અમદાવાદમાં (Ahmedabad) ‘મિનિ બાંગ્લાદેશ’ બની ગયેલા ચંડોળામાં (Chandola) છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કાના ડિમોલિશન અભિયાનમાં (Demolition Drive) 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવ્યા બાદ હવે બીજા તબક્કામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેવામાં જાણવા મળી રહ્યું છે કે, ચંડોળામાં 11 લાખ વર્ગ મીટર વિસ્તારમાં ઊભા કરાયેલા 12 હજારથી વધુ એકમો અને દબાણો દૂર કરી દેવામાં આવ્યાં છે. જેમાં મજહબી બાંધકામોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલ પણ કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે.
અહેવાલ અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નોંધમાં કહ્યું છે કે તેમણે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન અભિયાન હેઠળ 11 લાખ વર્ગ મીટર જમીનને દબાણમુક્ત કરી છે. આ સાથે એવું પણ જણાવ્યું છે કે, આ જગ્યામાં 700 વાણિજ્યિક એકમો સહિત 12 હજારથી વધુ દબાણો ઊભા કરવામાં આવ્યાં હતાં. તે તમામ દબાણોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત AMCએ તળાવને વિકસિત કરવા માટેનો નિર્ણય પણ લીધો છે.
AMCએ જણાવ્યું છે કે, 11 વર્ગ મીટર વિસ્તારમાં સંગ્રહિત પાણી અમદાવાદ શહેરમાં ભૂગર્ભજળના સ્તરને વધુ ઊંચું લાવશે અને પર્યાવરણીય સુધારણામાં ફાળો આપશે. આ ઉપરાંત AMCએ કાર્યવાહી વિશે જણાવ્યું હતું કે, 23 મેના રોજ 14 JCB, 100 ટ્રક અને હિટાચી મશીનનો ઉપયોગ કરીને 2774 મેટ્રિક ટન કાટમાળ હટાવવામાં આવ્યો છે. તે સિવાય તળાવને વધુ ઊંડું કરવા માટેનું કામ પણ ચાલી રહ્યું છે.
AMCના જણાવ્યા અનુસાર, 5 JCB, 22 મશીનો અને 72 ટ્રકોનો ઉપયોગ કરીને તળાવને ઊંડું કરવામાં આવી રહ્યું છે. તળાવની અંદર 1507.37 વર્ગ મીટરનું ઊંડાણ કરવામાં આવી રહ્યું છે અને 904.422 ક્યુબિક મીટર માટી ખોદવામાં આવી રહી છે. આ માટીનો ઉપયોગ AMC દ્વારા ગ્યાસપુરમાં વનીકરણ પરિયોજના માટે કરવામાં આવશે. આ ઉપરાંત કાટમાળનો ઉપયોગ પણ યોગ્ય રીતે કરવાની યોજના બનાવવામાં આવી છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ચંડોળા વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અનેક ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં અને મોટાં માથાંની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત હાઇકોર્ટમાં પણ સરકાર દ્વારા મજબૂતીથી પોતાનો પક્ષ રાખવામાં આવ્યો હતો. હાઇકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ કાર્યવાહી તેજ થઈ છે અને હવે બીજા તબક્કામાં વધુ ઝડપે શરૂ થઈ છે. આવનારા ભવિષ્યમાં ચંડોળા તળાવની કાયાપલટ કરવાની સરકારની યોજના છે.