ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાસગંજમાં 26 જાન્યુઆરી, 2018ના રોજ તિરંગા યાત્રા દરમિયાન થયેલી ચંદન ગુપ્તાની હત્યા મામલે (Chandan Gupta Murder Case) તમામ 28 મુસ્લિમ દોષિતોને NIA સ્પેશ્યલ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ન્યાયની આશા સાથે 7 વર્ષથી રાહ જોઈ રહેલા ચંદન ગુપ્તાના માતા-પિતાએ પણ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે, હવે તેમને ખરા અર્થમાં ન્યાય મળ્યો છે. પરંતુ, ન્યાય મળવાની સાથે તેમના મનમાં અનેક પ્રશ્નો પણ હતા. તેમણે હત્યારાઓને મળી રહેલા ફન્ડિંગ (Funding) પર સવાલ ઉઠાવ્યા છે અને ભારત સરકારને તે દિશામાં તપાસ કરવા માટેની વિનંતી પણ કરી છે. કોર્ટે પણ આદેશમાં કહ્યું છે કે, ચંદન ગુપ્તાના હત્યારાઓને પાકિસ્તાનથી (Pakistan) ફંડિંગ મળતું હતું. ઉપરાંત અનેક NGOનાં નામ પણ સામે આવ્યાં છે.
ચંદન ગુપ્તાના માતા-પિતાએ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે, “મોડું થયું છે, પરંતુ આખરે અમારા દીકરાને ન્યાય મળ્યો. દોષિતોને સજા થઈ છે, અમે ન્યાયતંત્રનો આભાર માનીએ છીએ અને સાથે સરકારનો પણ આભાર માનીએ છીએ.” આ સાથે જ મૃતકના માતા-પિતાએ દોષિતોને મળતા ફન્ડિંગ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. મૃતકના માતાએ કહ્યું કે, “આ લોકો પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા, તેમને આટલા પૈસા આપતું કોણ હતું?”
તેમણે વધુમાં કહ્યું, “તેમના તરફથી મોંઘા-મોંઘા વકીલો કેસ લડી રહ્યા હતા, આ બધુ જોઈને અમે વિચારતા હતા કે ચંદનને ન્યાય મળશે કે નહીં. આ બધો પૈસાનો ખેલ હતો પણ અંતે અમારા દીકરાને ન્યાય મળ્યો. માતા-પિતાએ કહ્યું કે, અમને હજુ પણ ડર છે કે આજીવન કેદની સજા પામેલા 28 દોષિતોમાંથી કોઈપણ અમને નુકસાન પહોંચાડી શકે છે.” તેમણે કહ્યું કે, “આરોપીઓ તરફથી મોટી સંખ્યામાં મોંઘા વકીલો હાજર હતા, અમારા તરફથી માત્ર એક જ વકીલ જોશીજી હતા અને તેમની સામે આરોપીઓના 17,18 વકીલો ઉભા રહેતા હતા.”
‘દોષિતોને ભારત સિવાય વિદેશોમાંથી પણ મળતું હતું ફન્ડિંગ’
ચંદન ગુપ્તા મર્ડર કેસની સુનાવણી દરમિયાન NIA કોર્ટે જણાવ્યું હતું કે, આરોપીઓને કેસ લડવા માટે ભારત સિવાય અમેરિકા અને બ્રિટનના NGO દ્વારા ફંડ મળી રહ્યું હતું. કોર્ટે ફંડિંગના હેતુઓ પર સવાલ ઉઠાવતા કેન્દ્ર સરકારને તપાસની ભલામણ પણ કરી છે. સજા સંભળાવતા જજ વિવેકાનંદ ત્રિપાઠીએ 130 પાનાંનો ચુકાદો આપ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, કેસ લડવા માટે આરોપીઓને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાંથી પણ ફન્ડિંગ મળ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, દોષિતોને બચાવવા માટે વિદેશી ફંડનો ઉપયોગ બંધારણની ભાવના વિરુદ્ધ છે.
NIA કોર્ટ અનુસાર, આ NGOમાં ન્યૂયોર્ક સ્થિત ‘અલાયન્સ ફૉર જસ્ટિસ એન્ડ એકાઉન્ટેબિલિટી’, વોશિંગ્ટન સ્થિત ‘ઇન્ડિયન-અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ’ અને લંડન સ્થિત ‘સાઉથ એશિયા સોલિડેરીટી ગ્રુપ’નાં નામ સામે આવ્યાં છે. આ ઉપરાંત ત્રણ NGO ભારતના હોવાનું સામે આવ્યું છે. જેમાં મુંબઈ સ્થિત ‘સિટીઝન્સ ફૉર જસ્ટિસ પીસ’, દિલ્હી સ્થિત ‘પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ’ અને લખનૌ સ્થિત ‘રિહાઈ મંચ’નો સમાવેશ થાય છે. આ તમામ NGO દ્વારા દોષિતોને કેસ લડવા માટે ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું.
NIA કોર્ટે એવું પણ કહ્યું છે કે, ચંદન ગુપ્તા મર્ડર કેસના દોષિતો સાંપ્રદાયિક હિંસા માટે જવાબદાર હતા. તેમ છતાં NGO સાથે જોડાયેલા વકીલોએ તેમને બચાવવાના પ્રયાસ કર્યા. આ સંગઠનોને વિદેશી ફન્ડિંગ ક્યાંથી મળી રહ્યું છે, તેની તપાસ થવી જોઈએ. કોર્ટે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને ગૃહ મંત્રાલયને નિર્ણયની નકલ મોકલવા માટેના આદેશ પણ આપ્યા છે. હાલ મૃતક ચંદન ગુપ્તાના માતા-પિતાએ આ દિશામાં તપાસ કરવા માટે સરકારને વિનંતી કરી છે.