Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ‘જામા મસ્જિદના દાદરમાંથી જલ્દીથી બહાર આવશે ભગવાન શ્રીકૃષ્ણ’: બાગેશ્વર ધામ સરકારનું એલાન,...

    ‘જામા મસ્જિદના દાદરમાંથી જલ્દીથી બહાર આવશે ભગવાન શ્રીકૃષ્ણ’: બાગેશ્વર ધામ સરકારનું એલાન, કહ્યું- હવે હિંદુઓ જાગી રહ્યા છે

    આ પહેલાં 15 એપ્રિલ, 2023ના રોજ દેવકીનંદન ઠાકુરે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિને મુક્ત કરાવવા માટે બાગેશ્વરધામના પીઠાધીશ્વર સાથે મળીને દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવશે.

    - Advertisement -

    બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આગ્રા સ્થિત જામા મસ્જિદના દાદરમાંથી ભગવાન શ્રીકૃષ્ણ જલ્દીથી જ બહાર આવશે. તેમણે એમ પણ કહ્યું કે, કાશી વિશ્વનાથની જેમ જ મથુરામાં પણ કોરિડોર બનાવવામાં આવવો જોઈએ.

    વાસ્તવમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથાકાર દેવકીનંદન ઠાકુર દ્વારા આયોજિત રુદ્રાભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મથુરા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, “અમારા મતે જે રીતે વિશ્વનાથજીના મંદિરનું કાર્ય થયું છે, તેવી જ રીતે જો અહીં ભક્તો માટે બાંકે બિહારીનું કામ કરવામાં આવે તો ખૂબ જ ખુશી થશે.”

    ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું કે કૃષ્ણ ભક્તોએ હજુ કેટલી રાહ જોવી પડશે? જામા મસ્જિદના દાદરમાંથી ભગવાન ક્યારે બહાર આવશે? આ બાબતે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, “બહુ જલદી. અમારા ભાઈ આ અંગે કાર્ય કરી રહ્યા છે. ભગવાન મહાદેવના પાર્થિવ શિવલિંગની આ વિધિ અને અષ્ટોત્તર સદ્દપાઠ શ્રીમદ્દ ભાગવતનો મૂળ પાઠ બ્રાહ્મણો દ્વારા આ માટે જ કરાવવામાં આવે છે, જેથી ભગવાન કૃષ્ણ જલદી બહાર આવે અને રામમંદિરની જેમ જ સૌની આંખો ખુલી જાય.”

    - Advertisement -

    શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં સહકાર અંગે તેમણે જવાબ આપતાં કહ્યું કે, તેઓ સંપૂર્ણ સહકાર આપશે અને સૌથી આગળ પણ રહેશે. મથુરામાં ભગવાન સાથે સંબંધિત પુરાવાઓના સવાલ પર તેમણે કહ્યું, “બધી ઠાકોરજીની લીલા છે. સમય ચક્ર છે. હવે હિંદુઓ જાગી રહ્યા છે. સૌ કૃષ્ણ ભક્તો એકત્રિત થઇ રહ્યા છે. વ્રજવાસીઓ પણ એકત્ર થઇ રહ્યા છે. પૂજ્ય જ્યેષ્ઠ ભાઈશ્રી (દેવકીનંદન ઠાકુર)ના નેતૃત્વમાં દરેક સંતોના આશીર્વાદથી ટૂંક સમયમાં આ ઈચ્છા પણ પૂરી થશે.”

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 15 એપ્રિલ, 2023ના રોજ દેવકીનંદન ઠાકુરે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિને મુક્ત કરાવવા માટે બાગેશ્વરધામના પીઠાધીશ્વર સાથે મળીને દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવશે. આ આંદોલનમાં યુવાઓની ભૂમિકા મહત્વની રહેશે. આ આંદોલન વ્રજભૂમિથી શરૂ થઈને આગ્રા, કાનપુર, પ્રયાગરાજ થઈને સમગ્ર દેશમાં પહોંચશે. જેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

    તેમણે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણનું મંદિર તોડીને તેમની મૂર્તિઓને આગ્રાની શાહી જામા મસ્જિદમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિમાઓને મસ્જિદના દાદરમાં ચણી દેવામાં આવી હતી. આ બાબતે લોકો જાણતાં હોવા છતાં હજુ મૌન છે. તે દાદરને ખોદાવીને મૂર્તિઓ બહાર નીકાળવા બાબતે કોર્ટ અને નેતાઓને અપીલ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યમાં મસ્જિદને કોઈ નુકસાન પહોંચાડવામાં નહીં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં