બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં હવે જો સાંજના સમયે નીકળીએ તો ગામ એકદમ શાંત લાગશે. પરંતુ બે-ત્રણ દાયકા પહેલાં આ વિસ્તાર ‘મિની ચંબલ’ કહેવાતો હતો. ડાકુઓનું રાજ હતું, જ્યાં સાંજે પાંચ વાગ્યા પછી ઘરની બહાર નીકળવું એ મોતને આમંત્રણ આપવા જેવું હતું. અપહરણ, લૂંટ, હત્યા અને નરસંહાર રોજની વાત હતી. લાલુ યાદવના જંગલરાજમાં આ બધું ચરમસીમાએ હતું. પરંતુ એક સામાન્ય ફૌજી બદ્રી નારાયણ પાંડેએ હિંમત બતાવી. તેમણે ગ્રામ રક્ષા દળ બનાવ્યું, જેણે ચંપારણમાંથી ડાકુઓને ખદેડ્યા અને સમગ્ર દેશમાં સ્વરક્ષાનું ઉદાહરણ બની ગયા. છત્તીસગઢના સલવા જુડુમથી લઈને જમ્મુ-કાશ્મીરના ગામ રક્ષા દળો સુધી પાંડેની આ વાત આજે પણ પ્રેરણા આપી રહી છે.
બદ્રી નારાયણ પાંડેએ ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે આ બધું કેવી રીતે શરૂ થયું હતું. પરંતુ પહેલાં આવો, તે અંધકારમય યુગની વાત કરીએ- જ્યારે બિહાર જંગલરાજનું શિકાર હતું. 1990થી 2005 સુધી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીની સરકારમાં અપરાધ આસમાનને આંબી રહ્યો હતો. આંકડા આંચકો આપનારા છે. એક અહેવાલ મુજબ આ યુગમાં 32,000થી વધુ અપહરણ થયાં, 18,000 હત્યાઓ થઈ અને 59 મોટા નરસંહાર થયા હતા. પટના હાઇકોર્ટે 1997માં તેને સત્તાવાર રીતે ‘જંગલરાજ’ ગણાવ્યું હતું.
બિહારમાં જંગલરાજનો યુગ અને મિની ચંબલનો ભય
1990નો દાયકો બિહાર માટે અંધકારનો યુગ હતો. તે સમયે લાલુ પ્રસાદ યાદવની સરકાર હતી અને બિહારમાં જંગલરાજ શબ્દ સામાન્ય થઈ ગયો હતો. પશ્ચિમ ચંપારણનો બગહા વિસ્તાર, જેને લોકો ‘મિની ચંબલ’ કહેતા હતા, ડાકુઓના આતંકનું કેન્દ્ર બની ગયો હતો. સાંજે 5 વાગ્યા પછી લોકો ઘરની બહાર નીકળવાથી ડરતા હતા. અપહરણ, લૂંટ, હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ રોજની વાત હતી. શાળા-કોલેજ બંધ થઈ ગઈ હતી, વેપારીઓ બજાર જતા નહોતા અને ખેડૂતો પોતાના ખેતરોમાં જવા માટે પણ ડરતા હતા. આ વિસ્તારમાં ડાકુઓનો એટલો ભય હતો કે લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નહોતા.
આવો જ જંગલરાજનો સૌથી ક્રૂર ચહેરો હતો 14 ડિસેમ્બર 1994નો નરકટિયા નરસંહાર. રામનગર પ્રખંડના નરકટિયા ભુઅરવા ગામમાં ડાકુઓએ 15 ગ્રામીણોને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા. સશસ્ત્ર ડાકુઓએ એક જ રાતમાં ગૌરી શંકર મહતો, જય રામ મહતો, રામવિલાસ મહતો, વિશ્રામ મહતો, ધર્મરાજ મહતો, ભિખારી મહતો, છેડી મહતો, રૌશન મહતો, રોગાહી મહતો, નરસિંહ મહતો, ભુવનેશ્વર મહતો, રુદલ મહતો, બલિરામ મહતો, સદાકત મિયાં અને પાંડુ મુંડા સહિત એક ડઝનથી વધુ ગ્રામીણોની નિર્મમ હત્યા કરી નાખી હતી.
આ નરસંહારથી આખા વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો. રાધા યાદવ, રામચંદ્ર મલ્લાહ, અલાઉદ્દીન મિયાં, ચુમ્મન યાદવ, રાજેન્દ્ર ચૌધરી, કિશોરી નુનિયાં, પથ્થર ચૌહાણ અને નેમા યાદવ જેવા કુખ્યાત ડાકુઓના ટોળા આ વિસ્તારમાં આતંકનો પર્યાય બની ગયા હતા.
જંગલરાજ એટલે લાલુના શાસનમાં અપરાધનું વર્ચસ્વ
લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના શાસનકાળમાં બિહારમાં અપરાધ અને રાજકારણનું જોડાણ ચરમસીમાએ હતું. પશ્ચિમ ચંપારણમાં ડાકુઓનું એટલું વર્ચસ્વ હતું કે તેઓ પોતાના દરબાર લગાવતા હતા, જ્યાં રાજનેતાઓ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે માથું ટેકવા આવતા હતા. ડાકુઓના સરગના જેમ કે ભગડ યાદવ, લચ્છન યાદવ, બંસી યાદવ, હરિહર યાદવ, લાલુ યાદવ અને સુરેશ ગોડ માત્ર અપરાધ કરતા એટલું જ નહીં, પરંતુ સ્થાનિક રાજકારણમાં પણ દખલ રાખતા હતા.
પોલીસ અને વહીવટીતંત્રનું તેમના પર કોઈ નિયંત્રણ નહોતું. સરકારની નિષ્ફળતાને કારણે સામાન્ય લોકો અસહાય હતા. બાળકો શાળાએ જઈ શકતા નહોતા અને માતા-પિતા દરેક ક્ષણે તેમની સલામતી માટે પ્રાર્થના કરતા હતા. આ જ યુગમાં પશ્ચિમ ચંપારણના ડીએમએ આ વિસ્તારને ‘મિની ચંબલ’ જાહેર કરી દીધું હતું. જજને પણ ગોળી મારી દેવામાં આવી હતી. 1986માં પોલીસે ‘ઑપરેશન બ્લેક પેન્થર’ શરૂ કર્યું, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યું. ડાકુઓનો આતંક ઘટવાનું નામ નહોતો લેતો. તેવામાં સામાન્ય લોકોએ હિંમત ભેગી કરી અને પોતાના સ્તરે આ આતંક સામે લડવાનો નિર્ણય કર્યો.
બદ્રી નારાયણ પાંડેએ ગ્રામ રક્ષા દળની કરી શરૂઆત
આ ભયાનક વાતાવરણમાં એક સામાન્ય વ્યક્તિ બદ્રી નારાયણ પાંડેએ સમાજને ડાકુઓના આતંકથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સેનાના મેડિકલ કોર્પ્સમાંથી નિવૃત્ત ક્લાર્ક પાંડે પોતાના ગામ સિસવા-બસંતપુરમાં ડાકુઓના ભયને જોઈ ચૂક્યા હતા. લોકો સવારે 8 વાગ્યા પહેલાં દરવાજા ખોલતા નહોતા અને સૂર્ય અસ્ત થતાં જ ઘરમાં કેદ થઈ જતા હતા. પાંડેએ આ સ્થિતિ બદલવાનું બીડું ઝડપી લીધું.
27 જુલાઈ 1990માં તેમણે ગ્રામ રક્ષા દળની સ્થાપના કરી હતી. આ એક એવું સંગઠન હતું, જેમાં ગામના દરેક ઉંમર અને જાતિના લોકો જોડાયા હતા. પાંડેએ શરૂઆતમાં કેટલાક ગ્રામીણોને ભેગા કરી ‘શહીદી જથ્થા’ બનાવ્યો અને તમામ લાઇસન્સી હથિયારો એકઠા કર્યા હતા. તેમણે શપથ લેવડાવી કે તેઓ ગામની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દેશે. આ દળે ગામમાં ચોકી શરૂ કરી. દરેક ગામમાં ચોકીઓ બનાવવામાં આવી, જ્યાં ઓળખ અને ચકાસણી વિના કોઈને પ્રવેશ ન મળે. દિવસે લોકો હથિયાર ચલાવવાની તાલીમ લેતા હતા અને રાત્રે જાગીને ડ્યુટી કરતા હતા. મહિલાઓ અને બાળકો પણ આ મિશનમાં જોડાતા હતા.
અભયાનંદ અને જી. કૃષ્ણૈયાનો મળ્યો સાથ
આ અભિયાનમાં પાંડેને તત્કાલીન પોલીસ અધિક્ષક અભયાનંદ અને ડીએમ જી. કૃષ્ણૈયાનો સાથ મળ્યો હતો. અભયાનંદ પાંડેના પ્રયાસોને સમજ્યા અને તેમને નૈતિક તેમજ લોજિસ્ટિક સમર્થન આપ્યું હતું. જી. કૃષ્ણૈયાએ પણ પોતાની નોકરીની પરવા કર્યા વિના ગ્રામીણોની સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી. બંને અધિકારીઓએ ગ્રામ રક્ષા દળની બેઠકોમાં ભાગ લીધો અને તેમનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 1994માં ગોપાલગંજમાં ડીએમ તરીકે તૈનાત જી. કૃષ્ણૈયાની હત્યા કરી દેવામાં આવી, જે તે સમયે લાલુ યાદવના ગૃહ જિલ્લામાં હતા. તેમની હત્યાએ આખા બિહારમાં હડકંપ મચાવી દીધો, પરંતુ ગ્રામ રક્ષા દળની તાકાત અને વિશ્વાસ તોડી શક્યા નહીં.
ગ્રામ રક્ષા દળે અનુશાસિત સેના જેવું કામ કર્યું
ગ્રામ રક્ષા દળે ડાકુઓનો સામનો કરવા માટે સૈન્ય શૈલીમાં કામ કર્યું હતું. તેમણે ડાકુઓના બાતમીદારો અને સહયોગીઓને ઓળખી કાઢ્યા બાદ કેટલાકને સુધારવાનો પ્રયાસ કર્યો અને જે ન માન્યા તેમને ગામમાંથી કાઢી મૂક્યા અથવા સજા આપી. પાંડેએ ડાકુઓના ટોળામાં સેંધ લગાવી અને તેમના સહયોગીઓને પોતાની તરફેણમાં કરી લીધા હતા. તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાની લાલચ આપી અને તેમના પરિવારોને સુરક્ષાનું વચન આપ્યું. આ રીતે ડાકુઓની જાસૂસી શરૂ થઈ. ગ્રામ રક્ષા દળને ડાકુઓના હથિયારો અને ગોળીઓની પૂરી માહિતી રહેતી હતી. જ્યારે ડાકુઓ હુમલો કરતા અને તેમની ગોળીઓ ખતમ થઈ જતી, ત્યારે ગ્રામ રક્ષા દળ જવાબી કાર્યવાહી કરતું અને તેમને મારી નાખતું અથવા પકડી લેતું હતું.
1990થી 2002 સુધી આ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો. આ દરમિયાન ગ્રામ રક્ષા દળે મશીન ગન, સ્ટેન ગન જેવા હથિયારો છીનવી લીધા અને તેમને સરકારને સોંપ્યા હતા. તેમની પાસે એક સમયે 16,000 હથિયારો હતા, જેમાંથી 9,500 લાયસન્સવાળા હતા. આ સંસ્થાએ 375થી વધુ ગામોમાં પોતાના એકમો સ્થાપિત કર્યા, જે પશ્ચિમ ચંપારણના 60%થી વધુ વિસ્તારને આવરી લેતા હતા. ડાકુઓને સોમેશ્વર પહાડીઓના જંગલોમાં ખદેડી મૂક્યા હતા. આ અભિયાને ડાકુઓને આત્મસમર્પણ કરવા અથવા ભાગવા મજબૂર કરી દીધા હતા.
નરકટિયા નરસંહાર અને ગ્રામ રક્ષા દળનો જવાબ
નરકટિયા નરસંહાર પછી ડાકુઓએ ગ્રામવાસીઓ પાસેથી ચોખા, બકરી અને મહિલાઓની માંગ કરી હતી. જ્યારે ગ્રામીણોએ ના પાડી ત્યારે ડાકુઓએ 15 લોકોની હત્યા કરી નાખી હતી. ત્યારપછી ગ્રામ રક્ષા દળે વધુ કડકાઈ બતાવી હતી. તેમણે એક કિલોમીટર લાંબી માનવ શૃંખલા બનાવી, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. આ એકતાએ ડાકુઓની તાકાત તોડી નાખી હતી. 16 બાળકોના એકસાથે અપહરણની ઘટનામાં ગ્રામ રક્ષા દળે ત્વરિત કાર્યવાહી કરી તેમને છોડાવી લીધા હતા.
રાજકીય વિરોધ પણ થયો, RJD ગભરાઈ
ગ્રામ રક્ષા દળની વધતી તાકાતથી સત્તાધારી રાષ્ટ્રીય જનતા દળ (RJD) ગભરાઈ ગયું હતું. તેમને ડર હતો કે બદ્રી નારાયણ પાંડે પોતાની રાજકીય પાર્ટી બનાવીને તેમની સત્તાને પડકાર આપશે. વિધાનસભા અને લોકસભામાં ગ્રામ રક્ષા દળ વિરુદ્ધ અવાજ ઉઠ્યો, પરંતુ તત્કાલીન વિધાનસભા અધ્યક્ષએ સરકારને આડે હાથે લીધી અને કહ્યું કે જ્યારે સરકાર લોકોની સુરક્ષામાં નિષ્ફળ છે, ત્યારે સામાન્ય લોકો પોતાની રક્ષા માટે પગલાં ઉઠાવી રહ્યા છે. આ સમર્થને ગ્રામ રક્ષા દળને વધુ મજબૂત બનાવ્યું હતું.
2002 સુધીમાં પશ્ચિમ ચંપારણમાંથી ડાકુઓનો લગભગ સફાયો થઈ ગયો હતો. ડાકુઓએ આત્મસમર્પણ કર્યું અને બગહા જેવા વિસ્તારોમાં શાંતિ પાછી આવી હતી. ગ્રામ રક્ષા દળની આ સફળતાએ છત્તીસગઢમાં સલવા જુડુમ જેવા આંદોલનોને પ્રેરણા આપી હતી. આજે પણ જમ્મુ-કાશ્મીરમાં ગ્રામ રક્ષા દળ જેવી સંસ્થાઓ આતંકવાદ સામે લડવા માટે સરકાર દ્વારા તહેનાત કરવામાં આવે છે.
એસએન સુબ્બારાવ બન્યા બદ્રી પાંડેની પ્રેરણા
બદ્રી પાંડેની પ્રેરણાનો સ્ત્રોત યુથ પ્રોજેક્ટ બેંગલુરુમાં તેમની ભાગીદારી હતી, જ્યાં એસ.એન. સુબ્બારાવના નેતૃત્વમાં યુવાનોને સામાજિક કાર્યો માટે પ્રેરિત કરવામાં આવતા હતા. પાંડેએ આ પ્રેરણાને પોતાના ગામમાં અમલમાં મૂકી અને સમાજને એક કરી ડાકુઓ સામે લડાઈ લડી હતી. તેમની આગેવાનીમાં ગ્રામ રક્ષા દળે માત્ર ડાકુઓને હરાવ્યા એટલું જ નહીં, પરંતુ સમાજમાં અનુશાસન અને એકતાનું નવું વાતાવરણ ઉભું કર્યું હતું.
અપરાધ મુક્તિ તરફ આજનું પશ્ચિમ ચંપારણ
2005માં નીતીશ કુમારની સરકાર બન્યા પછી બિહારમાં અપરાધ પર ઘણી હદે અંકુશ લાગ્યો છે. ક્યારેક ડાકુઓનું કેન્દ્ર રહેલા પશ્ચિમ ચંપારણનું ગોબરહિયા થાના વિસ્તાર આજે અપરાધમુક્ત છે. છેલ્લા પાંચ વર્ષમાં અહીં હત્યા, લૂંટ, છીનાઝપટી અથવા મહિલા ઉત્પીડન જેવા કેસ નગણ્ય છે. ગામોમાં ‘ગુમસ્તા’ નામના વ્યક્તિ વિવાદોનું નિવારણ કરે છે, જેથી કેસ પોલીસ સુધી પહોંચતા નથી.
1990માં ‘ગ્રામ રક્ષા દળ શહીદી જથ્થા’ની સ્થાપના કરી ચંપારણને ડાકુઓના આતંકથી મુક્ત કરાવનાર બદ્રી નારાયણ પાંડેથી સાંભળો ચંપારણમાં ડકૈતી અને લૂંટની વાસ્તવિકતા.
બદ્રી નારાયણ પાંડે અને તેમના ગ્રામ રક્ષા દળની ગાથા બિહારના જંગલરાજ સામે ઝઝૂમતા એક સમાજની જીતની વાત છે. નરકટિયા નરસંહાર જેવા ભયાનક સમયમાંથી નીકળીને પશ્ચિમ ચંપારણે શાંતિ અને સુરક્ષાનું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. પાંડેની હિંમત, અભયાનંદ અને જી. કૃષ્ણૈયા જેવા અધિકારીઓનો સાથ અને ગ્રામીણોની એકતાએ ‘મિની ચંબલ’ને અપરાધમુક્ત વિસ્તારમાં બદલી નાખ્યું હતું. આ ગાથા માત્ર બિહાર માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક પ્રેરણા છે કે જો સમાજ એક થઈ જાય તો કોઈ પણ પડકાર અસંભવ નથી.


