Saturday, January 11, 2025
More
    હોમપેજગુજરાતબેટ દ્વારકામાં ફરી પહોંચ્યાં બુલડોઝર, સરકારી જમીન સમતલ કરવાનું શરૂ: સેંકડો એકરમાંથી...

    બેટ દ્વારકામાં ફરી પહોંચ્યાં બુલડોઝર, સરકારી જમીન સમતલ કરવાનું શરૂ: સેંકડો એકરમાંથી દબાણ હટાવાશે, 1 હજાર પોલીસકર્મીઓ ખડેપગે

    સમગ્ર ઑપરેશનમાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળીને કુલ એક હજાર કર્મચારીઓ જોડાયા છે. ઑપરેશન હાથ ધરવામાં આવે તે પહેલાં જ પ્રશાસન અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તખ્તો ઘડ્યો હતો અને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકામાં (Beyt Dwrka) ગુજરાત સરકારે ફરી એક વખત બુલડોઝર (Bulldozer Action) રમતાં મૂક્યાં છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સેંકડો એકર સરકારી જમીન દબાવીને તાણી બાંધવામાં આવેલાં મકાનો અને અન્ય ધાર્મિક-મજહબી અને કમર્શિયલ બાંધકામોને એક છેડેથી દૂર કરવામાં આવી રહ્યાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પૂરતી સુરક્ષા વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

    રાજ્ય સરકાર તરફથી સત્તાવાર જાણકારીની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક અહેવાલો અનુસાર ડિમોલિશન ઑપરેશનમાં લગભગ 40થી 50 ગેરકાયદેસર રહેણાંક-કમર્શિયલ બાંધકામો ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે. 

    કાર્યવાહીને પગલે યાત્રિકો માટે બેટ દ્વારકામાં રોક લગાવી દેવામાં આવી છે. બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યાં છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, સાથે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે મંદિરમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. ભગવાનની પૂજા-આરાધના નિત્યક્રમ અનુસાર જ ચાલુ રહેશે. 

    - Advertisement -

    જાણવા મળ્યા અનુસાર, સમગ્ર ઑપરેશનમાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળીને કુલ એક હજાર કર્મચારીઓ જોડાયા છે. ઑપરેશન હાથ ધરવામાં આવે તે પહેલાં જ પ્રશાસન અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તખ્તો ઘડ્યો હતો અને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પણ જિલ્લા પોલીસ વડા, અન્ય અધિકારીઓ તેમજ પ્રશાસનના અધિકારીઓ ખડેપગે હાજર રહ્યા. 

    બીજી તરફ, ઑપરેશન દરમિયાન ડ્રોન કેમેરાની પણ મદદ લઈને સમગ્ર કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહી હજુ કેટલો સમય ચાલશે તે જાણવા મળ્યું નથી, પરંતુ બાંધકામોની સંખ્યા જોતાં થોડો સમય લાગી શકે છે. 

    ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકા એ ભારતનો પશ્ચિમ છેડો છે. દેવભૂમિ દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલા આ નાનકડા ટાપુ પર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જે હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો લોકો અહીં ભગવાનના દર્શને આવે છે. પહેલાં અહીં દરિયાઈ માર્ગે જ જઈ શકાતું, પણ હવે પુલ બની ગયો છે.  

    દ્વારકાથી શરૂ થયું હતું ડિમોલિશન, દ્વારકામાં જ હવે શરૂ થયો બીજો તબક્કો 

    ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિલોમીટર લાંબો છે. તેના ફાયદા ઘણા છે, પણ સાથે-સાથે સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ બાબત પણ છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર આવ્યા બાદ કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપવામાં આવ્યું અને તેની સાથે જ આ વિસ્તારોમાં વર્ષોથી સરકારી જમીન પર કરવામાં આવેલા અતિક્રમણને પણ ચિહ્નિત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 

    વર્ષ 2022માં આ દબાણો હટાવવાની શરૂઆત દ્વારકાથી જ કરવામાં આવી હતી અને સેંકડો એકર સરકારી જમીન પર બુલડોઝર ફેરવીને બાંધકામો ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. આ ઑપરેશન ગુજરાતના ઇતિહાસનું સંભવતઃ સૌથી મોટું ડિમોલિશન ઑપરેશન હતું. ત્યારબાદ પણ સરકારે સોમનાથ, પોરબંદર વગેરે દરિયાકાંઠાના વિસ્તારોમાં આ કાર્યવાહી ચાલુ જ રાખી. તાજેતરમાં સોમનાથમાં પણ મોટાપાયે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

    હવે ફરીથી બુલડોઝર દ્વારકા પહોંચ્યાં છે. અહેવાલો એવા છે કે 2022ના ડિમોલિશન બાદ બેટ દ્વારકા વિસ્તારમાં અતિક્રમણ વિશે તંત્રને વધુ જાણકારી મળી હતી. ત્યારબાદ દબાણો ચિન્હિત કરવામાં આવ્યાં. હજુ પણ જ્યાં-જ્યાં દબાણો હશે ત્યાં આ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે તેવું સરકારી સૂત્રો જણાવી રહ્યાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં