સ્વઘોષિત ફેક્ટચેકર અને ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈરને (Mohammed Zubair) અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) વચગાળાની રાહત આપીને 6 જાન્યુઆરી સુધી ધરપકડ પર રોક લગાવી દીધી છે. યતિ નરસિંહાનંદના સમર્થકો દ્વારા FIR દાખલ કરવામાં આવ્યા બાદ તેને રદ કરવાની માંગ સાથે ઝુબૈર હાઇકોર્ટ પહોંચ્યો હતો, જે મામલે હાલ સુનાવણી ચાલી રહી છે.
કોર્ટે કહ્યું કે, મોહમ્મદ ઝુબૈર દુર્દાંત અપરાધી નથી અને તાત્કાલિક ધરપકડની જરૂર પણ જણાતી નથી. જોકે, શરત એવી મૂકવામાં આવી છે કે તે દેશ છોડીને જઈ શકશે નહીં અને પોલીસની તપાસમાં પૂરતો સહયોગ આપવો પડશે. કોર્ટ આ મામલે હવે 6 જાન્યુઆરીના રોજ આગળની સુનાવણી હાથ ધરશે. જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ નલિન કુમાર શ્રીવાસ્તવની બેન્ચ કેસ જોઈ રહી છે.
Justice Varma : We are of a tentative view that he is not a dreaded criminal to be arrested immediately, he may cooperate with the investigation.#AllahabadHighCourt #MohammedZubair #YatiNarsinghanand
— Live Law (@LiveLawIndia) December 20, 2024
ઝુબૈરની અરજી પર શુક્રવારે (20 ડિસેમ્બર) લગભગ ત્રણેક કલાક સુનાવણી ચાલી હતી. જેમાં UP સરકાર તરફથી હાઇકોર્ટને જણાવવામાં આવ્યું કે, ઝુબૈરે યતિ નરસિંહાનંદ વિશે X પર કરેલી પોસ્ટ્સમાં ઘણે ઠેકાણે માહિતીદોષ હતો અને તેના કારણે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતા પર પણ અસર પડી હતી.
સરકારે જણાવ્યું કે, તેની પોસ્ટ સિલેક્ટિવ હતી અને પોલીસ મશિનરીને કામ કરતી અટકાવવાના ઇરાદે લોકોને કાયદો હાથમાં લેવા માટે ઉશ્કેરણી કરવા માટે પોસ્ટ કરવામાં આવી હતી. ફેક્ટચેકર તરીકે તે જાણતો હતો કે યતિ નરસિંહાનંદ સામે કાર્યવાહી થઈ ચૂકી છે, તેમ છતાં તેણે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું કહીને પોસ્ટ કર્યે રાખી હતી.
જોકે, શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ શકી ન હતી અને કોર્ટે સરકાર પાસેથી થોડી વધુ વિગતો મંગાવી છે. જે 6 જાન્યુઆરી સુધીમાં જમા કરાવવાની રહેશે. આ દરમિયાન ધરપકડ કરી શકાશે નહીં.
અહીં નોંધવું જોઈએ કે 3 ઑક્ટોબરના રોજ મો. ઝુબૈરે પોતાના X અકાઉન્ટ પર અમુક પોસ્ટ કરી હતી. જેમાં પહેલી પોસ્ટમાં તેણે ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદનો એક વિડીયો પોસ્ટ કરીને તેમની ઉપર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે UP પોલીસને પણ ટેગ કરીને પૂછ્યું હતું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી.
ત્યારબાદ તેણે યતિના અમુક જૂના વિડીયો ફરતા કર્યા હતા. ફરિયાદી ઉદિતા ત્યાગીએ જણાવ્યું છે કે, ઝુબૈર જાણતો હતો કે આ મામલે કાર્યવાહી થઈ ચૂકી છે, પણ તેણે મુસ્લિમોને ઉશ્કેરવાના ઇરાદે આ વિડીયો ફેરવ્યા હતા અને જેના કારણે ડાસના દેવી મંદિરે ઇસ્લામી કટ્ટરપંથીઓનું ટોળું પણ ઘસી આવ્યું હતું. પરંતુ પોલીસની સતકર્તાના કારણે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
ઉદિતા ત્યાગીની ફરિયાદ પર પછીથી UP પોલીસે FIR દાખલ કરી હતી. જેના આધારે પછીથી ઝુબૈર કોર્ટ પહોંચ્યો હતો.