દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ (Rekha Gupta) મંગળવારે (25 ફેબ્રુઆરી) અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સરકાર વિરુદ્ધ CAG રિપોર્ટ (CAG Reports) વિધાનસભામાં રજૂ કર્યો. આ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે AAP સરકારની દારૂ નીતિમાં (Liquor Policy) ઘણી અનિયમિતતાઓ હતી. આમાં ન તો કિંમતો નક્કી કરવામાં આવી હતી અને ન તો દારૂની ગુણવત્તા પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ અનિયમિતતાઓને કારણે સરકારને ₹2002.68 કરોડનું નુકસાન થયું હતું.
CAG રિપોર્ટ અનુસાર આબકારી વિભાગ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કરનો મુખ્ય સ્ત્રોત છે. આ વિભાગમાંથી જ કુલ આવકના 14 ટકા કરવેરા સ્વરૂપે મેળવવામાં આવે છે. આટલો મોટો સ્ત્રોત હોવા છતાં, AAP સરકારે તેમાં મોટી ગેરરીતિઓ કરી હતી. જેમાં લાઇસન્સ ઉલ્લંઘન, પારદર્શિતાનો અભાવ, નબળી દેખરેખ વગેરેનો સમાવેશ થાય છે.
દારૂના ભાવ નક્કી કરવામાં પારદર્શિતાનો અભાવ
ભાજપ સરકારે ગૃહમાં રજૂ કરેલ CAG રિપોર્ટ અનુસાર, AAP અંતર્ગતના એક્સાઇઝ વિભાગે L1 લાઇસન્સધારકોને (ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓ) નિશ્ચિત સ્તરથી વધુની કિંમતના દારૂ માટે તેમના EDP ભાવ જાહેર કરવાની મંજૂરી આપી હતી. ત્યારપછી ઉત્પાદકના નફા સહિતના બધા ઘટકોની કિંમત તેમાં જોડવામાં આવી હતી.
CAG રિપોર્ટ અનુસાર એક જ દારૂ ઉત્પાદક વિવિધ રાજ્યોમાં અલગ અલગ EDP (એક્સ-ડિસ્ટિલરી ભાવ) પર દારૂ સપ્લાય કરે છે. માત્ર એટલું જ નહીં પોતાની જાતે EDP જાહેર કરવાની પરવાનગી મળી જવાના કારણે દારૂ ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓને પોતાના ફાયદા માટે દારૂના ભાવમાં ફેરફાર કરવાની મંજૂરી મળી ગઈ. જેના કારણે દારૂના વેચાણમાં ઘટાડો થયો અને સરકારને મોટું નુકસાન થયું.
Damning revelations in CAG report on liquorgate:
— IndiaToday (@IndiaToday) February 25, 2025
– Rs 941 crore loss in exemptions in zonal licence
– Loss of over 2000 crore to exchequer#ITVideo | @Akshita_N pic.twitter.com/kj0n1slVe2
વાસ્તવિકતામાં, દારૂની વાજબી કિંમત નક્કી કરવા માટે પણ, ઉત્પાદકો પાસેથી કિંમતની વિગતો માંગવામાં આવી ન હતી. તેથી, L1 લાઇસન્સધારકને વધેલી EDPમાં છુપા નફાથી વળતર મળવાનું જોખમ હતું. CAG અનુસાર એક્સાઇઝ વિભાગે કિંમત નિર્ધારણનું નિયમન કરવું જોઈએ જેથી કિંમતને કારણે વેચાણ પર થતી અસરનું વિશ્લેષણ કરીને એક્સાઇઝ ડ્યુટીની આવકને અનુકૂળ બનાવી શકાય.
ગુણવત્તા મૂલ્યાંકનમાં ભારે ઘટાડો
દિલ્હીમાં, દારૂની ગુણવત્તા પણ એક્સાઇઝ વિભાગ નક્કી કરે છે. હાલના નિયમોમાં એવી જોગવાઈ છે કે બલ્ક લાઇસન્સધારકો (L1) માટે લાઇસન્સ જારી કરતી વખતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની (BIS) જોગવાઈઓ અનુસાર વિવિધ પરીક્ષણ રિપોર્ટ સબમિટ કરવાનું ફરજિયાત છે. આબકારી કમિશનરે આ માટે અલગથી ગુણવત્તા નિર્દેશ આપ્યા નહોતા.
CAGએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઘણા એવા મામલા સામે આવ્યા જેમાં પરીક્ષણ અહેવાલો BISના ધોરણો અનુસાર ન હતા. AAP સરકારમાં, એક્સાઇઝ વિભાગે મોટી ખામીઓ હોવા છતાં લાઇસન્સ જારી કર્યા હતા. ઘણી બ્રાન્ડની પાણીની ગુણવત્તા, હાનિકારક તત્વો, ભારે ધાતુઓ, મિથાઈલ આલ્કોહોલ, સૂક્ષ્મજીવોના પરીક્ષણ અહેવાલો વગેરે સબમિટ નહોતા કરાયા.
વધુમાં, કેટલાક લાઇસન્સધારકોએ આપેલ પરીક્ષણ અહેવાલો નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાના નહોતા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એક્ટની માર્ગદર્શિકા અનુસાર NABL રિપોર્ટ સબમિટ કરવો ફરજિયાત છે. નમૂના પરીક્ષણ અહેવાલોની ચકાસણી દરમિયાન અપૂરતા પરીક્ષણ પ્રમાણપત્રો પણ મળી આવ્યા હતા.
કંટ્રોલર અને ઓડિટર જનરલના રિપોર્ટમાં જણાવાયું છે કે વિદેશી દારૂ સંબંધિત 51 ટકા કેસોમાં નમૂના પરીક્ષણ રિપોર્ટ પૂરા પાડવામાં આવ્યા ન હતા. જો રિપોર્ટ્સ પૂરા પાડવામાં આવ્યા હોય તો પણ, ટેસ્ટ રિપોર્ટ્સ કાં તો એક વર્ષ કે તેથી વધુ જૂના હતા અથવા રિપોર્ટમાં તારીખનો ઉલ્લેખ જ નહોતો. આ રીતે આખો મામલો શંકાસ્પદ બની જાય છે.