છત્તીસગઢ હાઇકોર્ટે (Chhattisgarh High Court) સોમવારે (10 ફેબ્રુઆરી) પતિ-પત્નીના સંબંધને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એક કેસ મામલે સુનાવણી કરતા જસ્ટિસ નરેન્દ્ર કુમાર વ્યાસની સિંગલ બેન્ચે કહ્યું છે કે, અપ્રાકૃતિક યૌન સંબંધ (Unnatural sex) બાંધવા પર પણ પત્ની પોતાના પતિ પર રેપ અથવા અપ્રાકૃતિક કૃત્ય કરવાનો આરોપ લગાવી શકતી નથી. સાથે કોર્ટે એવું પણ કહ્યું છે કે, આવા કેસમાં પત્ની વયસ્ક હોવી જરૂરી છે. જો આવી સ્થિતિ હોય તો ગુનો બની શકતો નથી. આ કેસની સુનાવણી કરતાં હાઇકોર્ટે અનેક મહત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી હતી.
કોર્ટે પત્ની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધવાના આરોપી પતિને નિર્દોષ જાહેર કરી દીધો છે અને તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
પતિ પર આરોપ લગાવનારી પત્ની 2017માં મૃત્યુ પામી હતી. છત્તીસગઢ હાઇકોર્ટે સુનાવણી કરતા કલમ IPCની કલમ 377, જે અકુદરતી ગુનાઓ માટે સજા આપે છે, તેને IPCની કલમ 375ના અપવાદ 2થી વિપરીત ગણાવી છે. IPCની કલમ 375 કહે છે કે, કોઈપણ પુરુષ દ્વારા પોતાની ‘વયસ્ક’ (15 વર્ષથી વધુની ઉંમરની) પત્ની સાથે યૌન સંબંધ બાંધવા અથવા યૌન કૃત્ય કરવા બળાત્કાર નથી. જોકે, હવે આ ઉંમરને વધારીને 18 વર્ષ કરવામાં આવી છે.
‘વયસ્ક પત્ની સાથેના યૌન સંબંધો બળાત્કાર નથી’- કોર્ટ
તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને જસ્ટિસ વ્યાસે વિચારણા કરી હતી કે, અરજદાર પતિ સામે IPCની કલમ 376 અને 377 હેઠળ ગુનો દાખલ થઈ શકે કે કેમ. ખાસ કરીને ત્યારે, જ્યારે અરજદાર અને પીડિતા બંને પતિ-પત્ની હોય. ત્યારબાદ જસ્ટિસ વ્યાસે IPCની કલમ 375ના અપવાદ 2 હેઠળની વ્યવસ્થાને રેખાંકિત કરી હતી. જેમાં મૂળ રીતે તેવી જોગવાઈ છે કે, કોઈપણ પુરુષ દ્વારા પોતાની પત્ની સાથે, જ્યારે પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી ન હોય, ત્યારે યૌન સંબંધ બાંધવા કે યૌન કૃત્ય કરવાં એ બળાત્કાર નથી.
કોર્ટે કહ્યું કે, “તેથી જો કલમ 377 હેઠળ પરિભાષિત કોઈ અપ્રાકૃતિક યૌન સંબંધ પતિ દ્વારા પોતાની પત્ની સાથે કરવામાં આવે, તો તેને પણ ગુનો માની શકાય નહીં.” ન્યાયાધીશ વ્યાસે વધુમાં સવાલ કર્યો હતો કે, જો પતિ અને પત્ની વચ્ચે પ્રત્યેક યૌન ક્રિયાને ‘બળાત્કાર’ના દાયરામાંથી બહાર રાખવામાં આવી છે, તો પછી એક પતિ પર પોતાની પત્ની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવવા માટે કલમ 377 હેઠળ કેસ કઈ રીતે ચલાવી શકાય? આ સાથે કોર્ટે ચુકાદો આપતા આરોપી પતિને નિર્દોષ જાહેર કરી દીધો હતો અને તેને મુક્ત કરવા માટેનો આદેશ પણ આપ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
આ સમગ્ર ઘટના વર્ષ 2017ની છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાના જગદલપુર નિવાસી એક વ્યક્તિની 11 ડિસેમ્બર, 2017ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા તેની પત્નીના નિવેદનના આધારે કરવામાં આવી હતી. આ નિવેદન આપ્યા બાદ જ સરકારી હોસ્પિટલમાં પત્નીનું અવસાન થઈ ગયું હતું. ઘટનાની વધુ વિગતો અનુસાર, 11 ડિસેમ્બર, 2017ના રોજ મહિલાએ દુઃખાવાની ફરિયાદ કરી હતી અને પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે, તેના પતિએ તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધ્યા હતા. પીડિતાએ મેજિસ્ટ્રેટ સામે મૃત્યુ પહેલાં નિવેદન નોંધાવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, તેના પતિ દ્વારા ‘બળજબરીથી યૌન સંબંધ’ બંધવાના લીધે તે બીમાર થઈ ગઈ હતી.
11 ફેબ્રુઆરી, 2019ના રોજ જગદલપુરના એડિશનલ સેશન્સ જજે તે વ્યક્તિને IPCની કલમ 377, 376 આબે 304 હેઠળ દોષિત ઠેરવી હતી અને તેને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. બાદમાં તે વ્યક્તિએ નીચલી અદાલતના ચુકાદાને પડકારતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પુરુષના વકીલે રજૂઆત કરી હતી કે, અરજદાર વિરુદ્ધ રેકોર્ડ પર કોઈ કાયદેસર રીતે સ્વીકાર્ય પુરાવા ઉપલબ્ધ નથી અને ફક્ત પીડિતાના નિવેદનના આધારે તેના ક્લાયન્ટને અનેક ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.
તેમણે દલીલ કરી હતી કે, ટ્રાયલ કોર્ટે બે સાક્ષીઓના નિવેદનો ધ્યાનમાં લીધા ન હતા, જેમણે જગદલપુરની કોર્ટને જણાવ્યું હતું કે, મહિલાને તેની પહેલી ડિલિવરી પછી તરત જ પાઈલ્સ થઈ ગઈ હતી, જેના કારણે તેને લોહી નીકળતું હતું અને પેટમાં દુખાવો થતો હતો. તેમણે મૃત્યુ પહેલાં અપાયેલ મહિલાના નિવેદન પર ટ્રાયલ કોર્ટના ભરોસાને ‘શંકાસ્પદ’ ગણાવ્યો હતો. જોકે, દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે અરજદાર પતિને નિર્દોષ જાહેર કર્યો છે.