુરામને અવતાર અને ધર્મનું પ્રતીક માને છે તેઓ ફક્ત બ્રાહ્મણ જ નહીં પરંતુ હિંદુઓના પણ નેતા અને વડા છે.”
આ પોસ્ટ વાયરલ થતાં જ હિંદુ સંગઠનો અને બ્રાહ્મણ સમુદાયે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો, તથા માફીની માંગ કરી હતી. જબલપુર સહિત વિવિધ સ્થાનો પર રેખાનો વિરોધ થયો હતો. વિવાદ વધી જતા કોંગ્રેસે પણ રેખાને નોટિસ ફટકારી અને 48 કલાકની અંદર જવાબ આપવા કહ્યું હતું. જબલપુર કોંગ્રેસે કહ્યું કે રેખા જૈનના કારણે કોંગ્રેસની ધર્મનિરપેક્ષ છબી ખરડાઈ છે. જોકે ભારે વિરોધ થતા રેખાને તેમની ભૂલ સમજાઈ હતી.
ભારે વિરોધના પગલે કોંગ્રેસના નેતાએ મીડિયા સમક્ષ આવીને માફી માંગી હતી. પોસ્ટ પર વિવાદ વધતાં, ભૂતપૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખે તેને ડિલીટ કરી દીધી. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 12 માર્ચના રોજ પોસ્ટની વિગત ભૂલથી વાયરલ થઈ ગઈ હતી. કોઈએ તેમને આ પોસ્ટ મોકલી હતી. બીજા દિવસે તેમને ખ્યાલ આવ્યો કે તેમની વિવાદાસ્પદ પોસ્ટ આકસ્મિક રીતે વાયરલ થઈ ગઈ છે.
તેમણે ભૂલ સ્વીકારીને ફેસબુક પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને પોતાની ભૂલ સ્વીકારીને જાહેરમાં માફી માંગી હતી. તેમણે કહ્યું કે તેમનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. ભૂલને કારણે તેમની વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થઈ ગઈ. પાર્ટીએ તેમને આ સંદર્ભમાં નોટિસ ફટકારી હતી. જેના સંદર્ભમાં તેમણે પોતાનો જવાબ પણ રજૂ કર્યો હતો.