મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadanvis) વિધાનસભામાં રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, આ યાત્રામાં ‘અર્બન નક્સલી સંગઠનો’ (Urban Naxal organisations) સામેલ હતા. તેમણે આ સંગઠનોને એવા ગણાવ્યા હતા કે જે સંવિધાનની વાત તો કરે છે પરંતુ તેમાં વિશ્વાસ નથી કરતા. ફડણવીસે દાવો કર્યો હતો કે આ જૂથો દેશમાં અરાજકતા અને તંત્ર પ્રત્યે અવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (ATS) ટેરર ફન્ડિંગની તપાસ કરી રહી હોવાનો ખુલાસો પણ સીએમ ફડણવીસે કર્યો હતો.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને દાવો કર્યો હતો કે, 15 નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ સંગઠનો સામેલ હતા. તેમણે દાવો કર્યો કે, આ બેઠકમાં ઈવીએમના વિરોધ અને મહારાષ્ટ્ર અને ભાજપ શાસિત રાજ્યોમાં બેલેટ પેપરની માંગ પર ચર્ચા કરવામાં આવી હતી.
MASSIVE CLAIM:
— Rahul Shivshankar (@RShivshankar) December 19, 2024
Speaking in the Maha Assembly today state CM Devendra Fadnavis has alleged, “A meeting was held in Kathmandu on November 15, 2024. Some individuals associated with Rahul Gandhi's Bharat Jodo yatra and a group of "urban naxals" were present at this meeting. I have… pic.twitter.com/rIyeJatf6m
સીએમ ફડણવીસે દાવો કર્યો હતો કે ભારત જોડો યાત્રામાં સામેલ 180 સંગઠનોમાંથી 40 સંગઠનો એવા છે જેને UPA સરકારના રાજ દરમિયાન અર્બન નક્સલ સંગઠનો જાહેર કરવામાં આવ્યા હતા. સીએમના જણાવ્યા અનુસાર આ સંગઠનો તાજેતરની મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી (MVA) માટે પ્રચારનું કામ કરી રહ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે 72 ફ્રન્ટલ સંગઠનોનો કર્યો ઉલ્લેખ
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, “18 ફેબ્રુઆરી, 2014ના રોજ મનમોહન સિંઘની સરકાર દરમિયાન કેન્દ્ર સરકારે લોકસભામાં 72 ફ્રન્ટલ સંગઠનોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાંથી 7 સંગઠનો સીધી રીતે તમારા ભારત જોડોની છે. નક્સલ વિરોધી અભિયાનમાં જે 13 સંગઠનોના નામ છે તે પણ ભારત જોડો સાથે સંબંધ ધરાવે છે. કોંગ્રેસ અને શિવસેના UBTવાળી મહાવિકાસ અઘાડીએ ચૂંટણી જીતવા તમામ પ્રયાસ કર્યા, પણ ભાજપ-શિવસેના અને NCPની મહાયુતિએને બહુમત મળ્યો. હું એમની દેશભક્તિ પર સવાલ નથી ઉઠાવી રહ્યો, પણ તેમને સમજવું જોઈએ કે તેઓ કોની સાથે ખભો મેળવીને કામ કરી રહ્યા છે.”
ટેરર ફંડિંગનો આરોપ
પોતાના વિધાનસભા ભાષણ દરમિયાન સીએમ દેવેન્દ્રએ મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન ટેરર ફંડિંગ થયું હોવાનો દાવો કરતા નાસિક જિલ્લાના માલેગાંવમાં ચાલી રહેલી તપાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “કેટલાક યુવાનોએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના નામે ₹114 કરોડની બિનહિસાબી રકમ જમા કરાવવામાં આવી છે.”
તેઓએ આગળ કહ્યું કે, “આરોપી સિરાજ મોહમ્મદે 14 વ્યક્તિઓના આધાર અને પાનકાર્ડનો ઉપયોગ કરીને 14 બેંક ખાતા ખોલાવ્યા હતા અને આ ખાતાઓમાં રકમ જમા કરાવી હતી. આ ખાતાઓમાં કુલ ₹1000 કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. તેમાંથી ₹600 કરોડ દુબઈ મોકલવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ₹100 કરોડનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.”