ભારત લાંબા સમયથી આરોપ લગાવતું આવ્યું છે કે, ખાલિસ્તાની કટ્ટરવાદી સંગઠનોને વિદેશથી, ખાસ કરીને કેનેડાથી, આર્થિક મદદ મળે છે. પરંતુ, દર વખતે કેનેડા આ બધા દાવાઓને નકારી દેતું હતું. હવે પહેલી વખત કેનેડાના આધિકારિક રિપોર્ટે આ બાબતની પુષ્ટિ કરી છે.
કેનેડાની ગુપ્તચર એજન્સીના ‘Assessment of Money Laundering and Terrorist Financing Risks in Canada’ના તાજેતરના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ખાલિસ્તાની સંગઠનો ન માત્ર કેનેડામાં સક્રિય છે, પરંતુ તેમને વિદેશથી સતત આર્થિક સહયોગ પણ મળી રહ્યો છે. આ સ્વીકાર કરવાથી ભારતના તે દાવાને મજબૂતી મળે છે, જેમાં કહેવાયું હતું કે, કેનેડા ખાલિસ્તાન સમર્થક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે.
નવા રિપોર્ટમાં શું છે ખાસ?
આ અહેવાલમાં જણાવાયું છે કે, અગાઉ કેનેડામાં ખાલિસ્તાની સંગઠનોનું એક વિશાળ ફંડરેઝિંગ નેટવર્ક હતું. સમય જતાં આ નેટવર્ક નાના-નાના જૂથો અને વ્યક્તિઓ સુધી સીમિત થઈ ગયું છે. આ લોકો ભલે કોઈ ચોક્કસ સંગઠન સાથે જોડાયેલા ન હોય, પરંતુ ખાલિસ્તાન ચળવળ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને આર્થિક સહયોગ આ આખા નેટવર્કને જીવંત રાખવાનું કામ કરે છે.
અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, કેનેડા સહિત અન્ય ઘણા દેશોમાંથી આ સંગઠનોને સતત ફંડિંગ મળી રહ્યું છે. આ જ કારણે ભારતમાં ખાલિસ્તાન સમર્થક હિંસક પ્રવૃત્તિઓને અમલમાં મૂકવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.
પૂરતા પુરાવા પણ ઉપલબ્ધ
કેનેડાના ફોજદારી કાયદા (Criminal Code) હેઠળ અનેક સંગઠનોને આતંકવાદી સંગઠનો જાહેર કરવામાં આવ્યા છે.તેમાં, હમાસ, હિઝબુલ્લાહ, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશન જેવા સંગઠનોનો સમાવેશ થાય છે.
અહેવાલ અનુસાર, આ સંગઠનોને કેનેડામાંથી આર્થિક મદદ મળવાના પુરાવા ગુપ્તચર એજન્સીઓ અને કાયદા અમલીકરણ એકમોએ એકત્ર કર્યા છે. એટલે કે, હવે આ બાબત ફક્ત આરોપો સુધી મર્યાદિત નથી, પરંતુ સત્તાવાર રીતે દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે કે, કેનેડાની ધરતીનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે.
ખાલિસ્તાનીઓ પર ભારતનો દાવો સાચો સાબિત
ભારત વર્ષોથી કહેતું આવ્યું છે કે, કેનેડા ખાલિસ્તાની તત્ત્વોને ખુલ્લી છૂટ આપે છે. ભારતીય અધિકારીઓનું કહેવું હતું કે, ત્યાંથી ફક્ત ફંડિંગ જ નથી થતું, પરંતુ પ્રચાર-પ્રસાર અને રાજકીય વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો પણ થાય છે.
આ મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે અનેક વખત તીખી નિવેદનબાજી થઈ છે. હવે જ્યારે કેનેડાની પોતાની એજન્સીએ સ્વીકાર્યું છે કે, આ નેટવર્ક અસ્તિત્વમાં છે અને સક્રિય પણ છે, તો ભારતનો દાવો સંપૂર્ણપણે સાચો સાબિત થાય છે.
કેનેડાએ પોતાની ધરતી પર ખાલિસ્તાની ગતિવિધિ ઓને સ્વીકારી
રસપ્રદ વાત એ છે કે, કેનેડાની ગુપ્તચર એજન્સીના આ અહેવાલે એ પણ સ્વીકાર્યું છે કે, તેની ધરતી પરથી ખાલિસ્તાની કટ્ટરવાદીઓ સક્રિય છે. અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, 1980ના દાયકાથી જ કેનેડામાં સ્થિત ખાલિસ્તાની જૂથો પંજાબમાં અલગ શીખ રાજ્યની માગણી માટે હિંસક પદ્ધતિનો ઉપયોગ કરતા આવ્યા છે.
Breaking: Khalistani violent extremist groups getting financial support from Canada, key Canada report pic.twitter.com/QaUqOJN4Ou
— Sidhant Sibal (@sidhant) September 6, 2025
ભારત લાંબા સમયથી આ જોખમ તરફ ધ્યાન દોરતું હતું, પરંતુ કેનેડાની સરકારો ઘણીવાર તેને અવગણતી રહી. ખાસ કરીને પૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પર આ આરોપ લાગતો રહ્યો કે, તેમણે રાજકીય કારણોસર ખાલિસ્તાન સમર્થકોને અવગણ્યા.
કેનેડાનું બેવડું વલણ અને રાજદ્વારી સંકટ
અહેવાલમાં એક અન્ય મહત્ત્વની બાબત સામે આવી. અહેવાલમાં ખાલિસ્તાની તત્ત્વોની હાજરી અને ફંડિંગનું સત્ય સ્વીકારવામાં આવ્યું, પરંતુ, બીજી તરફ ભારત પર પણ આરોપ લગાવવામાં આવ્યો કે તે કેનેડામાં હસ્તક્ષેપ અને જાસૂસી કરે છે. અહેવાલમાં ભારતનું નામ ચીન, રશિયા, ઇરાન અને પાકિસ્તાન જેવા દેશો સાથે ‘વિદેશી હસ્તક્ષેપના મુખ્ય આરોપીઓ’માં સામેલ કરવામાં આવ્યું છે.
એટલે કે એક તરફ કેનેડા એ સ્વીકારે છે કે ખાલિસ્તાની આતંકવાદ તેની ધરતી પરથી ફેલાય છે, બીજી તરફ ભારત પર હસ્તક્ષેપનો આરોપ લગાવીને રાજદ્વારી સંતુલન બનાવવાનો પ્રયાસ પણ કરે છે. આ દ્વિમુખી સ્થિતિ કેનેડાને મૂંઝવણમાં મૂકે છે.
નિજ્જર કેસથી ભારત-કેનેડા સંબંધો પર અસર
આ અહેવાલ એવા સમયે આવ્યો છે, જ્યારે હરદીપ સિંઘ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો ઠંડા પડ્યા હતા. કેનેડાએ આ મામલે ભારત પર આરોપ લગાવ્યો હતો, પરંતુ ભારતે તેને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો હતો. હવે જ્યારે CSISએ સત્તાવાર રીતે ખાલિસ્તાની પ્રવૃત્તિઓની હાજરી સ્વીકારી લીધી છે તો આ કેનેડા માટે અસહજ સ્થિતિ છે.
તાજેતરમાં G7 શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે મુલાકાત થઈ. બંને દેશોએ સંબંધોને પાટે ચડાવવા માટે નવા હાઈકમિશનરની નિમણૂક અને વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા પર સહમતિ દર્શાવી હતી. આવા સમયે આ અહેવાલ બંને દેશો વચ્ચે વાતચીતનો મહત્ત્વનો મુદ્દો બની શકે છે.
ખાલિસ્તાની પ્રવૃત્તિઓથી જોખમ હજુ યથાવત
અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આતંકવાદી સંગઠનો માટે વિદેશથી મળતો આર્થિક સહયોગ તેમની પ્રવૃત્તિઓને જીવંત રાખવાનું સૌથી મોટું સાધન છે. ખાલિસ્તાની જૂથો પણ આ જ રીતે પ્રવાસી સમુદાયો અને બિન-નફાકારક સંસ્થાઓનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડા સમક્ષ હવે આ પડકાર છે કે તે પોતાના લોકતાંત્રિક માળખા અને નાગરિક સ્વતંત્રતાનું રક્ષણ કરતા આ કટ્ટરવાદી પ્રવૃત્તિઓ પર કેવી રીતે લગામ લગાવે.


