Friday, February 28, 2025
More
    હોમપેજદેશ14 હોસ્પિટલોમાં ICU પણ નહીં, મહોલ્લા ક્લિનિકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, કોવિડ ફંડનો...

    14 હોસ્પિટલોમાં ICU પણ નહીં, મહોલ્લા ક્લિનિકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, કોવિડ ફંડનો પણ ન થયો ઉપયોગ: જે ‘હેલ્થ મોડેલ’નો કેજરીવાલ કરતા રહ્યા પ્રચાર, તેની CAG રિપોર્ટમાં ખુલી પોલ

    કેજરીવાલ સરકારે કુલ 32000 નવા બેડ ઉમેરવાની ઘોષણા કરી હતી, પરંતુ વાસ્તવમાં માત્ર 4.24% જ કામ થયું અને 1,357 બેડ જ ઉમેરવામાં આવ્યા. અમુક હોસ્પિટલોમાં દર્દીઓની ઓક્યુપેન્સી 101થી 189% જેટલી હતી, જેના કારણે દર્દીઓએ ફર્શ પર ઊંઘવું પડતું હતું. 

    - Advertisement -

    પાટનગર દિલ્હીમાં નવી સરકાર આવ્યા બાદ પાછલી આમ આદમી પાર્ટીની સરકારની કરતૂતો એક પછી એક ખુલી રહી છે. કેજરીવાલ સરકાર જે CAG રિપોર્ટ દબાવીને બેસી રહી હતી તે હવે એક પછી એક વિધાનસભામાં રજૂ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે (28 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી રેખા ગુપ્તા CAGનો વધુ એક રિપોર્ટ રજૂ કરશે, જેમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં કઈ રીતે લાલિયાવાડી ચાલી રહી હતી તે વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

    મીડિયા રિપોર્ટ્સમાં આ CAG રિપોર્ટની અમુક વિગતો સામે આવી છે. હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આકલન કરતા આ અહેવાલમાં CAG દ્વારા જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે AAP સરકારમાં પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓનો પણ સદંતર અભાવ જોવા મળ્યો હતો. 

    ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, CAGએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, દિલ્હીની અનેક મોટી હોસ્પિટલોમાં આવશ્યક સેવાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. શહેરની કુલ 27 હોસ્પિટલોમાંથી 14 હોસ્પિટલોમાં ICU ઉપલબ્ધ નથી. ઉપરાંત 16 પાસે બ્લડ બેન્ક નથી. આઠ હોસ્પિટલો એવી છે જ્યાં ઓક્સિજન સપ્લાય નથી અને 15માં શબઘર પણ નથી. 12 હોસ્પિટલ એવી છે, જે એમ્બ્યુલન્સ સુવિધા વગર ચાલી રહી છે. 

    - Advertisement -

    બીજી તરફ અમુક હોસ્પિટલોમાં સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં રાજીવ ગાંધી અને જનકપુરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે અહીં ઓપરેશન થીએટર અને ICU બેડ તેમજ પ્રાઇવેટ રૂમ ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો. ઉપરાંત ઇમરજન્સી કેર અને ટ્રોમા સેન્ટર વગેરેમાં નિષ્ણાત ડોક્ટરો જ ઉપલબ્ધ ન હતા. 

    ઘોષણા કરી હતી 32000 બેડની, ઉમેર્યા માત્ર હજાર

    કેજરીવાલ સરકારે કુલ 32000 નવા બેડ ઉમેરવાની ઘોષણા કરી હતી, પરંતુ વાસ્તવમાં માત્ર 4.24% જ કામ થયું અને 1,357 બેડ જ ઉમેરવામાં આવ્યા. અમુક હોસ્પિટલોમાં દર્દીઓની ઓક્યુપેન્સી 101થી 189% જેટલી હતી, જેના કારણે દર્દીઓએ ફર્શ પર ઊંઘવું પડતું હતું. 

    લોકનાયક હોસ્પિટલનું ઉદાહરણ આપીને જણાવવામાં આવ્યું છે કે સરખી વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓએ મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. સામાન્ય સર્જરી માટે પણ 6-8 મહિનાનો સમય લાગી જાય છે તેમજ CNBC હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરી માટે 12 મહિનાનું વેઈટિંગ હોવાનું પણ જાણવા મળ્યું. 

    ઘણા હોસ્પિટલ પ્રોજેક્ટ્સ પર કામ જ ન થઈ શક્યું અને તેના કારણે વિલંબ થતો ગયો અને ખર્ચ પણ વધતો ગયો. અમુક હોસ્પિટલોમાં 3-6 વર્ષનો વિલંબ થયો અને તેના કારણે 300 કરોડ રૂપિયાથી વધારાની રકમનો ખર્ચ વધુ થયો. 

    આ સિવાય હેલ્થકેર વર્કરની સંખ્યા પણ ઓછી હોવાનું જણાવવામાં આવ્યું છે. નર્સ સ્ટાફમાં 21%, પેરામેડિક્સમાં 38% અને અમુક હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સના સ્ટાફની અછત 50થી લઈને 96% સુધીની હોવાનું CAGનો રિપોર્ટ જણાવે છે. 

    મહોલ્લા ક્લિનિકની વાસ્તવિકતા પણ સામે આવી

    જે મહોલ્લા ક્લિનિકને અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલનો એક ભાગ તરીકે રજૂ કરતા હતા તેની વાસ્તવિકતા પણ આ CAG રિપોર્ટમાં છતી થઈ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અનેક મહોલ્લા ક્લિનિકમાં અતિઆવશ્યક સુવિધાઓ જેમકે શૌચાલયો, વીજળી, ચેક-અપ ટેબલ વગેરેનો પણ અભાવ છે. આવી જ બેદરકારી આયુષ ડિસ્પેન્સરીમાં પણ જોવા મળી હતી. 

    કોરોના મહામારી સમયે જે ઇમરજન્સી ફંડ ફાળવવામાં આવ્યું હતું તેનો પણ પૂરતો ઉપયોગ કરવામાં ન આવ્યો હોવાનું હવે બહાર આવ્યું છે. કોવિડ રિસ્પોન્સ માટે કુલ ₹787.91 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી ₹582.84 કરોડનો જ ઉપયોગ કરવમાં આવ્યો. હેલ્થકેર વર્કરો માટે ફાળવવામાં આવેલા ₹30.52 કરોડ પણ વપરાયા ન હતા અને જરૂરી દવાઓ અને PPE કીટ માટે ફાળવવામાં આવેલા ₹83.14 કરોડ પણ વપરાયા વગરના જ રહ્યા હતા. 

    આ રિપોર્ટ 28 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભામાં રજૂ કરશે, જેની ઉપર ચર્ચા થશે. જાણવા મળ્યા અનુસાર આવા કુલ 14 રિપોર્ટ છે, જે કેજરીવાલ સરકારે પોલ ખુલી જવાના ડરે વિધાનસભામાં રજૂ કર્યા ન હતા. હવે સરકાર ગયા બાદ ધીમેધીમે તમામ કરતૂતો બહાર આવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી આમાંથી બચવા માટે નવાં-નવાં ગતકડાં લાવતી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં